પુલવામા એટેકના બાર દિવસ પછી ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન સામે બદલો વાળવાની તમામ હિન્દુસ્તાનીઓની લાગણીને અંજામ આપ્યો છે. વાયુસેનાના ૧૨ ફાઈટર જેટ્સ મિરાજ-૨૦૦૦ના કાફલાએ ૨૭ ફેબ્રુઆરી મંગળવારની વહેલી સવારે લાઈન ઓફ કંટ્રોલ પાર કરી બાલાકોટ, મુઝફ્ફરાબાદ અને ચાકોટીમાં જૈશ એ મોહમ્મદની તાલીમ છાવણીઓ પર આશરે ૧,૦૦૦ કિલોગ્રામની બોમ્બવર્ષા કરી જોરદાર હુમલો કરી તહસનહસ કરી નાખી છે. વાયુસેના દ્વારા ૧૯૭૧ના યુદ્ધ પછી પ્રથમ વખત જ લાઈન ઓફ કંટ્રોલ પાર કરીને થયેલા આ હુમલામાં ૩૦૦ જેટલી મોટી સંખ્યામાં ત્રાસવાદીઓ માર્યા ગયા હોવાનું પણ કહેવાય છે. આ સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બદલો લેવાનો નિર્ણય ભારતીય સૈન્યને હસ્તક સુપરત કર્યો હતો તેને વાયુસેનાએ સાચો પુરવાર કરી બતાવ્યો છે.
બાલાકોટ છાવણી જૈશના વડા મસૂદ અઝહરના નજીકના સગા મૌલાના યુસુફ અઝહર ઉર્ફ ઉસ્તાદ ઘોરી દ્વારા જ ચલાવાતી હતી. જૈશ દ્વારા પુલવામા હુમલા પછી પણ ભારતમાં વધુ આત્મઘાતી હુમલાઓનું આયોજન થઈ રહ્યું હતું તેને ધ્યાનમાં રાખીને જ તેની કમર ભાંગી નાખવા એર સ્ટ્રાઈકનો નિર્ણય લેવાયો હતો. હવાઈહુમલા અગાઉ પાકિસ્તાને ‘ખેંચ પકડ મુઝે જોર આતા હૈ’ની જેમ ઘણાં હાકલા પડકારા કર્યા હતા, પરંતુ તેણે આવી તો કલ્પના પણ કરી નહિ હોય. ભારત સરહદે તેના અવિચારી છમકલાં તો ચાલુ થઈ જ ગયા છે, પરંતુ ભારતીય સેના સાબદી અને સતર્ક હોવાથી તેની કોઈ કારી ફાવશે નહિ તે પણ નિશ્ચિત છે.
આમ તો આંતરરાષ્ટ્રીય મત ભારતની તરફેણમાં જ રહ્યો છે. પરંતુ, ભારતીય વાયુસેના દ્વારા સર્જિકલ સ્ટ્રાઈક પછી સૌપ્રથમ ઓસ્ટ્રેલિયા ભારતના સમર્થનમાં આગળ આવ્યું છે. અગાઉ, પુલવામા હુમલાને ઓસ્ટ્રેલિયાએ વખોડી કાઢ્યો હતો. ઓસ્ટ્રેલિયાના વિદેશ પ્રધાન મૈરિસ પાઈને પાકિસ્તાનને તેની ભૂમિમાં ઉછરી રહેલાં અને સક્રિય આતંકવાદી સંગઠનો વિરુદ્ધ કાર્યવાહી કરવાની તેમજ કાશ્મીરમાં આતંક ફેલાવતા ત્રાસવાદીઓને પોતાની ભૂમિનો ઉપયોગ કરવા નહિ દેવાની સાચી સલાહ આપી છે. હકીકત તો એ છે કે ભારત પણ આમ કહેતું આવ્યું છે. જેના દ્વારા સતત ત્રાસવાદને સમર્થન અપાતું હોય તેની સાથે મંત્રણાના દ્વાર કેવી રીતે ખોલી શકાય તેવી લોકલાગણી હોવાં છતાં ભારતે અવારનવાર દોસ્તીનો હાથ લંબાવ્યો જ છે, જેને તરછોડી નાખવામાં પાકિસ્તાને પાછીપાની કરી નથી. પુલવામા હુમલાના પગલે ભારત અને પાકિસ્તાન વચ્ચે સર્જાયેલી તંગદિલી બાબતે પણ ઓસ્ટ્રેલિયાએ ચિંતા વ્યક્ત કરી જ હતી. એ વાત પણ એટલી જ સાચી છે કે ભારતે આતંકવાદી છાવણીઓને નષ્ટ કરવા કરેલી કાર્યવાહી બાબતે અનેક દેશોને સત્તાવાર માહિતી પણ આપી છે.
હવે તો પાકિસ્તાન ભારે દબાણ હેઠળ આવી ગયું છે. તેણે ભારતને યોગ્ય જવાબ વાળીશું તેવી શેખી તો મારતા મારી દીધી છે, પરંતુ હવે કરવું શું તેની ભારે ચિંતા છે. ચીન સિવાય તેની પડખે ઉભું રહે તેવું કોઈ નથી. પાકિસ્તાનની સંસદમાં ‘ઈમરાન ખાન મુર્દાબાદ’ના નારાઓ પણ ગાજી ચૂક્યા છે.
પાકિસ્તાને ૨૦૧૬માં તો સર્જિકલ સ્ટ્રાઈક થઈ જ ન હોવાનું રટણ કર્યું હતું, પરંતુ આ વખતે તો તેણે ભારતીય ફાઇટર જેટ દ્વારા હુમલો કરાયાનું પહેલેથી જ સ્વીકારી લેવામાં શાણપણ જોયું છે. આમ છતાં, ટંગડી ઊંચી રાખવાનો પ્રયાસ પણ કર્યો છે કે પાકિસ્તાની એરફોર્સના વિમાનોએ પીછો પકડતા ભારતીય વિમાનો ઉતાવળમાં પેલોડ ફેંકીને નાસી છૂટ્યાં હતાં અને કોઈ જાનહાનિ કે માળખાગત નુકસાન થયું નથી. આ સંબંધિત તસ્વીરો પ્રસિદ્ધ કરી પોતાની વાત સાચી ઠરાવવાનો પ્રયાસ કર્યો છે. જોકે, સત્ય કદી છુપાતું નથી. ભારતીય સેનાના સૂત્રોએ જ આ કારવાઈમાં જૈશ-એ-મોહમ્મદના ૨૦૦થી ૩૦૦ ત્રાસવાદી માર્યા ગયાનું જણાવ્યું છે.
સમગ્ર દેશની જનતા અને વિરોધ પક્ષોએ પણ ભારતીય એરફોર્સની જવામર્દ કામગીરીને બિરદાવી છે. વિદેશ પ્રધાન સુષમા સ્વરાજ સાથે સર્વપક્ષીય બેઠકમાં વિરોધ પક્ષોએ સુરક્ષા દળોને બિરદાવવા સાથે સરકારના આતંકવાદવિરોધી ઓપરેશનોનું સમર્થન પણ કર્યું છે. જનતાએ તો વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પણ યશના ભાગીદાર બનાવ્યા છે, પરંતુ વિરોધ પક્ષ આમાં થોડોક ઉણો ઉતર્યો છે. હકીકત તો એ છે કે વાયુસેનાએ જે કાર્યવાહી કરી તે દરમિયાન વડા પ્રધાન મોદી, સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારામન્, વિદેશ પ્રધાન સુષમા સ્વરાજ, ગૃહપ્રધાન રાજનાથ સિંહ અને સુરક્ષા સલાહકાર અજિત ડોવાલ દિલ્હીસ્થિત વોરરૂમમાં આખી રાત હાજર રહ્યા હતા. ભારતીય અર્ધલશ્કરી દળોના જવાનોની નૃસંશ હત્યાઓ થઈ ત્યારથી જ વડા પ્રધાન મોદીએ વળતા પ્રહારનો સમય, પ્રકારનો નિર્ણય લેવાનો છૂટો દોર સેનાને આપી દીધો હતો તે ભૂલવું ન જોઈએ. જોકે, વિપક્ષ અને ખાસ કરીને કોંગ્રેસ પક્ષે પ્રથમ સર્જિકલ સ્ટ્રાઈક બાબતે ભારતીય લશ્કરને બદનામ કરી નાખ્યું હતું તે ભૂલને દોહરાવી નથી તે સારું છે. મહેબૂબા મુફ્તી જેવા નેતા તો સસ્તી લોકપ્રિયતા માટે વિરોધનો ઝંડો ઉપાડીને ફરવાનાં જ છે. તેમની તો દરકાર જ ન કરવી જોઈએ.
એર સ્ટ્રાઈક અગાઉ, પુલવામા હુમલા સંદર્ભે આંતરરાષ્ટ્રીય સમુદાયને પાકિસ્તાન વિરુદ્ધ કરવામાં ભારતે સફળ રાજદ્વારી પ્રયાસો કર્યા હતા. સામાન્યપણે કરાતાં રાજદ્વારી નિવેદનો ડબલ ઢોલકી જેવાં હોય છે, પરંતુ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સ્વભાવ અનુસાર સ્પષ્ટ કહ્યું હતું કે આતંકવાદ મુદ્દે ભારત કોઈ મોટુ અને નક્કર પગલું લેવાની વેતરણમાં છે. પત્રકારો સાથેની વાતચીતમાં પુલવામા હુમલા મુદ્દે ભારતના આત્મરક્ષાના અધિકાર વિશે પ્રશ્ન કરાયો ત્યારે ટ્રમ્પે કાશ્મીરમાં ખતરનાક હાલત હોવાનું સ્પષ્ટ કહેવા સાથે યુએસએ આ બાબતે અન્ય દેશો સાથે વાતચીત કરી રહ્યું હોવાનો પણ નિર્દેશ આપ્યો હતો. ભારત આતંકવાદીઓ વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવા ઈચ્છે છે તેવા ટ્રમ્પના નિવેદને સ્પષ્ટ ઈશારો આપી જ દીધો હતો કે ભારત મોટા પાયે સર્જિકલ સ્ટ્રાઈક જેવું પગલું લેશે તો તેમને જરા પણ વાંધો કે વિરોધ નહિ હોય. આ અગાઉ યુએસના નેશનલ સિક્યુરિટી એડવાઈઝર જ્હોન બોલ્ટને પણ ભારતીય સુરક્ષા સલાહકાર અજિત ડોવાલ સાથેની વાતચીતમાં આત્મરક્ષાના ભારતના અધિકારને સમર્થન આપી દીધું હતું. પાકિસ્તાનની ભૂમિ જૈશ સહિતના આતંકવાદી સંગઠનો માટે સ્વર્ગસમાન બની ન રહે તે માટે પણ બંને સહમત થયા હતા.
પુલવામા હુમલાના પગલે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવભર્યા અને ખતરનાક હાલત સર્જાવા વિશે પણ ટ્રમ્પે ચિંતા વ્યક્ત કરવા સાથે તણાવ ખતમ થાય તેવી ઈચ્છા પણ દર્શાવી છે. તેમણે ભારતના લગભગ ૫૦ જવાનોએ હુમલામાં શહીદી વહોરી હોવાનું પણ જણાવી પોતાની સંવેદના વ્યક્ત કરવામાં જરા પણ પાછીપાની કરી નથી. પાકિસ્તાને અમેરિકાનો ફાયદો ઉઠાવ્યો હોવાની કબૂલાત સાથે ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે આના કારણે જ પાકિસ્તાનને અપાનારી ૧.૩ બિલિયન ડોલરની આર્થિક સહાય બંધ કરવાની ફરજ પડી છે. ટ્રમ્પ વહીવટી તંત્ર અને યુએન સુરક્ષા સમિતિના આકરા વલણના કારણે જ પાકિસ્તાને જૈશ અને જેયુડી સંગઠનોને પ્રતિબંધિત જાહેર કરવાની ફરજ પડી છે. જોકે, કૂતરાની પૂંછડી વાંકીની કહવત અનુસાર આ નર્યો દેખાવ જ છે.
ટ્રમ્પની જ આગેવાની હેઠળ જ અમેરિકાએ યુએન સુરક્ષા સમિતિમાં ચીનને નાકલીટી તાણવાની ફરજ પાડી છે. સુરક્ષા સમિતિએ નિવેદનમાં કડક શબ્દોમાં પાકિસ્તાનસ્થિત ત્રાસવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ દ્વારા પુલવામા આતંકી હુમલાની નિંદા કરવા સાથે તેનો નામજોગ ઉલ્લેખ કર્યો છે. વીટોનો અધિકાર ધરાવતા ચીને તેના ખાસ મિત્ર અને પીઠ્ઠું પાકિસ્તાનને બચાવવા આવું જાહેર નિવેદન ન અપાય તે માટે ધમપછાડા તો કર્યા હતા, પરંતુ અમેરિકાએ તેને ફાવવા દીધું નથી. આ પણ ભારતની - સર્જિકલ સ્ટ્રાઇક જેટલી જ - મહત્ત્વની રાજદ્વારી સફળતા છે.
