રણવીર સિંહની હાલમાં રજૂ થયેલી ફિલ્મ ‘ગલી બોય’ને સફળતાના મળી રહી છે. ઉલ્લેખનીય છે કે પહેલાં દિગ્દર્શિકા ઝોયા અખ્તરે આ ફિલ્મ રણબીર કપૂરને ઓફર કરી હતી, પરંતુ તે વખતે ફિલ્મ ‘સંજુ’ કરી રહેલા રણબીરે ઝોયાની ઓફર નકારી હતી. ૨૦૧૮માં રણવીરે બે બ્લોકબસ્ટર ફિલ્મો આપી. આમાંથી એક ‘સિમ્બા’ તો ખાસ તેના માટે લખવામાં આવી હતી અને બીજી ફિલ્મ રણબીરને ઓફર થઈ હતી, પણ તેણે નકારતાં રણવીર ફાવી ગયો છે. સંજય લીલા ભણસાલીની વિવાદિત ફિલ્મ ‘પદ્માવત’માં પણ રણવીર સિંહે ભજવેલી ખીલજીની ભૂમિકા પણ પહેલાં રણબીર કપૂરને ઓફર થઈ હતી જે તેણે નકારતાં રણવીરને મળી હતી અને આ રોલની ભારે પ્રશંસા થઈ હતી. રણબીરનો નકાર માત્ર ફિલ્મોદ્યોગમાં જ રણવીરને ફળી રહ્યો છે એમ નથી. બોલિવૂડમાં કહેવાય છે કે રણવીરની પત્ની દીપિકા પહેલાં રણબીરની ગર્લફ્રેન્ડ હતી. બંનેના બ્રેક-અપ બાદ દીપિકા ડિપ્રેશનમાં જતી રહી. તે સમયે રણવીરે તેને સંભાળી લીધી અને બંનેની લવસ્ટોરી લગ્નમાં પરિણમી. આજે બોલિવૂડના સુખી યુવા દંપતીમાં તેમની ગણના થાય છે. એનાથી ઊલટું ફક્ત એક જ વાર બન્યું હતું, જેમાં રણવીરે સમયના અભાવે અનુરાગ કશ્યપની ફિલ્મ ‘બોમ્બે વેલ્વેટ’ નકારી હતી જે રણબીર કપૂરે સ્વીકારી અને ફિલ્મ સદંતર ફ્લોપ ગઈ હતી. આથી એમ કહી શકાય કે રણવીરનું નસીબ તેને હંમેશાં સાથ આપી રહ્યું છે.

