• સારા વર્કઆઉટ પછી સારી ઊંઘ અત્યંત જરૂરી છે, જેથી શરીરને થયેલું નુકસાન ભરપાઈ થઈ શકે. ઊંઘ દરમિયાન જ શરીર મજબૂત માંસપેશિયો માટે નવા કોષો બનાવે છે અને સાચી તંદુરસ્તીનો પ્રારંભ કરે છે. આથી રાત્રે ઉજાગરાથી બચો અને સાતથી આઠ કલાકની સાઉન્ડ સ્લીપ લેવાનું ના ચૂકો.
• દહીંમાં કેલ્શિયમ, વિટામીન-ડી અને વિટામીન-એ ભરપૂર માત્રામાં છે. તે પ્રો-બાયોટિક હોવાથી પાચનક્રિયામાં મદદરૂપ થાય છે. સ્વાસ્થ્ય માટે દહીં ખૂબ લાભદાયી છે. ચાહે સલાડ સાથે ખાઓ, રાઈતું બનાવીને ખાઓ કે ફ્રૂટ સ્મૂધી બનાવીને ખાઓ, દહીં સ્વાસ્થ્ય અને સાથે તંદુરસ્તી બન્નેને નિખારશે.
• વિવિધ રંગના ફળોમાંથી આપણા શરીર માટે અત્યંત લાભદાયી પોષક તત્ત્વો પ્રાપ્ત થાય છે. સ્વસ્થ રહેવા માટે આવાં ફળો અને શાકભાજીનું નિયમિત સેવન કરવું જરૂરી છે. જેમ કે, ટામેટાં, ગાજર, લાલ દ્રાક્ષ જેવાં ફળો અને શાકભાજીમાં લાયકોપીન, એલેજિક એસિડ જેવાં તત્ત્વો હોય છે, જે પ્રોસ્ટેટ, યુરિનરી ટ્રેકને સ્વસ્થ રાખે છે અને ડીએનએના સ્વાસ્થ્યને જાળવે છે. આ ઉપરાંત તે કેન્સર અને હૃદયરોગ સામે પણ લડત આપે છે.
• નામ પ્રમાણે જ આ રાઇસનો કલર રેડ છે, જે તેમાં રહેલાં ‘એન્થોસિયેનીન’ નામનાં તત્ત્વને આભારી છે. આ ચોખા છડ્યા વગરના કે અડધા છડેલા હોય છે. તેનાં છોતરાંનો કલર બ્રાઉનને બદલે રેડ હોય છે. રેડ રાઈસ હાઇ ન્યુટ્રિશનલ વેલ્યુ અને નટી ફ્લેવર ધરાવે છે. તેમાં ફાઈબરનું પ્રમાણ ઘણું ઊંચું હોય છે. હાઈ કોલેસ્ટેરોલ ધરાવતા લોકો માટે તે ખૂબ લાભદાયી છે કારણ કે તે શરીરમાં રહેલા કોલેસ્ટેરોલને ઓછું કરે છે.
• મધને સ્વસ્થ જીવન માટે અમૃત સમાન માનવામાં આવ્યું છે. મધમાં ભરપૂર માત્રામાં વિટામિન્સ અને ખનીજો છે. વિટામિન-સી, કેલ્શિયમ અને લોહતત્ત્વ તેમાંથી મુખ્યત્વે પ્રાપ્ત કરી શકાય છે. મધમાં અનેક એન્ટિ-ઓક્સિડન્ટન્સ છે, જે કેટલાંક પ્રકારના કેન્સરના જોખમને નાથવામાં મદદ કરે છે. તેમાં રહેલા એન્ટિ-ઓક્સિડન્ટ્સ શરીરમાં રહેલા કેન્સરજન્ય કોષોને નષ્ટ કરી શકે છે. મધ શરીરની પાચનક્રિયાને પણ સુવ્યવસ્થિત રાખવામાં લાભદાયી છે. મધના સેવનથી તમારી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે અને તમે જીવનભર સ્વસ્થ અને ચુસ્ત રહી શકો છો.

