BAPSના વડા પૂ. મહંત સ્વામીની નિશ્રામાં ૧૮ ફેબ્રુઆરીને સોમવારે પૂણેમાં સત્સંગ દિનની ઉજવણી કરવામાં આવી હતી. તેમાં ખાસ કરીને મારવાડી ભાઈઓ તેમજ સંતો અને હરિભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મારવાડી સમાજના ગાયકો ભૂષણ તોશ્નીવાલ અને પિયૂષ જાંગીડે લોકગીતો અને ભક્તિગીતોથી સૌને રસતરબોળ કરી દીધા હતા. ત્યારબાદ સંવાદ રજૂ થયો હતો. પૂ. મહંત સ્વામીએ આશીર્વચનમાં કહ્યું હતું,‘ સત્સંગ કરને સે બહોત આનંદ આયેગા, ઐસી સમજ આયેગી કી કિતની ભી મુશ્કેલીયાં આયે હમ સુખી રહેંગે ઔર ભગવાનકી પ્રસન્નતા હોગી.’ ૧૯મીએ પૂ. મહંત સ્વામી સાંકરી પહોંચ્યા હતા. સાંકરીમાં ૨૧, ૨૨ અને ૨૩મીએ સમીપ દર્શનનું આયોજન થયું હતું, જેનો સાંકરી તેમજ આજુબાજુના ગામોના હરિભક્તોએ લાભ લીધો હતો. ૨૩મીએ પૂ. મહંત સ્વામીએ સવારની સભામાં ભગવાનપૂરા, વાંકાનેર, ઈટાડવા, ડોલવણ અને સોનગઢ ખાતે નવા બનેલા BAPS શ્રી સ્વામીનારાયણ મંદિરો માટેની મૂર્તિઓની પ્રતિષ્ઠા કરી હતી. હવે આ મૂર્તિઓની તે મંદિરોમાં સ્થાપના કરવામાં આવશે. તે ઉપરાંત, તેમણે નવા તૈયાર થનારા મંદિરો માટે ઈષ્ટિકા પૂજન પણ કર્યું હતું. ૨૪મીએ પૂ. મહંત સ્વામીની નિશ્રામાં ‘ફૂલોં સે હોલી’ના વિશેષ પ્રસંગનું આયોજન થયું હતું. તેમાં પૂ. મહંત સ્વામીએ પુષ્પોથી હરિભક્તોને રંગ્યા હતા. સાંકરીમાં રોકાણ દરમિયાન પૂ. મહંત સ્વામી દ્વારા થતી પ્રાતઃપૂજામાં મોટી સંખ્યામાં સંતો અને હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને પૂજા તથા દર્શનનો લાભ લીધો હતો. ૨૬મીએ પૂ. મહંત સ્વામીએ વિચરણ માટે સેલવાસ જવા પ્રસ્થાન કર્યું હતું.

