વડીલો સહિત સહુ વાચક મિત્રો, આગલા સપ્તાહે આપણે સાંપ્રત સામાજિક જીવનને એક પ્રકારે ભયજનક સ્તરે લઇ જતા લગ્નવિચ્છેદ સંદર્ભે વિહંગાવલોકન કર્યું હતું. આ અંગે મેં લંડનમાં છૂટાછેડાના કેસો સંબંધિત કાનૂની કાર્યવાહીના નિષ્ણાત ધારાશાસ્ત્રીઓ તેમજ કેટલીક સામાજિક સંસ્થાઓના મોવડીઓ સાથે વિચાર-વિનિમય કર્યો. કાનૂન અને સમાજ - બન્ને ક્ષેત્ર ભલે અલગ હોય, પરંતુ આ અનુભવીઓ એક બાબતે લગભગ સંમત હતા કે આજની યુવા પેઢી છૂટાછેડાના મુદ્દે વધુ ઉદાર અભિગમ ધરાવે છે. મતલબ કે યુવા પેઢી પોતાનું લગ્નજીવન ખોરંભે પડે તો તેને ટકાવવા શક્ય તમામ પ્રયાસ કરી છૂટે છે, પરંતુ આવા પ્રયાસો પછી પણ જો લાગે કે ‘મન-મેળ’ થવાની શક્યતા જ નથી તો તેઓ છેડા છૂટા કરતાં પણ ખચકાતા નથી. અગાઉનો સમય આપણે સહુ જાણીએ છીએ. આપણા જમાનામાં લોકો મન-મેળ ન રહ્યો હોય તો પણ સામાજિક શરમે-ધરમે પડ્યું પાનું નિભાવી લેવાનો અભિગમ ધરાવતા હતા. આજની પેઢીનો હવે જીવન પ્રત્યેનો અભિગમ બદલાયો છે. તેઓ જીવન પ્રવાહ સાથે - પાણીની જેમ - વહેતા રહેવામાં માને છે.
આજના જમાનામાં પતિ કે પત્ની વધુ સરળતાથી આર્થિક રીતે સ્વાતંત્ર્ય ધરાવતા હોવાથી કેટલીક અપેક્ષાઓ સહજ રીતે ઉદભવતી હોય છે. આમાં કશું અજૂગતું પણ નથી. પરંતુ જ્યારે આ અપેક્ષાઓ અવાસ્તવિક બની જાય છે ત્યારે લગ્નજીવન પર ખતરાજનક સંકેતો મંડરાવા લાગે છે.
અવાસ્તવિક અપેક્ષાઓ
આજની નારી વધુ પ્રમાણમાં ડિવોર્સ માટે કોર્ટના દરવાજા ખટખટાવતી થઇ છે તો શું તેનો મતલબ એવો સમજવો કે આજની નારી સ્વચ્છંદી બની છે? સ્વૈરવિહારી બની છે? જી ના... ધારાશાસ્ત્રીઓ જણાવે છે તેમ,
• આજની નારી શિક્ષિત છે, પોતીકા પગ પર ઉભેલી, આર્થિક સ્વનિર્ભર નારી છે. આવી પત્ની આગવી વિચારસરણી ધરાવતી હોય તે સમજાય તેવું છે. આવી પરિણીતા પર જ્યારે પતિ કે સાસરી પક્ષના અન્ય સભ્યો પોતાના વિચારો થોપી દેવાનો પ્રયાસ કરે છે, અથવા તો આવી પરિણીતા સાસરિયા કે પતિ સાથે મનમેળ સાધી શકતી નથી ત્યારે કચવાટ, અસંતોષ, તુંતું-મૈંમૈં શરૂ થઇ જતા જોવા મળે છે. જે લાંબા ગાળે કાયમી મનભેદ, ખટરાગમાં પરિણમે છે, અને છૂટાછેડાનો વિકલ્પ મજબૂત થવા લાગે છે.
• આપણા ભારતીય સમાજમાં દરેક દંપતીને લગ્ન બાદ એક મુદ્દે અવશ્ય વિચાર કરવો પડે છેઃ લગ્ન બાદ પતિ-પત્નીએ સંયુક્ત કુટુંબમાં જ ઘરસંસાર ચલાવવો કે અલગ વસવાટ કરવો. ભારતીય પરંપરામાં સંયુક્ત કુટુંબ પ્રથા આગવું સ્થાન ધરાવતી હોવાથી સાથે રહેવું કે અલગ રહેવું તે મુદ્દો હંમેશા નાજુક બનતો જોવામાં આવે છે. નોકરી-વ્યવસાયના સ્થળે આવવા-જવામાં સરળતા કે ઘરમાં અપૂરતી જગ્યાના કારણે મોકળાશનો અભાવ કે પછી અન્ય કોઇ કારણસર પત્ની (કે પતિ) અલગ ઘરમાં વસવાટ કરવા ઈચ્છિત હોય અને એક પાત્ર સંયુક્ત કુટુંબ છોડવા તૈયાર ન હોય ત્યારે પણ છૂટાછેડાનો તખતો રચાતો હોય છે.
• પતિ મહાશયની કે પત્નીની કારકિર્દીમાં અતિશય વ્યસ્તતા. કોઇ વ્યક્તિ કારકિર્દી નિર્માણ માટે સમર્પણભાવથી દિવસ-રાત મહેનત કરે તેમાં કંઇ ખોટું નથી, પરંતુ પતિદેવ કે પત્ની જીવનસાથી અને સંતાનોને કોરાણે મૂકીને કામ, કામ ને કામમાં જ રચ્યાપચ્યા રહે ત્યારે લગ્નજીવન ડગમગી જતું હોય છે. બન્ને પાત્રો વચ્ચે પૂરતા સંવાદના અભાવે નાની નાની વાતે વિખવાદ શરૂ થઇ જાય છે, જે ઘણા કિસ્સામાં દંપતીને છૂટાછેડા માટે ફેમિલી કોર્ટના દરવાજે પહોંચાડી દે છે.
વાચક મિત્રો, આ તબક્કે મને ‘આદર્શ’ પત્નીના ગુણો ગણાવતું એક સંસ્કૃત સુભાષિત યાદ આવી જાય છે.
કાર્યેષુ મંત્રી કરણેષુ દાસી,
ભોજયેષુ માતા શયનેષુ રમ્ભા,
ધર્માનુકૂલા ક્ષમયા ધરિત્રી,
સાદ્ગુણ્યમેતિદ્ધિ પતિવ્રતાનામ્.
આ સંસ્કૃત સુભાષિતમાં આદર્શ સ્ત્રી કે પતિવ્રતા સ્ત્રી કેવી હોવી જોઈએ તેની પુરૂષપ્રધાન હિત સ્વરૂપે ‘વ્યાખ્યા’ થઇ છે. આદર્શ સ્ત્રી કામકાજમાં સહાયક બનનાર મંત્રી જેવી, ઘરકામમાં વિનમ્રતા દાખવતી દાસી જેવી, ભોજન કરાવવામાં માતા જેવી, શયનખંડમાં અપ્સરા રંભા જેવી, ધર્મને અનુકૂળ આચરણ કરનારી અને ધરતીની જેમ બોજ વહન કરનારી તેમજ ક્ષમા આપનારી હોવી જોઈએ! લ્યો બોલો, એક ‘આદર્શ’ કે પતિવ્રતા સ્ત્રીના આટલા લક્ષણો ગણાવાયા છે. પરંતુ ‘આદર્શ’ પતિ કેવો હોવો જોઇએ તેના લક્ષણો દર્શાવતો કોઇ શ્લોક કે સુભાષિત હોવાનું મને તો યાદ આવતું નથી. આપને આવું કંઇ યાદ આવે છે? મહેનત કરવાનું રહેવા દે’જો... મને ખાતરી છે કે ગમેતેટલું માથું ખંજવાળશો તો પણ આવો કોઇ શ્લોક કે સુભાષિત યાદ નહીં જ આવે. આવી સ્ત્રીની ઝંખના માત્ર ભારતનિવાસી પતિદેવ જ ધરાવતા હોય છે એવું નથી, અહીં બ્રિટનમાં જન્મેલો ભારતીય યુવાન પણ પત્ની પાસે આવી જ અપેક્ષા રાખતો જોવા મળી જાય ત્યારે લગ્નજીવન ખોરંભે પડવા લાગે છે. લગ્નજીવનમાં અવરોધ સર્જતી આવી પુરુષપ્રધાન માનસિકતાને બદલવી જ રહી.
જો પત્ની એક યા બીજી રીતે નોકરી-ધંધામાં કાર્યરત હોય, દ્રવ્યોપાર્જન કરતી હોય, સંતાનની સારસંભાળની જવાબદારી પણ સંભાળવાની હોય તો આ બધી અપેક્ષાઓ અવાસ્તવિક જ ગણાય ને?!
જીવનનૈયાને ખોરંભે ચઢાવે છે પરપાત્ર પરત્વેનું આકર્ષણ
બ્રિટનમાં પતિ કે પત્ની ડિવોર્સ લેવાનું પસંદ કરે છે તેના કારણોમાં ૧૫થી ૨૦ ટકા કિસ્સામાં પતિ કે પત્નીના પરસ્ત્રી કે પરપુરુષ પ્રત્યેનું આકર્ષણ કે એવા કોઇ લફરાં કે વ્યભિચારને જવાબદાર માનવામાં આવે છે. લગ્નવિચ્છેદના અંતિમ ફેંસલા પૂર્વે કાઉન્સેલર્સ પતિ અને પત્ની સાથે અલગ અલગ તેમજ તેમને સાથે બેસાડીને આ મુદ્દે ચર્ચાવિચારણા કરતા હોય છે. સામાજિક બાબતોના નિષ્ણાત કાઉન્સેલર્સનો એક જ મુખ્ય ઉદ્દેશ હોય છે - કોઇ પણ રીતે લગ્નજીવન ટકી જાય, દંપતી છૂટાછેડાના માર્ગેથી પાછું વળી જાય. લગ્નવિચ્છેદના કારણે દંપતીના જ નહીં, તેમના સંતાનો, પરિવારજનોના જીવન પર પડનારી પ્રત્યક્ષ કે પરોક્ષ આડઅસરોથી તેઓ સારી પેઠે વાકેફ હોય છે, અને તેથી જ કાઉન્સેલર્સ છૂટા પડવા આતુર દંપતીને સમજાવવા - મનાવવા ભરપૂર પ્રયાસ કરી છૂટતા હોય છે.
આવા કાઉન્સેલર્સ દંપતી સાથેની ચર્ચા દરમિયાન કેટલાક પ્રશ્નો પર વિશેષ ભાર મૂકતા હોય છે. જેમ કે, તમારું જાતીય જીવન કેટલું સંતુષ્ટ છે? કોણ પહેલ કરે છે? સામેની વ્યક્તિનો પ્રતિસાદ કેવો અને કેટલો ઉષ્માપૂર્ણ હોય છે? વગેરે વગેરે... આના જવાબો પરથી તારણ કાઢીને તેઓ જે તે વ્યક્તિને સમજાવે છે કે જો તમારા જીવનસાથી જાતીય સુખથી અસંતુષ્ટ હશે તો તેઓ અન્ય પાત્ર પાસેથી આ સુખ મેળવવા સહજ રીતે પ્રેરાશે.
જીવન-વ્યવહારમાં સમાનતા-અસમાનતા
લગ્નવિચ્છેદ માટે ઘણી વખત દંપતી વચ્ચેની અસમાનતા પણ નિર્ણાયક ભૂમિકા ભજવતી હોય છે. બન્ને પાત્ર વચ્ચેના વાણી-વર્તન-વ્યવહાર-બોલચાલ વગેરેમાં જો આભ-જમીનનું અંતર હોય તો લગ્નવિચ્છેદની શક્યતા વધી જતી હોય છે. બન્ને પાત્રોની નોકરી-વ્યવસાયથી માંડીને વ્યકિતગત પસંદ-નાપસંદની વચ્ચેની સમજ-પસંદગી પારિવારિક જીવનમાં નિર્ણાયક ભૂમિકા ભજવતી હોય છે. પતિ કે પત્ની દેખાવમાં સ્માર્ટ હોય, બોલવા-ચાલવામાં ચબરાક હોય, અને ઉચ્ચ શિક્ષણ અને સારી કારકિર્દી ધરાવતા હોય, અને સામેનું પાત્ર વાણી-વર્તનમાં વ્યાવહારિક સૂઝબૂઝ ન ધરાવતું હોય તો શું થાય તે કહેવાની જરૂર ખરી?
બન્ને પાત્રો વચ્ચે જેટલી વધુ અસમાનતા તેટલી જ મતભેદની, મન-ભેદની અને તેના પગલે વિખવાદની શક્યતા વધવાની. અલગ પડવાનું જોખમ પણ વધી જશે. ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ ટીવી સિરિયલની વાત કરું તો, પતિ જેઠાલાલ જેવો હોય અને પત્ની બબિતા જેવી હોય તો દંપતીના વિખૂટા પડવાની શક્યતા વધી જ જવાની. બે અંતિમ ધ્રુવ જેવા વ્યક્તિત્વ કેટલો લાંબો સમય સાથે વીતાવી શકે તે લાખ રૂપિયાનો સવાલ છે.
ખરેખર આ અને આવા મુદ્દા વિખૂટા પડતા દંપતી સાથે ખુલ્લા મને ચર્ચાતા જ નથી. બાકી અનેક કિસ્સામાં બન્નેના વ્યક્તિત્વમાં રહેલો વિરોધાભાસ જ નિર્ણાયક ભૂમિકા ભજવતો હોય છે. ઘણી વખત એવું બનતું હોય છે કે મિત્રો-સ્વજનો સમજી જ શકતા નથી કે દંપતીના વિખૂટા પડવામાં આ કારણ ચાવીરૂપ હોય છે.
આપણા સામાજિક જીવન સાથે ગંભીર રીતે સંકળાયેલી છૂટાછેડાની સમસ્યા વિશે સંક્ષિપ્તમાં આટલા વિશ્લેષણ બાદ હું તો એટલું જ કહીશઃ સુખી સમાજના નિર્માણ માટે પાયાની પૂર્વશરત છે દીર્ઘજીવી લગ્નજીવન. (ક્રમશઃ)

