લંડનઃ સ્પેનમાં કોસ્ટા ડેલ સોલ પરના ક્લબ લા કોસ્ટા વર્લ્ડ ખાતે પરિવાર સાથે રજાઓ માણવા આવેલી ૯ વર્ષીય છોકરી હબીબા ચિશ્તીનું આઈસક્રીમની એલર્જીના રિએક્શનને લીધે મૃત્યુ થયું હતું. તેને આઈસક્રીમમાં નટ્સ ન હોવાનું કહેવાયું હતું.
હબીબા ચિશ્તી હેલિફેક્સની હોવાનું મનાય છે. તેણે લાસ લેગુનાસ દ મિજાસમાં તેની હોટલ નજીકના શોપિંગ સેન્ટરમાં આઈસક્રીમ ખાધો હતો તેમ મનાય છે. તેના પરિવારના સભ્યોના જણાવ્યા મુજબ હબીબાને નટ્સની એલર્જી હતી પરંતુ ડેરી પ્રોડક્ટ્સથી તેને કોઈ તકલીફ ન હતી.
પોતાનું નામ જાહેર નહિ કરનારા કાકાએ ડેઈલી મિરરને જણાવ્યું હતું કે જ્યાંથી આઈસક્રીમ ખરીદ્યો ત્યાં તેમણે આઈસક્રીમમાં નટ્સ છે કે નહીં તેમ પૂછતાં તેમને તેમાં નટ્સ ન હોવાનું જણાવાયું હતું. હબીબાનું મલાગામાં સ્પેશિયાલિસ્ટ ચીલ્ડ્રન્સ સેન્ટરમાં મૃત્યુ થયાં પછી તેનું પોસ્ટમોર્ટમ કરાયું હતું.

