BAPS દ્વારા પ્રથમ વખત આયોજીત વિમેન્સ ઈન્ડોર ક્રિકેટ ટુર્નામેન્ટમાં બ્રેન્ટ ટીમ વિજેતા

Wednesday 17th April 2019 06:58 EDT
 
 

BAPS ચેરિટીઝ દ્વારા ૭ એપ્રિલને રવિવારે હેરો લેઝર સેન્ટર ખાતે યોજાયેલી નેશનલ કોમ્યુનિટી ઈન્ડોર વિમેન્સ ક્રિકેટ ટુર્નામેન્ટ – ભક્તિ કપ -માં સમગ્ર યુકેમાંથી ૧૬૦થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો. BAPS દ્વારા આ પ્રથમ વખત વિમેન્સ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી. તેનું ઉદઘાટન પ્રતિભાશાળી ક્રિકેટર ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડના સિટી પ્રોગ્રામ એક્ઝિક્યુટિવ (લંડન) સંગીતા થીવેન્દ્ર તથા મીડલસેક્સ ક્રિકેટના ક્રિકેટ ડેવલપમેન્ટ મેનેજર શેરોન આયર્સે કર્યું હતું.

આ પ્રસંગે પૂ. મહંત સ્વામીના હસ્તાક્ષર સાથેનું ક્રિકેટ બેટ અને ઈસીબી દ્વારા મંજૂર કરવામાં આવેલી આઈસીસી વિમેન્સ વર્લ્ડ કપ ટ્રોફી નિદર્શન માટે મૂકાયા હતા.

ઉદઘાટન સમારંભમાં પૂ. મહંત સ્વામીએ પાઠવેલા આશીર્વચનનું વાંચન અને ટીમવર્ક અને એકતાનો જુસ્સો જળવાઈ રહે તે માટેની પ્રાર્થનાઓનો સમાવેશ થતો હતો. સંગીતા થીવેન્દ્રએ જણાવ્યું હતું કે મહિલાઓ દરેક ક્ષેત્રમાં જે સિદ્ધિ હાંસલ કરી છે તેમાં દ્રઢનિશ્ચય, ધગશ અને ધીરજની મદદ મળી છે. તેમણે ક્રિકેટમાં તેમની કારકિર્દીની સફર અને ક્રિકેટ માટેની ધગશની વાત કરી હતી. કાઉન્ટી ક્રિકેટ ક્લબમાં જોબ મેળવનારી પ્રથમ મહિલા ગણાતી શેરોન આયર્સે આ રમતના મૂલ્યો તથા કયા જુસ્સાથી આ રમત રમવી જોઈએ તેની છણાવટ કરી હતી.

ત્યારબાદ ટુર્નામેન્ટ શરૂ થઈ હતી. ત્યાં ઉપસ્થિત તમામ પ્રેક્ષકોએ એક-એક રન અને વિકેટ માટે તેમનો આનંદ વ્યક્ત કર્યો હતો.

સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન બધી ટીમો ઉચ્ચ ગુણવત્તાની ક્રિકેટ રમી હતી. ફાઈનલમાં બ્રેન્ટ અને બર્મિંગહામ વચ્ચે રસાકસીભરી ટક્કર થઈ હતી, જેમાં બ્રેન્ટની ટીમે વિજેતા બનીને પ્રથમ ભક્તિ કપ ટ્રોફી મેળવી હતી.

આ ટુર્નામેન્ટને ભવ્ય સફળતા સાંપડી હતી. તેનાથી વ્યસ્ત જીવનશૈલી ધરાવતા યુવાનો અને વયસ્કોને તંદુરસ્ત પ્રવૃત્તિમાં સંકળાવા માટે પ્રોત્સાહન મળ્યું હતું તેમજ સામાજિક સંબંધોને સકારાત્મક બનાવવામાં આ ટુર્નામેન્ટ મદદરૂપ થઈ હતી.

ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે વ્યવસાયિક અને પારિવારિક જીવન વચ્ચે સંતુલન રાખીને પ્રેક્ટિસમાં હાજરી આપવામાં અને ક્રિકેટનું ટેક્નિકલ કૌશલ્ય મેળવવામાં ખેલાડીઓએ તેમની પ્રતિબદ્ધતા અને ધગશની પ્રતિતી કરાવી હતી.

આ ટુર્નામેન્ટના આયોજકો પૈકીના એક રાખી શાહે જણાવ્યું હતું કે તેઓ તમામ ખેલાડીઓ અને સપોર્ટર્સના આભારી છે. ઘણાં ખેલાડી ખૂબ દૂરથી આ સ્પર્ધામાં ભાગ લેવા માટે આવ્યા હતા. આ ટુર્નામેન્ટના આયોજન અને મહિલાઓેને પ્રોત્સાહિત કરવા બદલ તેમણે નીસડન ટેમ્પલનો આભાર માન્યો હતો.


comments powered by Disqus