‘ઠગ્સ ઓફ હિંદુસ્તાન’ની ઠીકઠાક સફળતા બાદ આમિર ખાન ફરી એક વખત ટચૂકડા પરદે પાછો ફરી રહ્યો છે. એક ટીવી શો ‘તુફાન આલય’ દ્વારા તે નાના પરદે ફરી એક વખત જોવા મળશે. આ શોની ખાસ બાબત એ છે કે, શોમાં તેની પત્ની કિરણ રાવ પણ હશે. આ પતિ-પત્ની પોતે જ પોતાના શોને હોસ્ટ કરશે. આ ટીવી શો દ્વારા આમિર મહારાષ્ટ્રમાં પાણીના દુકાળગ્રસ્તો સ્થળો પર પ્રકાશ ફેંકશે.
આમિરે આ શોને લગતો એક વીડિયો સોશિયલ મીડિયા પર મૂક્યો છે. જેમાં તે અને તેની કિરણ આ શોની જાણકારી આપતા જોવા મળે છે. આમિરે આ વીડિયોમાં કહ્યું છેઃ તુફાન આલય શો દ્વારા આપણે આઠ અઠવાડિયા સુધી જોડાયેલા રહેશું. આપણે બધા જ આ કન્ટ્રોલ રૂમમાં મળશું, અને અહીંથી તમને અસલી હીરો-હિરોઇનોની વાતો જણાવશું. જે મહારાષ્ટ્રના અલગ-અલગ ગામડાઓમાંની હશે.
ઉલ્લેખનીય છે કે આમિર ઘણા વરસોથી પાણી ફાઉન્ડેશનથી જોડાયેલો છે. જેના દ્વારા મહારાષ્ટ્રમાં ઘણા શહેરો-ગામડાઓના સર્વે કરાયો છે. તેમજ તેમને પાણી કઇ રીતે પહોંચાડી શકાય તે જાણવાના પણ પ્રયાસ થયા છે.

