ભારતમાં લોકસભા ચૂંટણીનો પ્રથમ તબક્કો પૂર્ણ થયો છે અને ૧૮ એપ્રિલે મતદાનનો બીજો તબક્કો પણ પૂર્ણ થશે. વિશ્વમાં કોઈ પણ સ્થળે ચૂંટણી હોય અને નાણાંની રેલમછેલ ન દેખાય તે શક્ય નથી. સમગ્ર ચૂંટણીકારણ નાણાંના પાયા પર રચાયેલું છે. રાજકીય પક્ષો અને ઉમેદવારોને વહીવટ તેમજ પ્રચાર માટે નાણાંની જરૂર રહે છે. સરકાર દ્વારા ભંડોળ અપાતું ન હોવાથી આ નાણાં જાહેર જનતા, ઉદ્યોગગૃહો સહિત સ્રોતમાંથી મળે છે.
હમણાંથી ભારતમાં ચૂંટણીફંડ અને ઈલેક્ટોરલ બોન્ડની જોરશોરથી ચર્ચા થઈ રહી છે. નરેન્દ્ર મોદી સરકારે રાજકીય પક્ષોને મળતા ચૂંટણી ફાળામાં પારદર્શકતા લાવવાં ૨૦૧૭માં ઈલેક્ટોરલ બોન્ડની વ્યવસ્થા લાગુ કરી હતી. વાસ્તવિકતા એ છે કે તેમાં પૂર્ણ પારદર્શિતા નથી કારણ કે ઈલેક્ટોરલ બોન્ડ કોના તરફથી અપાયા છે તે જણાવવાં પક્ષો બંધાયેલા નથી. સ્વૈચ્છિક સંસ્થા એસોસિયેશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ્સ દ્વારા કરાયેલી અરજીના પગલે સુપ્રીમ કોર્ટે તમામ રાજકીય પક્ષોએ ૧૫ મે સુધીમાં ઈલેક્ટોરલ બોન્ડ થકી પ્રાપ્ત ફંડ કે દાન, ફંડ આપનાર વ્યક્તિ વિશે સંપૂર્ણ માહિતી ૩૦ મે સુધીમાં ચૂંટણી પંચને બંધ કવરમાં આપવી પડશે તેવો આદેશ કર્યો છે.
ભારત સરકારની દલીલ હતી કે સુપ્રીમ કોર્ટે નીતિવિષયક બાબતે હસ્તક્ષેપ કરવો ન જોઈએ. ઈલેક્ટોરલ બોન્ડ રાજકીય દાન માટે પારદર્શકતા અને જવાબદારી નક્કી કરવા માટે ખૂબ મહત્વનું છે. ચૂંટણી બોન્ડ પહેલાં મોટા ભાગનું દાન રોકડમાં કરાતું તેના કારણે ચૂંટણીમાં ગણતરી વગરનો ખર્ચ કરાતો હતો. ઈલેક્ટોરલ બોન્ડમાં માત્ર ચેક, ડ્રાફ્ટ અને પ્રત્યક્ષ ડેબિટના માધ્યમથી ચૂકવણી કરાય છે. પરિણામે, કોઈ પણ પ્રકારની બ્લેક મની ચૂંટણીમાં લાવી શકાતી નથી. જોકે, આ દલીલમાં ખાટલે મોટી ખોડ એ રહે છે કે ચૂંટણી ખર્ચ પર નજર રાખતા ચૂંટણી પંચને ખર્ચાયેલું નાણું ક્યાંથી આવ્યું તેની જ જાણ હોતી નથી. પારદર્શક વ્યવસ્થા ઈચ્છતા ચૂંટણી પંચે કહ્યું છે કે ઈલેક્ટોરલ બોન્ડ પારદર્શી નથી.
ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા ડોનેશનના નિયમ અનુસાર ગત લોકસભા કે વિધાનસભા ચૂંટણીમાં એક ટકો મત મેળવનાર રજિસ્ટર્ડ રાજકીય પક્ષ ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા ડોનેશન લઈ શકે છે. ઈલેક્ટોરલ બોન્ડ ૧૦ દિવસ માટે જાહેર કરાય છે. લોકસભા ચૂંટણીમાં ૩૦ દિવસ સુધીનો વધારાનો સમય મળે છે. રૂપિયા ૧,૦૦૦થીે એક કરોડ રૂપિયાની કિંમતના આ બોન્ડ જાહેર કરાયાના ૧૫ દિવસ સુધી માન્ય રહે છે, જે ગાળામાં તેને કેશ કરાવવાં પડે છે. આ બોન્ડ પર જેને દાન કરાયુ હોય કે જેણે દાન કર્યું હોય, તેની માહિતી અપાતી નથી.
રાજકીય પક્ષોને બોન્ડ દ્વારા મળતા ફાળાની વિગતો આપવામાંથી છૂટ મળી હોવાના કારણે તેમને આ ફાળો દેશની કંપનીઓ દ્વારા મળ્યો છે કે વિદેશની સ્ત્રોતો દ્વારા તેની જાણકારી મળતી નથી. પરિણામે દેશની ચૂંટણીમાં ‘વિદેશી હાથ’નો મુદ્દો પણ મહત્ત્વનો બની જાય છે. રાજકીય દાન આપનારનું નામ ગુપ્ત રખાય તે મુદ્દે જ વિવાદ સર્જાયો છે. ઈલેક્ટોરલ બોન્ડમાં ગુપ્તતા ન રાખવાના મુદ્દાને સુપ્રીમ કોર્ટે મુક્ત અને ન્યાયી ચૂંટણીપ્રક્રિયા માટે અત્યંત મહત્ત્વનો ગણાવ્યો છે. જો રાજકીય પક્ષોના ઉમેદવારોએ પોતાની આર્થિક સ્થિતિ વિશે માહિતી આપવી ફરજિયાત હોય તો પક્ષો માટે પણ તેમ જ હોવું જોઈએ. તેમણે પણ આવકના સ્રોતની જાણકારી આપવી જ જોઈએ.
