ઓસ્ટ્રેલિયન ટીમમાં સ્મિથ, વોર્નરનું પુનરાગમન

Sunday 21st April 2019 07:23 EDT
 

સિડનીઃ આઈસીસી ક્રિકેટ વન-ડે વર્લ્ડ કપ માટે વર્તમાન ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાએ તેના ૧૫ સભ્યની જાહેરાત કરી દીધી છે. ટીમની જાહેરાતમાં સૌથી વિશેષ બાબત એ છે કે ટીમમાં બોલ ટેમ્પરિંગના દોષિત સ્ટિવ સ્મિથ તથા ડેવિડ વોર્નરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. બંને ખેલાડીઓ હાલમાં આઈપીએલ ટી૨૦ લીગમાં રમી રહ્યા છે. બંને ખેલાડીઓ પણ બોલ ટેમ્પરિંગના કારણે ૧-૧ વર્ષનો પ્રતિબંધ લદાયો હતો. ટીમનું નેતૃત્વ એરોન ફિન્ચને સોંપવામાં આવ્યું છે.
વર્લ્ડ કપ માટેની ઓસ્ટ્રેલિયન ટીમમાં કેટલાક અનુભવી ખેલાડીઓને સ્થાન મળ્યું નથી. છેલ્લા કેટલાક સમયથી સાતત્યપૂર્ણ ફોર્મમાં રહેલા જોસ હેઝલવૂડ તથા પીટર હેન્ડ્સકોમ્બને ટીમમાં સ્થાન મળ્યું નથી. મુખ્ય ઝડપી બોલર મિચેલ સ્ટાર્કનો ટીમમાં સમાવેશ કરાયો છે. સ્ટાર્ક લાંબા સમયથી ઈજાના કારણે ક્રિકેટથી દૂર રહ્યો છે. માર્કસ સ્ટોનિસ, ગ્લેન મેક્સવેલ તથા એડમ ઝમ્પાની પણ પસંદગી કરવામાં આવી છે.
ઓસ્ટ્રેલિયા ૧ જૂને અફઘાનિસ્તાન સામે રમીને પોતાના અભિયાનનો પ્રારંભ કરશે. કાંગારુ ટીમ આ વખતે ઇંગ્લેન્ડની ધરતી પર પોતાનો વર્લ્ડ ચેમ્પિયનનો તાજ બચાવવા માટે રમશે. તેણે ૨૦૧૫માં ન્યૂઝીલેન્ડને ફાઇનલમાં હરાવીને પોતાના ઘરઆંગણે ટ્રોફી જીતી હતી.
ઓસ્ટ્રેલિયન ટીમઃ એરોન ફિન્ચ (કેપ્ટન), ડેવિડ વોર્નર, સ્ટિવન સ્મિથ, ઉસ્માન ખ્વાજા, શોન માર્શ, ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટોનિસ, એલેક્સ કરી (વિકેટકીપર), પેટ કમિન્સ, મિચેલ સ્ટાર્ક, જેય રિચાર્ડસન, નાથાન કાઉલ્ટર નાઇલ, બેહરિનડોર્ફ, એડમ ઝમ્પા, નાથાન લાયન.


comments powered by Disqus