કચ્છના નારણપર મંદિરની પ્રતિમાને ૧૨૫ વર્ષ નિમિત્તે કથા મહોત્સવ યોજાયો

Wednesday 17th April 2019 06:54 EDT
 
 

ભગવાન સ્વામીનારાયણે ૧૨૫ વર્ષ અગાઉ કચ્છમાં આવેલા નારણપર ગામની મુલાકાત લીધી હતી. તે સમયે તેમણે તેમના કેટલાંક ભક્તોને મૂર્તિ ભેટ તરીકે આપી હતી. મંદિરની આ પ્રતિમાને ૧૨૫ વર્ષ પૂરા થયા તે નિમિત્તે તા. ૬થી ૧૩ એપ્રિલ દરમિયાન સાત દિવસના ભવ્ય મહોત્સવનું આયોજન કરાયું હતું. તેમાં દુનિયાના અલગ અલગ દેશોમાં સ્થાયી થયેલા નારણપરના સેંકડો રહીશોએ ભાગ લીધો હતો.

આ પ્રસંગે પૂ.ધર્મપ્રસાદ સ્વામી, પૂ. ભક્તિવલ્લભ સ્વામી, સાંખ્યયોગી ધનબાઈ ફઈની સ્મૃતિમાં ‘શ્રીમદ સત્સંગી જીવન સપ્તાહ’નું આયોજન કરાયું હતું. મંગળાચરણ કરતાં વક્તા સંતો ભક્તિવિહારી સ્વામી અને કૃષ્ણવલ્લભદાસ સ્વામીએ નારણપર ગામને પ્રસાદીભૂત ગણાવી લીલાચરિત્ર વર્ણવ્યા હતા. સભાપતિ ઉત્તમચરણ સ્વામીએ યજમાનોના હસ્તે પોથીપૂજન કરાવ્યું હતું. શાસ્ત્રી કૃષ્ણસ્વરૂપ સ્વામીએ આયોજનની રૂપરેખા આપી હતી.

તા.૧૧ અને ૧૨ એપ્રિલે આચાર્ય કોશલેન્દ્ર પ્રસાદજીએ કથામાં વિશેષ હાજરી આપી હતી. ૧૩મીએ ફૂલદોલોત્સવ યોજાયો હતો. પછીના દિવસે ઘનશ્યામ જન્મોત્સવ યોજાયો હતો. મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા હરિભક્તોએ કથાશ્રવણનો લાભ લીધો હતો.

યજ્ઞ કમિટીએ આ કાર્યક્રમ દ્વારા એકત્ર થયેલી રકમમાંથી વધારાની રકમ ગાયોને ઘાસચારા માટે દાન આપી હતી. કમિટીએ દાખલો બેસાડવા માટે પોતાના ભંડોળમાંથી રૂ. ૧૦,૦૦,૦૦૦ દાનમાં આપ્યા હતા. ભારત અને વિદેશમાં સમાજની સેવા કરનારા લોકોના નારણપરમાં આવેલા મકાનોને શણગારવામાં આવ્યા હતા. આ કથામાં ભાગ લેવા વિલ્સડન મંદિરના પ્રમુખ કુંવરજી અરજણ કેરાઈ, કુંવરજી દેવરાજ વેકરિયા અને લંડનથી ૧૦૦થી વધારે હરિભક્તો આ પ્રસંગે પધાર્યા હતા.


comments powered by Disqus