સિંગાપોરઃ વિશ્વભરમાં સર્વશ્રેષ્ઠ ગણાતું સિંગાપોર એરપોર્ટ રિનોવેશન પછી લોકોના સ્વાગત માટે તૈયાર છે. અત્યાર સુધી જેની માત્ર પ્રતીકાત્મક તસવીરો જ દર્શાવાતી હતી તે એરપોર્ટની પ્રથમ વાસ્તવિક ઝલક ૧૧ એપ્રિલે આંતરરાષ્ટ્રીય મીડિયા સમક્ષ રજૂ કરાઇ હતી. જ્વેલ ચાંગી એરપોર્ટ કોમ્પલેક્સ સત્તાવાર રીતે ૧૭ એપ્રિલથી ધમધમતું થઇ જશે.
એરપોર્ટની સૌથી મોટી વિશેષતા અહીં બનેલો વિશ્વનો સૌથી મોટો ઇનડોર ધોધ છે. તેની ઊંચાઈ આશરે ૧૩૦ ફૂટ છે. આશરે ૮૦૦૦ કરોડ રૂપિયાના જંગી ખર્ચે ચાંગી એરપોર્ટનું રિનોવેશન થયું છે.
આ જગવિખ્યાત એરપોર્ટ ૧.૩૦ લાખ ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલું છે. કોમ્પલેક્સમાં ૧૦ માળ છે તેમાંથી ૫ માળ જમીનની નીચે અને ૫ જમીનની ઉપર છે. તેમાં ૨૮૦ રિટેલ શોપ્સ પણ બનાવવામાં આવી છે. તો પ્રવાસીઓના ઝડપી ચેક-ઇનની સુવિધા પણ અહીં છે.
આ સાથે જ આધુનિકતમ એરપોર્ટ પર ૧૩૦ કેબિનની ભવ્ય હોટલ પણ છે. તેની છત પર બનેલ સ્વિમિંગ પુલ, ૨૪ કલાક ચાલતા બે થિયેટર અને શોપિંગ સ્પોટ પહેલાંથી જ ચર્ચિત છે.
૭મું સૌથી વ્યસ્ત એરપોર્ટ
એરપોર્ટ પર ચાર માળનો બગીચો છે. આ બગીચાને ચર્ચિત આર્કિટેક્ટ મોશે સફદીએ ડિઝાઇન કર્યો છે. તેના રિનોવેશનનું કામ ૨૦૧૪માં શરૂ થયું હતું. ચાંગી વિશ્વનું ૭મું સૌથી વ્યસ્ત એરપોર્ટ છે. ૨૦૧૮માં અહીં ૪ ટર્મિનલ પરથી ૬.૫૬ કરોડ પ્રવાસી પસાર થયા હતા. શ્રેષ્ઠતાના મામલે ટોક્યો એરપોર્ટ બીજા અને દક્ષિણ કોરિયાનું ઇંચેઓન ત્રીજા સ્થાને છે.

