જલિયાંવાલા સંહારઃ માત્ર અફસોસ પૂરતો નથી

Wednesday 17th April 2019 06:23 EDT
 

માનવ ઈતિહાસમાં યહુદી હોલોકાસ્ટ કે નરસંહાર સાથે સરખાવી શકાય તેવા જલિયાંવાલા હત્યાકાંડમાં બ્રિટિશ સામ્રાજ્યના સંસ્થાનવાદી શાસનની ભૂમિકા બદલ થેરેસા મે સરકારે સત્તાવાર માફી નહિ માગતાં માત્ર અફસોસ દર્શાવીને ભારત-યુકેના સારા સંબંધોના ગાણાં ગાઈને ઈતિહાસ પર પાણી ફેરવી દીધું છે. ભારતમાં બ્રિટિશ બ્રિગેડિયર જનરલ રેજીનાલ્ડ એડવર્ડ હેરી ડાયરના કલંકિત કૃત્ય જલિયાંવાલા બાગ હત્યાકાંડની ૧૦૦મી વર્ષીએ મૃતકોને યાદ કરી વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિતના નેતાઓ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ ત્યારે બ્રિટિશ હાઈ કમિશનર ડોમિનિક એસ્કવિથે પણ આ ઘટનાને બ્રિટિશ-ભારતીય ઈતિહાસની માત્ર શરમજનક ઘટના ગણાવી દુ:ખ વ્યક્ત કર્યું.
અમૃતસરના સુવર્ણ મંદિર નજીક આવેલા જલિયાંવાલા બાગનું ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના ઈતિહાસમાં અનોખું સ્થાન છે. વૈશાખી પર્વની ઉજવણી ટાણે ૧૩ એપ્રિલ ૧૯૧૯ના રોજ જલિયાંવાલા બાગમાં આઝાદી આંદોલનને અટકાવવાના હેતુસરના બ્રિટિશ દમનકારી રોલેટ એક્ટ સામે વિરોધમાં સભાનું આયોજન થયું હતું. વિરોધીઓ ઉપરાંત, પરિવાર સાથે વૈશાખીનો મેળો જોવા આવેલાં લોકો પણ આ સ્થળે હાજર હતાં.
જનરલ ડાયરના આદેશથી બ્રિટિશ સૈનિકોની ગોળીઓએ સેંકડો નિર્દોષ લોકોને મોતને ઘાટ ઉતારી જલિયાંવાલા બાગની ભૂમિને લોહીના લાલ રંગે રંગી નાખી હતી. નાસી છૂટવાનો કોઈ માર્ગ ન હતો ત્યારે માત્ર ૧૦ મિનિટમાં ૧૬૫૦ રાઉન્ડ ગોળીબારમાં કેટલાએ જાન ગુમાવ્યાં હશે. કેટલાંક લોકો જીવ બચાવવા માટે એકમાત્ર કુવામાં કૂદી ગયા હતા. બ્રિટિશ રેકોર્ડ આ ઘટનામાં ૩૭૯ લોકોના મોત અને ૨૦૦ લોકોના ઘાયલ થવાનું સ્વીકારે છે. જોકે, બિનસત્તાવાર આંકડો ૧૦૦૦થી વધુ મોત અને ૨૦૦૦થી વધુ ઘાયલ હોવાનું જણાવે છે. જઘન્ય હત્યાકાંડના સાક્ષી અને ઘટનાથી હચમચી ગયેલા સરદાર ઉધમસિંહે બદલો લેવા ૧૩ માર્ચ ૧૯૪૦ના રોજ લંડનના કેક્સટન હોલમાં પંજાબ પ્રાંતના પૂર્વ લેફ્ટનન્ટ ગવર્નર માઈકલ ઓ’ડાયરને ઠાર માર્યો હતો. ઉધમસિંહને ૩૧ જુલાઈએ રોજ ફાંસીએ ચઢાવી દેવાયા હતા.
જનરલ ડાયરે ભારતીયોનાં ટોળાનાં હુમલાથી બચવા ગોળીબાર કરાયાનો બચાવ કર્યો અને બ્રિટિશ શાસને તે સ્વીકારી પણ લીધો. હંટર કમિશન સમક્ષ પણ જનરલ ડાયરે પોતાના કૃત્યને યોગ્ય ગણાવ્યું હતું. બ્રિટિશ હાઉસ ઓફ કોમન્સે તો હત્યાકાંડની નિંદા કરી, પણ હાઉસ ઓફ લોર્ડ્સે ડાયરની ‘બહાદુરી’ના વખાણ કર્યાં.
વોર મિનિસ્ટર સર વિન્સ્ટન ચર્ચિલે ૧૯૨૦ની આઠ જુલાઈએ પાર્લામેન્ટની ચર્ચામાં જલિયાંવાલા બાગની ઘટનાને રાક્ષસી - monstrous ગણાવવા સાથે બાગમાં હાજર લોકો નિઃશસ્ત્ર હતા, તેમની પાસે નાસવા માટે કોઈ જગ્યા ન હતી, ભીડ એટલી હતી કે એક બૂલેટ ત્રણથી ચાર વ્યક્તિને ઘાયલ કરી શકે અને ગોળીઓ ખલાસ થઈ ત્યારે જ ફાયરિંગ બંધ થયું હોવાનું જણાવ્યું હતું. જનરલ ડાયરે તો આર્મી કાઉન્સિલ સમક્ષ જણાવ્યું હતું કે તેમની પાસે વધુ સરંજામ, સૈનિકો, મશીનગન્સ કે તોપ ન હતાં, અન્યથા તેનો ઉપયોગ પણ તેણે કર્યો હોત. આ ઉપરાંત, સર ચર્ચિલે કહ્યું હતું કે, જનરલ ડાયરે કદાચ ખોટું કર્યું હશે, પરંતુ આવો નિર્ણય લેવાના તેમના આગવા અધિકારો પણ હતા. આ ચર્ચામાં નૃસંશ હત્યાકાંડના બદલે જનરલ ડાયર સામે શિસ્તભંગના પગલાં વિશે જ વધુ વાત થઈ હતી.
આજે પણ બ્રિટિશ શાસન માનસિકતામાં ખાસ પરિવર્તન દેખાતું નથી. મહારાણી તેમજ પૂર્વ વડા પ્રધાન ડેવિડ કેમરન પણ હત્યાકાંડને શરમજનક કે દુઃખદ ઘટના ગણાવી મૌન થઈ ગયાં. થેરેસા મે પણ તેમને જ અનુસર્યાં. બ્રિટનને ભય છે કે જો આ હત્યાકાંડ માટે માફી માગીશું તો બીજા દેશોમાં આચરેલા આવા કરતૂતોનો પટારો ખૂલી જશે અને માફી માંગવા સાથે જંગી આર્થિક વળતર ચૂકવવાનો વારો આવશે. વાસ્તવિકતા એ છે કે બ્રિટિશ ભારતીય બાળકો સહિત યુકેની વર્તમાન અને ભાવિ પેઢી તેમના સંસ્થાનવાદી રાષ્ટ્રના કરતૂતોથી અજાણ છે કારણ કે આ ઈતિહાસ તેમને ભણાવાતો નથી. જો આ ઈતિહાસ તેઓ જાણશે તો વધુ માનવતાવાદી બની શકશે અને કોઈ પણ સ્થળે આવી ઘટનાઓનું પુનરાવર્તન ટાળી શકાશે.


comments powered by Disqus