અમદાવાદઃ આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ માટે જાહેર થયેલી ભારતીય ટીમના ૧૫ સભ્યમાં ત્રણ ગુજરાતી ક્રિકેટર્સનો સમાવેશ થાય છે. વડોદરાના હાર્દિક પંડ્યા, અમદાવાદના જસપ્રિત બુમરાહ તથા જામનગરના ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાને સ્થાન અપાયું છે.
બુમરાહ નવા બોલનું આક્રમણ સંભાળશે. અને હાલમાં તે આઈસીસી વન-ડે રેન્કિંગમાં પણ પ્રથમ ક્રમાંકે છે. ડેથ ઓવર્સમાં તે ઘાતક બોલિંગ કરીને હરીફ ટીમના ગેમપ્લાન પણ પાણી ફેરવી દેવાની ક્ષમતા ધરાવે છે.
હાર્દિક પંડ્યા ટીમના કોમ્બિનેશન માટે મહત્વનો ખેલાડી છે અને તે ત્રીજા મીડિયમ પેસ બોલર તરીકે મેદાનમાં ઉતરી શકે છે. ઇનિંગ્સના અંત ભાગમાં તે સ્ફોટક બેટિંગ કરીને સ્કોરબોર્ડ સતત ફરતું રાખવા માટે પણ જાણીતો છે.
ડાબોડી સ્પિન ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા બેટ - બોલ ઉપરાંત ફિલ્ડિંગમાં શાનદાર ખેલાડી છે. હરીફ ટીમની ઇનિંગ્સની મધ્યમ ઓવર્સમાં તે રનરેટ પર કાબૂ રાખવામાં નિષ્ણાત છે. ઇંગ્લેન્ડમાં શાનદાર પ્રદર્શન કર્યું હોવાના કારણે તેના પર મેનેજમેન્ટ મોટી આશા રાખી શકે છે. તે આક્રમક બેટિંગ કરીને સ્કોરબોર્ડ સતત ફરતું રાખે છે.

