નીસડન ટેમ્પલમાં સ્વામીનારાયણ જયંતી અને રામનવમીની ધામધૂમપૂર્વક ઉજવણી

Wednesday 17th April 2019 06:50 EDT
 
 

BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર, લંડન (નીસડન ટેમ્પલ) ખાતે ૧૩ અને ૧૪ એપ્રિલે ભગવાન સ્વામીનારાયણ અને ભગવાન રામના જન્મોત્સવની ધાર્મિક શ્રદ્ધા સાથે ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે ૧૩ એપ્રિલે ભક્તિસંગીત, પ્રેઝન્ટેશન્સ અને ટૂંકા સંવાદો સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. તેમાં બાળકો, યુવાનો અને વડીલોએ ભાગ લીધો હતો. તેમના કાર્યક્રમ દ્વારા વચનામૃતમાં ભગવાન સ્વામીનારાયણે આસ્થા અને ભગવાનની મહાનતા વિશે જે સંદેશ આપ્યો હતો તેનું નિરુપણ કરાયું હતું. આ વર્ષની વચનામૃત દ્વિશતાબ્દી તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે.

વચનામૃતના માનમાં યુવાનોએ નૃત્ય રજૂ કર્યું તે પહેલા પૂ. મહંત સ્વામીએ પાઠવેલા આશીર્વચનનો વીડિયો દર્શાવાયો હતો. હિંદુ પંચાંગ મુજબ ચૈત્ર સુદ નોમના દિવસે ભગવાન સ્વામીનારાયણ અને ભગવાન રામનું પૃથ્વી પર પ્રાગટ્ય થયું હતું. આ વર્ષે આ તિથિ ૧૪મી એપ્રિલને રવિવારે હતી. તે નિમિત્તે મંદિરમાં અન્નકૂટ, ગીત, ધૂન અને સાંજ સભા સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.

સાંજે વિશેષ સંગીત કાર્યક્રમ યોજાયો હતો. તેમાં યુવકો, વરિષ્ઠ હરિભક્તો અને સ્વામીઓએ ભગવાન સ્વામીનારાયણ અને ભગવાન રામની મહાનતા અને દિવ્યતાનું વર્ણન કરતાં સંખ્યાબંધ ભજનો અને ગીતો ગાયા હતા.

ચાવીરૂપ વક્તવ્યમાં મંદિરના મુખ્ય સ્વામી યોગવિવેક સ્વામીએ ભગવાન સ્વામીનારાયણ અને ભગવાન રામના અનુકરણીય જીવન વિશે વાત કરીને તેમણે આપેલી શીખ અને સંદેશાને રોજીંદા જીવનમાં ઉતારવા સૌને પ્રોત્સાહિત કર્યા હતા.

સાંજની સભાનું સમાપન રાત્રે ૧૦.૧૦ વાગે આરતી સાથે થયું હતું. આ સમયે ભગવાન સ્વામીનારાયણ ભારતના નાનકડા ગામ છપૈયા ખાતે ભક્તિમાતાની કૂખે જન્મ્યા હતા. ભગવાન રામના જન્મ સમયે બપોરે આરતી કરવામાં આવી હતી.

 


comments powered by Disqus