શહેરની પ્રખ્યાત વિલીંગ્ટન આર્ટ્સ કોલેજમાં વકૃત્વ સ્પર્ધા ચાલી રહી હતી. યુવાનો અને યુવતીઓનો મનપસંદ વિષય ‘પ્રેમ’ રાખવામાં આવ્યો હતો. ભાગ લેનારાં સ્પર્ધકોમાં મેઘા અને મલ્હાર પણ હતાં. બંને સારા મિત્રો હતાં. મેઘા હાયર મિડલ કલાસની છોકરી હતી. મલ્હાર ગરીબ કુટુંબનો યુવાન હતો. મલ્હારનાં ખભે વિધવા મા તથા બે નાની બહેનોની જવાબદારી હતી. મલ્હાર મોર્નિંગ કોલેજમાંથી છૂટીને દરરોજ પાર્ટટાઈમ જોબ પણ કરતો હતો.
મેઘાનું નામ ઘોષિત થયું એટલે તેણે સ્ટેજ જઈને તેની આગવી છટામાં તેનું વકતવ્ય શરૂ કર્યું હતું... ‘પ્રેમ શબ્દ નથી. પ્રેમ અભિવ્યક્તિ છે. પ્રેમ અહેસાસ છે. તમારા સેલફોનમાં અસંખ્ય મેસેજ આવતા હોય, પરંતુ મેસેજ વાંચ્યા પહેલા મોકલનારનું માત્ર નામ વાંચીને તમારી આંખ ફોનનાં સ્ક્રીનની જેમ ઝળહળી ઊઠે ત્યારે માનવું કે નક્કી તમે તે વ્યક્તિનાં પ્રેમમાં છો. રોમેન્ટિક ગીતો સાંભળતી વખતે સંગીતની સાથે તમને જ્યારે શબ્દો પણ ગમવા લાગે ત્યારે નક્કી તમે પ્રેમમાં છો. પ્રેમમાં પડનારની દુનિયા જ બદલાઈ જતી હોય છે. આંસુ અને પ્રેમને ગાઢ સંબંધ હોય છે. ટૂંકમાં પ્રેમની અનુભૂતિ એટલી અદભુત હોય છે કે તેનું શબ્દોમાં વર્ણન શક્ય જ નથી.’ મેઘાના વકતવ્ય બાદ હોલ તાળીઓથી છલકાઈ ગયો હતો. સૌ કોઈને લાગી રહ્યું હતું કે પ્રથમ ઇનામ તો મેઘા જ જીતી જશે.
ત્યારબાદ મલ્હારનો વારો આવ્યો. મલ્હારે માઇક હાથમાં લઈને કહ્યું હતું. ‘મારાં પહેલાં જે તમામ સ્પર્ધકો બોલી ગયા તેમની સાથે હું સહમત છું. મારી પહેલાં મેઘાએ કહ્યું કે આંસુ અને પ્રેમને ગાઢ સંબંધ હોય છે, પરંતુ તેનો મતલબ એવો હરગિજ નથી કે પ્રેમમાં માત્ર પીડા જ હોય છે. મને લાગે છે કે પ્રેમ એ બોલી બતાવવાનો નહિ બલ્કે કરી બતાવવાનો વિષય છે.’ હોલમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું. મલ્હારે ગંભીરતાથી કહ્યું કે લગ્ન થતાંની સાથે પૂરો થાય તે પ્રેમ નથી હોતો... વળી પ્રેમ વિશેની વાત ત્યાં સુધી અધૂરી કહેવાય જ્યાં સુધી ‘પ્લેટોનિક લવ’ વિશે કહેવામાં ન આવે. ‘પ્લેટોનિક લવ’ એટલે સ્પિરિચ્યુઅલ લવ જેમાં શારીરિક સંબંધોને બિલકુલ સ્થાન નથી હોતું. આવા લવમાં લગ્નનાં બંધનની પણ જરૂર હોતી નથી. તેમાં પ્રેમની ગરીમા જ એટલી ઊંચાઈએ હોય છે, જ્યાં સુધી બહુ ઓછા લોકો પહોંચી શકતા હોય છે. આપણા દેશમાં રાધાકૃષ્ણની પૂજા થાય છે. જેઓ પતિ-પત્ની નહોતા.’
મલ્હારને લોકો ધ્યાનથી સાંભળી રહ્યા હતા. જે ઉંમરે વિચારોમાં સેક્સનું આધિપત્ય હોય તે જ ઉંમરનો યુવાન જે રીતે ‘પ્લેટોનિક લવ’ વિશે વાત કરી રહ્યો હતો તેને કારણે નિર્ણાયક સમિતિ પણ પ્રભાવિત થઈ ગઈ હતી.
પ્રોગ્રામ પૂરો થયો ત્યારે મલ્હારના હાથમાં પ્રથમ રેન્કની ટ્રોફી હતી અને મેઘાના હાથમાં બીજા રેન્કની.
કોલેજથી ચાલતાં ચાલતાં નીકળીને બંને મિત્રો નજીકમાં જ આવેલા રેસ્ટોરાંમાં બેઠાં.
‘મલ્હાર, કોઈ પતિ-પત્ની વચ્ચે ‘પ્લેટોનિક લવ’ હોઈ શકે?’
‘મેઘા, સાચું કહું તો લગ્નને અને પ્રેમને કોઈ લેવાદેવા નથી. પ્રેમ થાય એટલે પરણવું જરૂરી નથી અને લગ્ન થઈ જાય એટલે પ્રેમ પણ થઈ જ જાય તે પણ જરૂરી નથી.’
‘મલ્હાર, તારી વાત મને સમજાતી નથી.’
‘મેઘા, આજે દુનિયા લયલા-મજનુ, હીર-રાંઝા, સોહની-મહિવાલ જેવા પ્રેમીઓને યાદ કરે છે. તેમના લગ્ન થયાં જ નહોતાં અથવા થઈ શક્યા નહોતા.’
‘મલ્હાર, મેં તો મારા મમ્મી-પપ્પાને જ આદર્શ માન્યા છે. તેમનામાં એકબીજા પ્રત્યે જે સમર્પણની ભાવના છે તે ખરેખર અદ્ભુત છે.’
‘મેઘા, મારી વાત કરું તો તારા પેરેન્ટ્સ કરતાં તદ્દન વિપરીત લગ્નજીવન મારા પેરેન્ટસનું હતું. મારા પપ્પા દરરોજ રાત્રે દારૂ ઢીંચીને મારી મમ્મીને મારતાં. આજે પપ્પા આ દુનિયામાં નથી છતાં મમ્મી આદર્શ ભારતીય નારીની જેમ તેમનાં ફોટોની પૂજા કરે છે. મને તો સ્ત્રીઓની માનસિકતા જ સમજાતી નથી.’ મલ્હારના અવાજમાં પપ્પા પ્રત્યેનો તિરસ્કાર, અને મમ્મીનાં વર્તન પ્રત્યેનો આક્રોશ છલકાતો હતો.
‘મલ્હાર, આઈ લવ યુ.... આપણે લગ્ન કરી લઈએ તો?’ અચાનક મેઘાએ ભાવુક થઈને કહ્યું હતું.
‘મેઘા, આપણે સારા મિત્રો છીએ તે શું પૂરતું નથી?’
‘કેમ થોડી વાર પહેલાં જ તો તું સ્ટેજ પરથી એવું બોલતો હતો કે પ્રેમ તો કરી બતાવવાનો વિષય છે. વળી સાચું કહે તું મને નથી ચાહતો?’
‘મેઘા, ચાહવું એટલે શું? પહેલા અપેક્ષાઓ રાખવી અને પછી દુઃખી થવું એમ જ ને?’
‘મલ્હાર, યુ મીન ટુ સે... આપણે બંનેએ લગ્ન કર્યા વગર તારો પેલો ‘પ્લેટોનિક લવ’ રાખવાનો એમ જ ને?’ મેઘા ખડખડાટ હસી પડી. મેઘા જેટલી રમતિયાળ અને ચંચળ હતી. મલ્હાર તેટલો જ ધીર ગંભીર હતો. ‘મેઘા, તને હસવું આવે છે. પરંતુ આજે સ્ટેજ પરથી હું જે બોલ્યો તે ભલે મારાં રિડીંગને કારણે હતું, પરંતુ જિંદગીને નાની ઉંમરમાં મેં ખૂબ નજીકથી જોઈ છે. દિલનાં કોઈક ખૂણે કોઈક ટીસ હોય ને ત્યારે સામાજિક બંધનો પર પણ ગુસ્સો આવતો હોય છે.’
‘એની... વે, મલ્હાર, મેં તો તને પ્રપોઝ કરી જ દીધું છે. ફાઈનલ એકઝામનું રિઝલ્ટ હજુ મહિના પછી આવશે તું ત્યારે જવાબ આપજે બસ? આપકા સમય શુરૂ હોતા હૈ અબ...’ મેઘાએ ‘કૌન બનેગા કરોડપતિ’ના બચ્ચનસાહેબની અદામાં કહ્યું હતું.
એક માસ બાદ રિઝલ્ટ આવ્યું. બંનેએ ફર્સ્ટ કલાસ મેળવ્યો હતો. મલ્હારે પણ ઘણા મનોમંથન બાદ નક્કી કર્યું હતું કે તેને મેઘા પ્રત્યે માત્ર વિજાતીય આકર્ષણ જ નહોતું. બલકે પ્રેમ પણ હતો. કોલેજનાં ગેટ પર મલ્હાર હાથમાં માર્કશીટ સાથે મેઘાની પ્રતિક્ષા કરી રહ્યો હતો. આજે મલ્હાર મેઘાની પ્રપોઝલને સ્વીકારી લેવાના મૂડમાં હતો. મેઘા આવી નહીં.
મલ્હારને પોતાની જાત પર પણ ગુસ્સો આવતો હતો. કારણ કે આ એક મહિનામાં તેણે મેઘાને કોઈ જ મેસેજ પણ કર્યો નહોતો. મેઘા તો નિખાલસતાથી પ્રપોઝ કરીને જતી રહી હતી. વાસ્તવમાં મેઘાનો કોન્ટેક્ટ ન કરવા માટે તે ખુદ જ જવાબદાર હતો. છેલ્લે જતી વખતે મેઘા બોલી હતી કે વેકેશનમાં તે તેની મોટી બહેનના ઘરે વડોદરા જવાની છે. તો શું મેઘા હજુ ત્યાં જ રોકાઈ હશે?
મલ્હારે તરત જ તેનાં સેલફોનમાંથી મેઘાને ફોન લગાવ્યો. ફોન સતત નો-રિપ્લાય થતો રહ્યો. સાંજ સુધીમાં તો મલ્હારે વીસેક વાર ફોન લગાવ્યો, પરંતુ મેઘાએ ફોન ન જ ઉપાડ્યો. મલ્હાર પાસે મેઘાનું વડોદરાનું એડ્રેસ નહોતું. મેઘાનાં પપ્પાના ઘરે જતાં મલ્હારને સંકોચ થતો હતો. શું મેઘા તેનાં પ્રેમની પરીક્ષા તો નહીં લઈ રહી હોય ને? મલ્હારે ધીરજ રાખવાનું વિચાર્યું. સતત ત્રણ દિવસ સુધી અલગ અલગ સમયે મલ્હારે મેઘાને ફોન કરવાનો સિલસિલો ચાલુ રાખ્યો. મેઘા તરફથી કોઈ જ પ્રતિસાદ મળ્યો નહિ. ત્રીજા દિવસે સાંજે કુરિયર દ્વારા મલ્હારને મેઘાનો પત્ર મળ્યો. મલ્હારે કવર ખોલીને વાંચવાનું શરૂ કર્યું.
‘મલ્હાર, છેલ્લા એક મહિનામાં મારી દુનિયા બદલાઈ ગઈ છે. મોટી બહેનનું કાર અકસ્માતમાં અવસાન થયું છે. તેના નાના બે ભુલકાંઓની જવાબદારી વહન કરવા માટે મેં મારાથી દસેક વર્ષ મોટાં જીજાજીને અપનાવી લીધા છે. મારા મમ્મી-પપ્પાનાં કિસ્સામાં મેં તેમનાં પ્રેમમાં સમર્પણ ભાવના જોઈ છે. મારા કિસ્સામાં સમર્પણમાંથી પ્રેમ ઊભો કરવાની નોબત આવી છે, જે મેં ચેલેન્જ તરીકે ઉપાડી છે. આ કિસ્સો તને ફોનમાં કહેતાં મારી જીભ ઉપડતી નહોતી તેથી આખરે આ પત્ર દ્વારા તને જાણ કરું છું. કદાચ... મારા નસીબમાં તારો પેલો ‘પ્લેટોનિક લવ’ જ લખાયેલો છે!’
પત્ર વાંચીને મલ્હારની આંખ ભીની થઈ ગઈ. તેનાથી બોલાઈ ગયુંઃ
‘મેઘા, તે દિવસે તું તારા વકત્વ્યમાં બોલી હતી આંસુને અને પ્રેમને ગાઢ સંબંધ હોય છે... મેં મારા વકતવ્યમાં તારી તે વાતને સુધારતા કહ્યું હતું... આંસુને અને પ્રેમને ગાઢ સંબંધ હોય છે તેનો મતલબ એવો હરગિજ નથી કે પ્રેમમાં માત્ર પીડા જ હોય છે.... આજે લાગે છે કે તું સાચી હતી અને હું ખોટો હતો... આંસુને અને પ્રેમને ગાઢ સંબંધ હોય છે અને પ્રેમમાં પીડા પણ હોય છે. ભલે તે ‘પ્લેટોનિક લવ’ હોય તો પણ...’

