હૈયા વરાળને શાબ્દિકતા આપવી છે. મારા મનમાં ઘણાં સમયથી ખટકતી વાત તમને કહેવી છે.
હું જ્યારે જ્યારે બેસણું, સાદડી કે શોકસભામાં સ્વર્ગસ્થના સ્વજનો, મિત્રો વગેરેના મુખેથી મૃતકની જીવન ઝરમર સાંભળું છું ત્યારે મન થાય છે કે જનાર વ્યક્તિ વિશે હું તેના જીવનકાળ દરમિયાન જાણતી હતી તેનાથી વધુ તેના મૃત્યુ બાદ જાણું છું. તેમનું વ્યક્તિત્વ,વિશેષતા, સદગુણો, સિદ્ધિ અને સફળતા વિશે આપણે તેના ગયા પછી જ શા માટે બોલીએ છીએ ? શું આપણને કોઈના મોંઢે વખાણ કરતાં શરમ આવે છે ? કે પછી આપણો અહમ અને ઈર્ષા નડતરરૂપ બને છે. કેટલી દુઃખની વાત છે કે વ્યક્તિના જીવતા તેની પીઠ પાછળ તેનું ખરાબ બોલીએ અને મરણ બાદ સારું બોલીએ.
અખબારોમાં મૃત્યુ નોંધમાં ફૂલ ગયું ફોરમ રહી વાંચીએ છીએ. જેવી રીતે ફૂલ તેની ફોરમથી બેખબર હોય છે તેવી જ રીતે મૃત્યુ બાદ કરાતા વખાણથી મનુષ્ય વંચિત રહે છે. તેથી જો કોઈના વખાણ કરવા હોય તો તેના બેસણા સુધી રાહ ન જોવાય.
