જિલ્લા પોલીસ વડાએ રિવોલ્વરના લાયસન્સ માટે આવેલી મહિલાને કહ્યું, ‘તમારા શબ્દો બંદૂકની ગોળીથી વધારે અસરકારક છે તો રિવોલ્વરનો ભાર વેંઢારવાની શી જરૂર?’
અરજદાર મહિલાના પિયર અને શ્વસુર પક્ષે - રાષ્ટ્રની આઝાદીની લડતમાં કરેલું પ્રદાન નમૂનેદાન હતું. દેશસેવામાં ક્યારેય પાછી પાની કરી ન હતી. શ્વસુર હતા મહાત્મા ગાંધીની દિનવારીના લેખક અને સરદાર પટેલ જ્યારે અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ હતા ત્યારે મ્યુનિસિપાલિટીના ચીફ ઓફિસર ચંદુભાઈ ભગુભાઈ દલાલ. પિતા હતા સૌરાષ્ટ્રના પ્રથમ વડા પ્રધાન ઢેબરભાઈના સાથીદાર અને ધારાશાસ્ત્રી પોપટલાલ ફૂલચંદ શાહ. આઝાદીની લડતમાં તેઓ સજોડે જેલવાસી થયેલાં. તે બદલ પછીના જમાનામાં મળતું પેન્શન કે મફત મુસાફરીનો પાસ પણ તેમણે સ્વીકાર્યો નહોતો. આવાં મહિલા હતાં આશાબહેન દલાલ.
રિવોલ્વરનું લાયસન્સ માગવાનું કારણ હતું અવારનવાર મળતી ધમકીઓ. વાત આવી હતી - અમૂલનગર આણંદના ડેન્ટિસ્ટ રજની પટેલે ધનલોભથી પ્રેરાઈને પત્નીની હત્યા કરેલી અને હત્યાને આત્મહત્યામાં ખપાવવા પ્રયત્ન કર્યો હતો. આની સામે આણંદના ઈતિહાસમાં પ્રથમવાર ૧૫૦૦થી ૨૦૦૦ મહિલાઓ સરઘસરૂપે આશાબહેનના નેતૃત્ત્વમાં પોલીસ સ્ટેશને પહોંચેલી. પોલીસ સ્ટેશને રજૂઆત કરી કે આ આત્મહત્યા નથી, પણ ઈરાદાપૂર્વક કરેલ ખૂન છે. કેસને રફેદફે કરવા રાજકીય દબાણો થયાં. ભાતભાતની વગ વપરાઈ. આશાબહેનને ધમકીઓ મળતી રહી. વર્ષોસુધી કેસ ચાલ્યો અને અંતે ડેન્ટિસ્ટ રજની પટેલ ગુનેગાર ઠર્યાં. તેઓ આજીવન કારાવાસ પામ્યા.
આશાબહેનની વય ત્યારે માત્ર ૩૯ વર્ષની. બબ્બે દીકરીઓને ભણાવવા અને પરણાવવાની હતી. આશાબહેન અર્થશાસ્ત્ર અને કાયદામાં ઝળહળતી સફળતા સાથે ડિગ્રી મેળવીને પ્રોફેસર બનેલાં. આમ છતાં અન્યાય સામે ઝૂઝવા નોકરી છોડીને તેમણે મહિલાઓની જાગૃતિ ટકાવવા જાગૃત મહિલા સંગઠનનું નેતૃત્વ સંભાળ્યું. પહેલા છ માસ ઘરેથી કામ સંભાળ્યું. પછી આર્યસમાજે એક રૂમ વાપરવા આપતાં ત્યાંથી કામ ચલાવ્યું.
આ પછી આશાબહેન આણંદ મ્યુનિસિપાલિટીમાં ચૂંટાયાં. વિવિધ કમિટીઓમાં તેમણે કામ કર્યું. તેમના કામથી ખુશ તે વખતના આણંદના મ્યુનિસિપાલિટીના પ્રમુખ બાબુભાઈએ જાગૃત મહિલા મંડળને મકાન માટે જમીન ફાળવી. મકાન બાંધવાની શરૂઆતમાં એક લાખ રૂપિયા આશાબહેનના બા અનસૂયાબહેનને આપ્યા. આ પછી મિલ્સેન્ટ ઘંટીના પરિવાર સાથે સંકળાયેલ ટ્રસ્ટી પ્રમિલાબહેન અને બીજા ટ્રસ્ટીઓ દાન મેળવવામાં મદદરૂપ થતાં મકાન બન્યું. મકાનમાં આરંભનું ફર્નિચર આશાબહેનની બંને ડોક્ટર દીકરીઓએ આપ્યું. મકાન વાપરવા યોગ્ય બન્યું.
જાગૃત મહિલા મંડળે મહિલા સશક્તિકરણ અને સેવાના ક્ષેત્રે ગુજરાતમાં નોખી ભાત પાડી. તેની પ્રવૃત્તિનો વ્યાપ ઘણો મોટો છે. તેમની પાસે છૂટાછેડા, પતિ-પત્નીના કલહમાં કુટાતાં બાળકોને ખ્યાલમાં રાખીને સમાધાન, પતિ - નણંદ - દિયર - સાસુ દ્વારા સ્ત્રીઓને થતી મારઝૂડ, બળાત્કાર, છેડતી, મહેણાં-ટોણાં, કુંવારી માતા, વિધવા પર ગુજારાતો ત્રાસ, સ્ત્રીને ઘરમાંથી બળજબરીથી કાઢી મૂકવી વગેરે સંબંધિત પ્રશ્નો આવે છે.
જાગૃત મહિલા મંડળ પાસે વર્ષે ૨૫૦-૩૦૦ કેસ આશ્રય માગતી મહિલાઓના આવે છે. કેટલીક વાર આવી પીડિતાઓ મારઝૂડથી ઘાયલ થયેલી હોય, તન-મનથી તૂટેલી હોય, ક્યારેક સંતાન સાથે હોય, આવી પીડિતાઓ માટે ભોજન, આશરો, પોષણ વગેરેની જરૂર લાગે એટલા સમય માટે વ્યવસ્થા કરે છે.
અત્યાર સુધી ૫૦૦૦ જેટલી મહિલાઓ માટે આવી વ્યવસ્થા કરી છે. ક્યારેક આવો આશરો બે-ચાર અઠવાડિયાં પૂરતો હોય તો ક્યારેક બેથી ચાર વર્ષ પણ લંબાયો છે. દર મહિને ૭૦થી ૮૦ મહિલાઓ તેમના વિવિધ પ્રશ્નો લઈને જાગૃત મહિલા મંડળમાં આવે છે. આમાંના પોણા ભાગના પ્રશ્નો કોર્ટમાં ગયા વિના સમજાવટથી ઊકેલવા પ્રયાસ થાય છે. જેમાં મુખ્યત્વે સ્ત્રીધન પરત અપાવવું, બાળકોની કસ્ટડી અપાવવી અથવા તો મિલકતમાં કાયદેસરનો ભાગ અપાવવા જેવી બાબતો સામેલ હોય છે.
નારી પુનર્વસન કે પુનઃ સ્થાપન ના થાય ત્યાં સુધી મહિલાઓને તે રાખે છે. તે સમય દરમિયાન તેને સ્વનિર્ભર બનાવવા જુદી જુદી તાલીમ કે શિક્ષણ અપાય છે. કામ શીખવ્યા પછી તેને યોગ્ય સ્થળે પ્રત્યક્ષ કામ કરવા મોકલે છે. આમાંથી થતી આવક એ મહિલાને આપે છે. સંસ્થાએ પીડિતો માટેના આશ્રયસ્થાનનું નામ ‘આપણું ઘર’ રાખ્યું. આમાંથી છૂટા પડતી વખતે પિયર છોડવાનો ભાવ અનુભવતી મહિલા ઉદાસ અને અશ્રુપૂર્ણ ચહેરે વિદાય લે છે.
સરકારે આશાબહેનને કામની કદર કરતાં ૫૦ હજાર રૂપિયા અને પ્રશંસાપત્ર આપ્યાં. સેવાના વારસાયુક્ત પરિવારનાં સભ્ય આશાબહેન ધનલોભી કે ધનસંગ્રાહક નથી.
તેમણે સરકારના રોકડ પુરસ્કારમાં ૧૧ હજાર રૂપિયા ઉમેરીને જાગૃત મહિલા મંડળને પ્રવૃત્તિ માટે દાનમાં આપ્યાં. ૩૯મા વર્ષે નોકરી છોડીને મહિલા સેવાના અવેતન કામમાં ઝંપલાવનાર આશાબહેન ખમતીધર મહિલા સેવક છે!

