નવીનત્તમ ટેકનોલોજી દ્વારા તબીબી વિજ્ઞાન અનેકવિધ રોગો અંગે સતત સંશોધન કરી રહ્યું છે. કિડની, લીવર, હાર્ટના રોગોને નાથવા તબીબી વિજ્ઞાન ઘણું કરી રહ્યું છે. માનવજગતને સૌથી વધુ ડરાવનાર રોગ હોય તો એ છે કેન્સર. તબીબી નિદાનમાં વ્યક્તિને કેન્સર થયાનું માલુમ પડે એટલે જાણે જિંદગી હવે કેન્સલ!! એવા ધ્રાસ્કા સાથે એ કેન્સરયુક્ત વ્યક્તિ એકલો જ નહિ પણ એનું સમગ્ર કુટુંબ ભારે વ્યથિત બની જાય છે. આવા સમયે દર્દીનું માનસિક મનોબળ તૂટી ના જાય એ માટે હોસ્પિટલ કાઉન્સેલીંગ સર્વિસની પણ મદદ પૂરી પાડે છે.
ઇંગ્લેન્ડમાં બ્રેસ્ટ, પ્રોસ્ટેટ, લંગ અને કોલોરેકટલ કેન્સરનું પ્રમાણ વધુ છે. ૨૦૧૬માં થયેલા એક સર્વેક્ષણ મુજબ ઇંગ્લેન્ડમાં ૩૦૩,૧૩૫ નવા કેન્સરના કેસો રજીસ્ટર્ડ થયા હતા જેમાં ૧૫૫,૦૧૯ જેટલા પુરુષો હતા અને ૧૪૮,૧૧૬ મહિલા દર્દી હતા. આમાંથી અડધા ઉપરાંત બ્રેસ્ટ એટલે કે સ્તન, પ્રોસ્ટેટ (પુરુષોના બ્લેડર ઉપરના ભાગે અખરોટ સાઇઝની ગાંઠ હોય), લંગ (ફેફસાં) અથવા કોલોરેકટર (મોટા આંતરડા)નું કેન્સરના કેસોનું નિદાન થયું હતું. ૨૦૧૬માં ૪૫,૯૬૦ જેટલી સ્ત્રીઓને સ્તનનું કેન્સર નિદાન થયું હતું. જેમાં ત્રણે એક સ્ત્રી દર્દીને જીવલેણ કેન્સર હોવાનું માલૂમ પડ્યું હતું.
પુરુષોમાં મોટા પ્રમાણમાં પ્રોસ્ટેટ કેન્સર થતું હોવાનું નિદાન થયું. ૨૦૧૬માં ૪૦,૪૮૯ કેસ રજીસ્ટર્ડ થયા જેમાં ચારે એક પુરુષને જીવલેણ કેન્સર હોવાનું જણાયું. ઇંગ્લેન્ડમાં ફેફસાંના કેન્સરનું પણ પ્રમાણ વધુ છે. ૨૦૧૬માં ૩૮,૩૮૧ લંગ કેન્સરના દર્દીઓ હતા જેમાં ૨૦,૫૬૦ પુરુષો અને ૧૭,૮૨૧ સ્ત્રીઓ હતી.
ત્રીજા નંબરનું કેન્સરમાં કોલોરેકટલ કેન્સર આવે છે. ૨૦૧૬ના સર્વે મુજબ કોલોરેકટલ કેન્સરના કુલ ૩૪,૯૫૨ કેસોમાં ૧૯,૫૮૧ પુરુષો અને ૧૫,૩૭૧ સ્ત્રી દર્દીઓનું કેન્સર નિદાન થયું હતું.
સકારાત્મકતાથી અસાધ્ય સાધી શકાય:
કેન્સરની શરૂઆતમાં જ જો દર્દીનું નિદાન થાય તો એની લેટેસ્ટ ટ્રીટમેન્ટ દ્વારા કેન્સરના રોગને નાથી શકાય છે. પ્રોસ્ટેટ, બ્રેસ્ટ, કોલન જેવા કેન્સરની શરૂઆત હોય ત્યારે તબીબી નિદાન થાય તો દર્દી દીર્ઘ જીવન મેળવી શકે છે.
અમારા પરિચિત એક બહેનને ૨૦ વર્ષ પહેલાં ૨૫ વર્ષની વયે બ્રેસ્ટ કેન્સર થયું હતું. અમેરિકામાં એડવાન્સ ટેકનોલોજીથી એ બહેનની એક બ્રેસ્ટ કાઢી નાખવામાં આવી. એ પછી દશેક વર્ષે બીજી બ્રેસ્ટનું કેન્સર થયું એ પણ ઓપરેશન કરી કાઢી નંખાઇ. ત્યારપછી કેમો ટ્રીટમેન્ટ દ્વારા કેન્સરના બાકી રહ્યા હોય એ શેલ બાળી નાખવામાં આવ્યા. ઇશ્વરમાં અતૂટ વિશ્વાસ ધરાવનાર એ બહેન ૬૫ વર્ષે હજુ તંદુરસ્ત જીવન જીવે છે. બ્રેન્ટ કાઉન્સિલમાં અત્યંત સક્રિય એવા એક સદસ્ય તદન તદુરસ્ત અને સદાબહાર દેખાય. ૬૦ વર્ષ પછીના લોકોને આપણા નેશનલ હેલ્થ દ્વારા પોસ્ટમાં એક સ્પેશીયલ કીટ મોકલાય છે. જેમાં ત્રણ દિવસ દરમિયાન તમારા દસ્ત અથવા મળનું સેમ્પલ એ કીટમાં સીલ કરીને નેશનલ હેલ્થની લેબોરેટરીમાં ચકાસવા મોકલી આપવાનું હોય છે. કેટલાક જણ આનો ઉપયોગ કરવાનું ટાળતા હોય છે. આપે પોસ્ટમાં પરત કરેલ સેમ્પલની લેબોરેટરીમાં ચકાસણી થાય તેમાં આંતરડામાં કેન્સરની અસર છે કે નહિ એ તરત ખબર પડી જાય છે. બ્રેન્ટના આ સદસ્ય હેલ્થ બાબતે બહુ ચોક્કસ એમના દસ્તના સેમ્પલમાં કેન્સર હોવાનું માલૂમ પડતાં હોસ્પિટલમાં એમનું કોલોનોસ્કોપીથી વધુ ચેકઅપ થયું. એમાં એમનું તાત્કાલિક ઓપરેશન કરવાનું નક્કી થયું. આ ભાઇ પણ કેવા પોઝીટીવ (સકારાત્મક) વિચાર ધરાવનારા! સાથે ઇશ્વર પર અતૂટ શ્રધ્ધા પણ ખરી. માનસિક રીતે ભાગી પડ્યા વગર કેન્સર સામે લડી લેવા તૈયાર થયા હોય એમ હોસ્પિટલમાં જતા પહેલાં સૌ સગા-સ્નેહી અને મિત્રોને ફોન કરી કહી દીધું કે મને કોલન કેન્સર નિદાન થયું છે અને મારું બે દિવસમાં ઓપરેશન કરવાનું છે પણ હું જલ્દી સ્વસ્થ થઇ પાછો આવું છું, પછી આપણે મળીએ!
એ ભાઇનું અડધું આંતરડુ કાપી નાખવામાં આવ્યુ હતું તેમ છતાં બે-ત્રણ મહિના પછી એ ભાઇ તદન સ્વસ્થ દેખાતા હતા. આજે તો એ ભાઇ આપણી જેમ બધા જ પ્રકારનું શાકાહારી ભોજન જમે છે.
કહેવાનું તાત્પર્ય એટલું જ કે કેન્સરનું નામ સાંભળી આપણું જીવન હવે કેન્સલ!! એવું નકારત્મક વિચાર્યા વિના સકારાત્મકતાથી જે તે ઇસ્ટદેવમાં શ્રધ્ધા હોય એના પર વિશ્વાસ રાખી નેશનલ હેલ્થ દ્વારા મળતી લેટેસ્ટ ટ્રીટમેન્ટ મેળવી ફરી નવપલ્લવિત થઇ જીવનપથ પર આનંદમય ઘડીઓ વિતાવીએ.
