લોકસભા ચૂંટણીમાં મતદાન કરવા ૯૩ NRGએ રજીસ્ટ્રેશન કરાવ્યું

Wednesday 17th April 2019 08:34 EDT
 
 

અમદાવાદઃ ગુજરાતમાં આગામી ૨૩ એપ્રિલે યોજાનારી લોકસભાની ચૂંટણી માટે ૯૩ વિદેશવાસી ગુજરાતીઓ (NRG)એ ચૂંટણી પંચ સમક્ષ રજીસ્ટ્રેશન કરાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે ૨૦૧૪ની લોકસભા ચૂંટણી વખતે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી માત્ર ૧૧ NRGએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. આમ, ગત લોકસભા કરતાં આ વખતે NRG દ્વારા વધુ પ્રોત્સાહક પ્રતિસાદ સાંપડ્યો છે.
રોજગાર-શિક્ષણ માટે ભારતનો કોઇ નાગરિક વિદેશમાં વસતો હોય અને તેણે અન્ય દેશનું નાગરિકત્વ મેળવ્યું ન હોય તો તે નોન રેસિડેન્ટ ઇન્ડિયન (NRI) તરીકે ચૂંટણી પંચની વેબસાઇટમાં જઇને રજીસ્ટ્રેશન કરાવી શકે છે. જેમાં તેને ફોર્મ 6A ભરીને વિવિધ દસ્તાવેજી પુરાવા રજૂ કરવા પડે છે અને ત્યારબાદ તે મત આપવા માટે માન્ય ગણાય છે.
આ રીતે રજીસ્ટ્રેશન કરાવનારા NRIને ઇલેક્ટ્રોલ ફોટો આઇડેન્ટી કાર્ડ અપાતું નથી, પણ તે ઓરિજનલ પાસપોર્ટ દર્શાવીને વોટ કરી શકે છે.
ઉલ્લેખનીય છે કે, વિદેશમાં વસતા ગુજરાતીઓની સંખ્યા ખૂબ જ વધુ હોવા છતાં ત્યાંથી ચૂંટણી વખતે મતદાન માટે રજીસ્ટ્રેન કરાવનારાનું પ્રમાણ સાધારણ જોવા મળે છે. ૨૦૧૭માં યોજાયેલી ગુજરાત વિધાનસભા ચૂંટણી વખતે ૬૪ NRG દ્વારા રજીસ્ટ્રેશન કરાવાયું હતું.
અધિકારીઓનું કહેવું છે કે, ‘વિદેશમાં વસતા ભારતીયો માટે ઓનલાઇન વોટિંગ કે પોસ્ટલ બેલેટની વ્યવસ્થા નથી. પરિણામે વિદેશમાં વસતા ભારતીય મતદારોએ મતદાન માટે પોતાના મતક્ષેત્ર સુધી આવવું પડે છે. આથી મોટા ભાગના લોકો રજીસ્ટ્રેશન કરાવવાનું ટાળે છે. એનઆરઆઇ મતદારો વધુ સંખ્યામાં મતદાન માટે આવે તેના માટે યોગ્ય પ્રચાર કરવામાં આવે તે પણ જરૂરી છે.’

૨૦૧૪માં માત્ર ૮ NRI!

૨૦૧૪ની લોકસભા ચૂંટણી વખતે સમગ્ર ભારતમાંથી ૧૩,૦૩૯ NRI મતદારોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમાંથી માત્ર ૮ NRI મતદારો જ મતદાન માટે આવ્યા હતા. આમાં ગુજરાતમાંથી સૌથી વધુ ૪ જ્યારે ચંડીગઢમાંથી બે, રાજસ્થાન-પશ્ચિમ બંગાળમાંથી ૧-૧ NRI મતદારે તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આ વખતે પણ ગુજરાતમાંથી ૯૩ NRG મતદારોએ રજીસ્ટ્રેશન તો કરાવ્યું છે, પરંતુ હકીકતમાં મત આપવા માટે કેટલા આવે છે તેનો સાચો ખ્યાલ તો ૨૩ એપ્રિલે જ આવશે.


    comments powered by Disqus