વર્લ્ડ કપ માટે ટીમ ઇંડિયાઃ અનુભવી કાર્તિક ઇન, વિજય શંકર નવો ચહેરો

Wednesday 17th April 2019 07:20 EDT
 
 

ચેન્નઈઃ ઇંગ્લેન્ડના યજમાનપદે રમાનારા વન-ડે વર્લ્ડ કપ ટૂર્નામેન્ટ માટે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)એ ટીમની જાહેરાત કરી છે. ટીમમાં અનુભવી દિનેશ કાર્તિકનું પુનરાગમન થયું છે જ્યારે યુવા ખેલાડી રિષભ પંત અને અંબાતી રાયડૂને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે. હવે ભારતીય ટીમ પાસે રોહિત શર્મા અને શિખર ધવન ઓપનર છે. ત્રીજો ક્રમે કેપ્ટન વિરાટ કોહલી છે તો લોકેશ રાહુલને બ્રેકઅપ ઓપનર તરીકે ટીમમાં સ્થાન અપાયું છે. તે આઈપીએલમાં વિકેટકીપર તરીકેની જવાબદારી પણ અદા કરે છે. દિનેશ કાર્તિકના નામ પર મંજૂરીની મહોર વાગી છે. રિષભ પંત ટેલેન્ટેડ છે, પરંતુ તેની વિકેટકીપિંગ અંગે પ્રશ્નાર્થ હતો અને તે ઘણી વખત બિનજવાબદાર ફટકા રમીને વિકેટ ફેંકી દેતો તેથી પસંદગીકારોએ તેને સ્ટેન્ડબાય તરીકે જ નજરમાં રાખ્યો છે. આ જ પ્રકારે કેટલાક સમયથી આઉટ ઓફ ફોર્મ અંબાતી રાયડુ પણ સ્ટેન્ડબાય જ રહેશે. કેદાર જાધવ પર સિલેક્ટર્સે ભરોસો મૂક્યો છે. તે સારો બેટ્સમેન હોવા ઉપરાંત પાર્ટ ટાઈમ બોલર તરીકેનો વિકલ્પ પણ પૂરો પાડશે. જોકે સૌથી આશ્ચર્યજનક પસંદગી વિજય શંકરની છે. માત્ર નવ વન-ડે રમનાર વિજયને ટીમમાં સ્થાન મળ્યું છે.

ઓલરાઉન્ડર કયા કયા?

પસંદગી સમિતિએ હાર્દિક પંડયા, વિજય શંકર અને રવીન્દ્ર જાડેજાના સ્વરૂપે ત્રણ ઓલરાઉન્ડરને ટીમમાં સામેલ કર્યા છે. જાડેજા શાનદાર ફિલ્ડર હોવાની સાથે

લેફ્ટ આર્મ સ્પિનરનો વિકલ્પ પૂરો

પાડશે. બાકીના બે મીડિયમ પેસર છે. હાર્દિકનો દાવો તેની બેટિંગના કારણે વધારે મજબૂત થયો હતો.

બોલિંગમાં કયા વિકલ્પ?

જસપ્રીત બુમરાહ, મોહંમદ શમી તથા ભુવનેશ્વર ઝડપી બોલર છે. આ ત્રણેય નક્કી મનાતા હતા અને ત્રણેયને ટીમમાં સ્થાન અપાયું છે. બે સ્પિનર તરીકે યુજવેન્દ્ર ચહલ તથા કુલદીપ યાદવને સ્થાન મળશે તેવી પૂરી સંભાવના હતી અને પસંદગીકારોએ બંનેને સ્થાન આપ્યું છે.

સરપ્રાઇઝ સિલેક્શન

વર્લ્ડ કપ માટે જાહેર થયેલી ભારતીય ટીમમાં સૌથી નસીબદાર હોય તો તે છે વિજય શંકર. તેણે પોતાની નાની વન-ડે કારકિર્દીમાં તમામને પ્રભાવિત કર્યા છે. શંકરે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય કે માત્ર નવ વન-ડે રમવા છતાં ઇંગ્લેન્ડ ખાતેના વર્લ્ડ કપ માટેની ટીમમાં સ્થાન મળશે. તેનો ટીમમાં ઓલરાઉન્ડર તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે. શંકરને છેલ્લી કેટલીક મેચમાં ચોથા ક્રમે બેટિંગમાં મોકલાયો હતો. વિજય શંકરે ૧૮મી જાન્યુઆરીએ મેલબોર્ન ખાતે ઓસ્ટ્રેલિયા સામે કારકિર્દી શરૂ કરી હતી. તેણે માત્ર નવ વન-ડે રમી હતી. ચારમાં તો બેટિંગ પણ મળી નહોતી.

કોહલી સામે ધોની અને રોહિતની ટીમ ભારે પડી

વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત થઈ ચૂકી છે અને તમામ ખેલાડીઓ આઈપીએલ ૨૦૧૯માં રમી રહ્યા છે. ખેલાડીઓના નામ જોઈએ તો કોહલીની બેંગ્લોર ટીમ સામે ધોની અને રોહિતની અનુક્રમે ચેન્નઈ તથા મુંબઈની ટીમ ભારે પડી છે. બેંગ્લોર ટીમના બે ખેલાડીઓની સામે ચેન્નઈ તથા મુંબઈના ત્રણ-ત્રણ ખેલાડીઓ છે. બેંગ્લોરના બે ખેલાડીઓ કોહલી તથ ચહલ, ચેન્નઈના ધોની, જાધવ તથા જાડેજા, મુંબઈના રોહિત શર્મા, હાર્દિક તથા બુમરાહ, કોલકાતાના કુલદીપ યાદવ, દિનેશ કાર્તિક, હૈદરાબાદના ભુવનેશ્વર કુમાર તથા વિજય શંકર, પંજાબના મોહમ્મદ શમી તથા લોકેશ રાહુલ તથા દિલ્હીના શિખર ધવનને ટીમમાં સ્થાન મળ્યું છે. રાજસ્થાન રોયલ્સના એક પણ ખેલાડીનો વર્લ્ડ કપની ટીમમાં સમાવેશ કરાયો નથી.

ભારતીય ટીમઃ વિરાટ કોહલી (સુકાની), રોહિત શર્મા, શિખર ધવન, લોકેશ રાહુલ, વિજય શંકર, મહેન્દ્રસિંહ ધોની, કેદાર જાધવ, દિનેશ કાર્તિક,
યુજવેન્દ્રસિંહ ચહલ, કુલદીપ યાદવ, ભુવનેશ્વરકુમાર, જસપ્રિત બુમરાહ, હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી.


comments powered by Disqus