વડીલો સહિત સહુ વાચક મિત્રો, અત્યારે ભારતનું ભાવિ સંક્રાંતિકાળમાંથી પસાર થઇ રહ્યું છે. આઝાદીના ૭૦ વર્ષ બાદ પણ વિવિધ સરકારો જનતા જનાર્દનની આવશ્યક્તાઓ કે અપેક્ષાઓ સંતોષવામાં ઓછાવત્તા અંશે અસફળ રહી છે તે સ્વીકારવું જ રહ્યું. અંતે તો તેની જવાબદારી શાસકોની છે, તંત્રની છે. કહેવાય છેને કે યથા રાજા તથા પ્રજા. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી સંતપુરુષ ગણાય છે. પરંતુ શાસક તરીકે તેઓ કેટલા સફળ રહ્યા હોત તે નક્કી કરવાનું હું સુજ્ઞ વાચકો પર છોડી રહ્યો છું.
માનવસંસ્કૃતિ તેના ઉદ્ભવકાળથી ચાલી આવતી વણઝાર છે. વ્યક્તિનો સમૂહ સ્થાપિત થયો, સમાજ બન્યો. રાષ્ટ્રની ભાવના અને શાસનના ઉદ્ભવની પ્રેરક ગાથા છે. કોઇ એક દિવસે કે ક્ષણે એક મહત્ત્વાકાંક્ષી, શક્તિશાળી નેતૃત્વધારી નીકળી પડે. મેદાને ઉતરે, જીવનસંગ્રામમાં ઝુકાવે, સમાન હેતુ - વિચાર - વાણી - વર્તન ધરાવતી વ્યક્તિનું સંગઠન રચાય અને એક સત્તાધારી જૂથ ઉદ્ભવે. કાળક્રમે આ સામંત, તેની ઠકરાતને વિસ્તારે. સત્તા જમાવે અને વિકાસ હાંસલ કરે. સામંતશાહી... ત્યારબાદ રાજાશાહી... તેમ કરતાં કરતાં યુગો યુગોના અનુભવના આધારે જનતંત્ર, લોકશાહી વધુ સ્વીકૃત બની. અલબત્ત, લોકો વડે, લોકો દ્વારા અને લોકો માટે સંચાલિત શાસનપ્રણાલિ લોકશાહી પણ સર્વાંગ સંપૂર્ણ છે એમ માનવું વિવાદાસ્પદ છે. શાસકમાં માત્ર ક્રૂરતા હોય તો તે અલ્પજીવી છે, સર્વનાશ સર્જક છે તેવા દાખલા ઇતિહાસમાં મોજુદ છે, પરંતુ સર્વજન હિતાય, સર્વજન સુખાય અભિગમ વધુ ફળદાયી બને, શાશ્વત બને ને આમ આદમીને ઉપયોગી નીવડે તે પણ નિર્વિવાદ છે.
ઇતિહાસ આવા વૈવિધ્યનો સાક્ષી છે. આચાર્ય ચાણક્યના માર્ગદર્શન હેઠળ સમ્રાટ ચંદ્રગુપ્તે આજથી ૨૫૦૦ વર્ષ પૂર્વે અખંડ ભારતની સ્થાપના કરી હતી. આજેય અનેકવિધ આક્રમણો અને સમસ્યાઓ હોવા છતાં આજનું ભારત લગભગ સાતત્ય ધરાવતું રાષ્ટ્ર છે. ચાણક્યે તેના કૌટિલ્ય અર્થશાસ્ત્રમાં સ્પષ્ટ જણાવ્યું છે કે સુ-શાસન સબ કા સાથ, સબ કા વિકાસને અનુરૂપ હોવું જોઇએ. તો સાથોસાથ શાસનપ્રણાલિમાં શામ-દામ-દંડ-ભેદનો ચતુષ્કોણીય અભિગમ પણ આવશ્યક છે. કાળક્રમે સરમુખત્યારશાહી, સામંતશાહી, રાજાશાહી એમ વિવિધ પગદંડી ઉપર માનવસમાજે પગરણ માંડ્યા. વિદ્વતા, વીરતા, સેવાપરાયણતા જેવા ઘરેણાં શાસન અને શાસકને ઓર મૂલ્યવાન બનાવે છે. ચાણક્યના યુગમાં પંચાયત પ્રથા સર્વપ્રથમ ભારતમાં ઉદ્ભવી હોવાનું પ્રમાણ છે. પંચાયત રાજને આજની લોકશાહીના પાયામાં ગણી શકાય.
જોકે આજનું ભારત ચોખંભે ઉભું છે તેમ કહેવામાં લગારેય અતિશ્યોક્તિ નથી. પાછલા એક હજાર વર્ષના કાલખંડ પર નજર નાખતા આપણા ભારતવર્ષની યાત્રા વિવિધ સ્વરૂપે સ્પષ્ટ થાય છે. આદિ શંકરાચાર્યે લગભગ ૧૧૦૦ વર્ષ પૂર્વે ભારતના ચારેય ખૂણામાં પગપાળા યાત્રા થકી ભારતભ્રમણ કર્યું. પૂર્વમાં જગન્નાથ પુરી, પશ્ચિમે દ્વારિકા, ઉત્તરમાં બદરીનાથ અને દક્ષિણે કાંચીકામકોટિમાં મઠ (આશ્રમ) સ્થાપ્યા. દ્વાદશ જ્યોર્તિલિંગ સ્તોત્રની રચના કરી. ભારતના નકશામાં બારેય જ્યોર્તિલિંગને આલેખિત કર્યા. તે અર્થમાં વિશાળ ભારત વર્ષમાં અધ્યાત્મ અને આધુનિકતા, પુરાતન, અર્વાચીન અને સાંપ્રત જીવનના સમીકરણ જેવો અભિગમ આપણે જોઇ શકીએ છીએ.
પરંતુ આટલો ભવ્યાતિભવ્ય સાંસ્કૃતિક - વૈચારિક વારસો ધરાવતા ભારતની રાજકીય ક્ષિતિજે આજની ક્ષણે, પ્રવર્તમાન ચૂંટણી જંગમાં કેવો માહોલ જોવા મળી રહ્યો છે? કૂતરું તાણે ગામ ભણી, શિયાળ તાણે સીમ ભણી જેવો.
અને આમાં કંઇ નવું નથી. ચૂંટણી હોવાની એટલે શબ્દોના તીર છૂટે જ. એકબીજાના મર્મસ્થાનને નિશાન બનાવી હુમલો થવાનોજ... પરંતુ વિપક્ષો જે પ્રકારે એકસંપ થઇને નરેન્દ્ર મોદીને નિશાન બનાવી તેમને શઠ તરીકે ચીતરવા દિવસ-રાત કામે લાગ્યા છે એ તો કોઇ કાળે શોભાસ્પદ નથી જ નથી. કદાચ કોઇ સુજ્ઞ વાચક વિચારતા હોય કે ભારતમાં ચૂંટણી છે તેમાં આપણે શું? તો હું પૂરી નમ્રતા સાથે એટલું જ કહીશ કે સમુદ્રમંથનમાં સહુકોઇએ સામેલ થવું ઘટે, મારે - તમારે - આપણે સહુ કોઇએ... સમુદ્રમંથન વેળા વિષ મળ્યાની વાત જાણીતી છે તો અમૃત ભરેલો કુંભ પણ મળ્યો જ હતો ને? માંહે પડ્યા તે મહાસુખ માણે, દેખણહારા દાઝે જોને...
અગાઉ મેં રજૂઆત કરી કે મહાત્મા ગાંધી શાસક તરીકે અને તેમાં પણ અત્યારના સમયમાં કેવા અને કેટલા સફળ નીવડે તે લાખ રૂપિયાનો પ્રશ્ન છે. ભારતવર્ષના સફળ શાસકોની યાદી તૈયાર થાય તો તેમાં મોખરાનું સ્થાન મેળવવાની ક્ષમતા નરેન્દ્ર મોદી ભલે ધરાવતા હોય, પણ તેઓ સર્વાંગ સંપૂર્ણ તો નથી જ. પરંતુ કોણ છે એ તો કહો?! તેમને શઠ ગણાવવા જેવી ધૃષ્ટતા હું સ્વીકાર્ય ગણતો નથી. આથી જ અત્યંત જવાબદારીપૂર્વક મારો દૃષ્ટિકોણ રજૂ કરવાની ફરજ સમજું છું. ભલે દાયકાઓથી હજારો માઇલ દૂર વિદેશમાં વસવાટ કરું છું, પાસપોર્ટ પણ જુદા રંગનો છે, પરંતુ રાજ કપૂર સા’બનું પેલું ગીત યાદ છે ને...
મેરા જૂતા હૈ જાપાની, યેહ પતલૂન ઇંગ્લિસ્તાની,
સર પે લાલ ટોપી રૂસી, ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની...
દરિયાપારના દેશમાં મુકામ છતાં રાષ્ટ્રપ્રેમના મુદ્દે તો શંકાનો સવાલ જ નથી. બ્રિટન જેવા તંદુરસ્ત લોકતંત્રમાં આ વલણ સ્વીકાર્ય પણ છે. તમારી કર્મભૂમિ ભલે આ દેશ હોય, પણ તમારે વતન પ્રત્યેની વફાદારી કે રાષ્ટ્રપ્રીતિ છોડવાની જરૂર નથી. આ દેશમાં દરેકને પોતાનો મત, અભિપ્રાય ખુલ્લેઆમ વ્યક્ત કરવાનો અધિકાર છે.
મારું સ્પષ્ટ માનવું છે કે ગુર્જર માતના પનોતા પુત્ર નરેન્દ્ર મોદી શક્તિસભર છે. તેઓ સમર્પિત છે. દૃઢ નિશ્ચયી છે. રાષ્ટ્રપ્રેમી છે, સાહસિક પણ હોવાનું આપણે સહુ જોઇ શક્યા છીએ. રાષ્ટ્રના ઉત્થાન માટે અત્યંત પરિશ્રમ કરી રહ્યા છે, દૂરંદેશીપૂર્ણ અભિગમ સાથે આયોજનપૂર્વક કામ કરી રહ્યા છે. રાત-દિવસ પરસેવો વહાવે છે, પણ મુખ્ય હેતુ એક જ છે પર-સેવા. પહેલાં ગુજરાતના શાસક તરીકે અને પછી ભારતના સુકાની તરીકે સત્તાના સૂત્રો સંભાળ્યાને લગભગ દોઢ દાયકા કરતાં વધુ સમય થયો છે, પરંતુ ભ્રષ્ટાચારના મુદ્દે કોઇ તેમની સામે વ્યક્તિગત ધોરણે આંગળી ઉઠાવી શક્યું નથી.
આજે આપણે ભલે દરિયાપાર વસતાં હોઇએ, પરંતુ ભારતના પ્રવર્તમાન સંજોગોમાં આપણી અને આપણા પરિવારજનોની પ્રાથમિક ફરજ બને છે દેશહિતમાં હોય તેને સમર્થન આપવાની. સદૈવ રાષ્ટ્રહિતને પ્રાધાન્ય આપતા, દેશને પ્રગતિના પંથે દોરી જવાની ખેવના ધરાવતા અને આ ખેવનાને સાકાર કરવાનું વિઝન ધરાવતા નરેન્દ્રભાઇ હવે માત્ર ગુજરાતનું ગૌરવ નથી, દેશનું ગૌરવ છે તે વાતનો ભલા કોણ ઇન્કાર કરી શકશે?
આજે આપ સહુ આંતરરાષ્ટ્રીય ક્ષિતિજે નજર ફેરવશો તો જણાશે કે ભારત કેવું મુઠ્ઠીઉંચેરું સ્થાન ધરાવે છે. ભારતની વાતનું વજન પડે છે. એક સમય હતો જ્યારે આંતરરાષ્ટ્રીય તખતે એકમાત્ર રશિયા ભારતની પડખે હતું. અને આજે શું સ્થિતિ છે?! પાકિસ્તાન અને ચીન જેવા દેશોના અવળચંડા શાસકોને બાદ કરો તો વિશ્વના બહુમતી દેશો ભારતના સમર્થનમાં ઉભેલા જોવા મળશે. પેલેસ્ટાઇન તો ભારતનું મિત્રરાષ્ટ્ર હતું જ આજે તેનું કટ્ટરવિરોધી ઇઝરાયલ પણ ભારતની સાથે છે. ભારતે બેમાંથી કોઇ પણ દેશની નેતાગીરીને નારાજ કર્યા વગર બન્ને સાથે ઘનિષ્ઠ સંબંધ વિકસાવ્યા છે. ભારતે આતંકવાદને પોષતા પાકિસ્તાનમાં એરસ્ટ્રાઇક કરી, પણ કોઇ દેશે ભારતની આ કાર્યવાહીનો વિરોધ કર્યો નથી. આથી ઉલ્ટું તેમણે જરૂર પડ્યે ભારતને મદદરૂપ થવાની તત્પરતા દાખવી છે. આ પૂર્વે સર્જિકલ સ્ટ્રાઇકના કિસ્સામાં પણ આવું જ બન્યું હતું. વાચક મિત્રો, આ બધું નરેન્દ્ર મોદીએ વાવેલા મિત્રતાના બીજનું ફળ છે.
માત્ર આંતરરાષ્ટ્રીય સ્તરે જ નહીં, રાષ્ટ્રીય સ્તરે પણ મોદી સરકારે અનેક સિમાચિહનરૂપ કામ કર્યા છે. મેઇક ઇન ઇંડિયા, સ્કીલ ઇંડિયા, સમાન વેરામાળખાના ઉદ્દેશ સાથે જીએસટી (ગુડ્સ એન્ડ સર્વીસ ટેક્સ)નો અમલ, શૂન્ય બેલેન્સની સગવડ ધરાવતા જનધન બેન્ક ખાતા વગેરે નીચલા સ્તરે ભ્રષ્ટાચારનો ખાત્મો સરકારની નોંધપાત્ર સિદ્ધિ ગણી શકાય. તો સરકારના દાવા અનુસાર ૪૮ માસમાં દેશના ૩.૭૧ લાખ ગામો જાહેરમાં શૌચથી મુક્ત બન્યા છે. જ્યારે ૭૭ કરોડ ઘરોમાં સ્વચ્છ ભારત મિશન હેઠળ ટોયલેટ બનાવાયા છે. ૧,૭૧,૩૯૩ કિલોમીટરની સડકો પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ બનાવાઇ છે.
આ ઉપરાંત ઉજજવલા યોજના (રાંધણગેસ યોજના) અને ગામેગામ વીજળી પહોંચાડવાના ઉદ્દેશ સાથે શરૂ થયેલી સૌભાગ્ય યોજના તો ખરી જ. ઉલ્લેખનીય છે કે આઝાદીના સાત-સાત દસકા બાદ પણ ગામડાગામની લાખો બહેનોને રાંધણગેસની સુવિધાના અભાવે લાકડાના બળતણવાળા ચૂલા ફૂંકવા પડે છે. એક તો બંધિયાર જગ્યા અને તેમાં લાકડાના બળતણનો ધુમાડો. મહિલાઓની આંખો અને ફેફસા લગભગ ખતમ થઇ જતા હતા. જોકે મોદી સરકારની ઉજ્જવલા યોજના આવી બહેનોના જીવનમાં આશામાં કિરણ લાવી છે. યોજના અંતર્ગત લાખો બહેનોને રાંધણગેસનું જોડાણ અપાયું છે જેથી તેમને નરક જેવી યાતનામાંથી મુક્તિ મળી છે.
કાળાં નાણાં મુદ્દે ઝીરો ટોલરન્સ નીતિ. નોટબંધીના પગલાં બાદ ૩ લાખ બનાવટી કંપનીઓને તાળાં લાગ્યા. વિદેશમાંથી નાણાં મેળવતાં ૨૦ હજારથી વધુ સંગઠનો બંધ થયાં, સ્વરોજગારને પ્રોત્સાહન આપવા માટે મુદ્રા યોજના અંતર્ગત વિના ગેરંટીએ રૂ. ૭ લાખ કરોડની લોનસહાય, નિમ્ન વર્ગના અને બેઘર લોકો માટે ૧.૩૦ કરોડ મકાનોનું નિર્માણ, ઘરે ઘરે વીજળી પહોંચાડવાનો વાયદો કોંગ્રેસે ૨૦૦૪, ૨૦૦૯ અને ૨૦૧૪માં કર્યો હતો, જોકે તેનો અમલ મોદી સરકારના કાર્યકાળમાં થયો છે. ગામેગામ વીજળી પહોંચી, સસ્તા એલઇડી બલ્બ થકી વીજ ખર્ચમાં જંગી બચત, પાંચ કરોડથી વધુ પરિવારોને વિનામૂલ્યે સારવારની સગવડ આપતી આવરી લેતી વિશ્વની સૌથી મોટી આરોગ્ય યોજના, તમામ વર્ગને સસ્તા દરે દવાઓ પૂરી પાડવાના ઉદ્દેશથી ૫૦૦૦ કરતાં વધુ જનઔષધિ કેન્દ્રોનો પ્રારંભ, ૧.૧૬ લાખ ગામમાં બ્રોડબેન્ડ કનેક્ટીવિટી. સુરક્ષા દળના જવાનોને ૨૦૧૬માં ૫૦ હજાર અને ૨૦૧૮માં ૧.૮૬ લાખ બુલેટપ્રુફ જેકેટ. ત્રાસવાદ નાથવા આક્રમક અભિગમ. પાકિસ્તાનમાંથી નાણાં મેળવીને કાશ્મીરમાં અલગતાવાદી પ્રવૃત્તિઓને ઉત્તેજન આપતાં ભાગલાવાદી નેતાઓ સામે અટકાયત અને મિલકત જપ્તી સહિતના પગલાં...
યાદી બહુ લાંબી છે, પણ આ તો એક ઝલક છે. અલબત્ત, એવું પણ નથી કે મોદી સરકારના પાંચ વર્ષના શાસનકાળમાં બધું સારું સારું જ થયું છે, અને વચન અનુસાર બધેબધી જ યોજનાઓ અસરકારક રીતે લાગુ થઇ ગઇ છે. પરંતુ એટલું તો સહુ કોઇએ સ્વીકારવું રહ્યું કે તેમણે ભૂતકાળની સરકારોની સરખામણીએ વધુ કાર્યદક્ષતાથી, અસરકારક રીતે કામ કરી દેખાડ્યું છે. આ સંજોગોમાં તેમની સરકારને બીજી મુદત માટે તક આપવી જ જોઈએ.
વિપક્ષની પાટલીએ બેસતી કોંગ્રેસ લગભગ એકલા હાથે ચૂંટણી લડે છે તો બાકી પક્ષોએ મહાગઠબંધન રચ્યું છે. આ લોકો અત્યારે તો ‘મોદી હટાવો’ના એકમાત્ર લક્ષ્ય સાથે એક થયા છે, પણ ધારો કે ચૂંટણી જીતી ગયા પછી શું? આ મહાગઠ-બંધનના નેતા કોણ તે મુદ્દે આજ દિવસ સુધી - પહેલા તબક્કાનું મતદાન થઇ ગયા છતાં પણ - મગનું નામ મરી પાડ્યું નથી. આ સંજોગોમાં જો તેઓ ચૂંટણી જીત્યા તો વડા પ્રધાન પદની ખુરશી માટે એકબીજાના ટાંટિયા જ ખેંચવાના તે નક્કી છે. અને જો આમ થયું તો રાજકીય અસ્થિરતાનો માહોલ જ સર્જાવાનો. બીજી તરફ, એનડીએના નેતાપદે એક અને એકમાત્ર નામ નક્કી છે - નરેન્દ્ર દામોદરદાસ મોદી.
આમ કોઇ પણ દૃષ્ટિકોણથી વિચારતાં મોદી સરકારને સમર્થન મને તો વાજબી જણાય છે. એક જાગ્રત નાગરિક તરીકે, એક ચેતનવંતા સમાજ તરીકે આપણી સક્રિયતા આવશ્યક છે - જે જનહિતમાં તે રાષ્ટ્રહિતમાં. વાચક મિત્રો, આ બધું વાંચીને રખે માની લેતા કે આ સી.બી. પટેલે ભાજપનું પ્રાથમિક સભ્યપદ મેળવી લીધું છે. પરંતુ એક અખબાર તરીકે, એક પ્રકાશક-તંત્રી તરીકે કે પછી એક વ્યક્તિ તરીકે - ભારતના ભાવિ શાસક પક્ષ કે નેતા વિશે તર્કબદ્ધ અને તથ્યસભર રજૂઆત કરવી અને જનમત ઉભો કરવા માટે સર્વપ્રકારે પ્રયાસ કરવો તેને હું મારી નૈતિક ફરજ સમજું છું. આપ સહુને પણ નમ્રપણે રજૂઆત કરું છું કે આવતીકાલના ભારતવર્ષના તેમજ વિશ્વભરમાં વસી રહેલા ભારતવંશીઓના હિતાર્થે નરેન્દ્ર મોદીને નેતા તરીકે અને મોદી સરકારને શાસક તરીકે સંપૂર્ણ અને પ્રચંડ બહુમતી સાથે સમર્થન આપવું જ રહ્યું.
વિખ્યાત રાજનીતિજ્ઞ હેરી ઇમર્સન કોસ્ડીકનું બહુ જ જાણીતું વાક્ય છેઃ ‘લોકશાહી એ ધારણા પર આધારિત છે કે સાધારણ લોકોમાં પણ અસાધારણ સંભાવના હોય છે.’ સાધારણ માનવી એવા નરેન્દ્ર મોદી શાસક તરીકે તેમને મળેલી તકનો ભરપૂર લાભ ઉઠાવીને સજ્જતા - ક્ષમતાનો નક્કર પુરાવો આપી ચૂક્યા છે. બસ, હવે સમય છે મારા-તમારા જેવા સાધારણ માનવીના હાથમાં આવેલી તકનો સદુપયોગ કરવાનો - તેમના હાથ મજબૂત કરવાનો. (ક્રમશઃ)

