શ્રી હરિ જયંતીએ પૂ. મહંત સ્વામીએ નૂતન સ્વામીનારાયણ આશ્રય મંત્ર આપ્યો

Wednesday 17th April 2019 06:45 EDT
 
 

BAPSના વડા પૂ. મહંત સ્વામી હાલ ગાંધીનગર ખાતે બિરાજમાન છે. અગાઉ સારંગપુરમાં રોકાણ દરમિયાન ૯ એપ્રિલે પૂ. મહંત સ્વામીએ યુકેમાં કોવેન્ટ્રી, જૂનાગઢ વિસ્તારના વિસાવદર અને હિંમતનગરના ઉમેદપૂરા મંદિરોની પ્રતિષ્ઠા વિધિ તેમજ ચાર મંદિરોનું ઈષ્ટિકાપૂજન કર્યું હતું. શ્રીજી મહારાજના જન્મોત્સવને અનુલક્ષીને પાંચ દિવસના મહોત્સવનું આયોજન કરાયું હતું. તેમાં પૂ. મહંત સ્વામીની સવારની પૂજા દરમિયાન શ્રીજી મહારાજના જીવનને અનુરુપ કિર્તનો રજૂ કરાયા હતા.૧૧મીએ પૂ. મહંત સ્વામીએ રાજસ્થાનના સિરોહી, લીંબડીના રોજકપર અને ભાવનગર વિસ્તારના નિર્ભય મંડળ મંદિરોની પ્રતિષ્ઠા વિધિ કરી હતી. ૧૪મી શ્રી હરિ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. સ્વામીનારાયણ ભગવાનના પ્રાગટ્યને ૨૩૮ વર્ષ પૂર્ણ થયા હતા. સવારે પૂજામાં શ્રીજી મહારાજની દિનચર્યા, તેમના કાર્યો, તેમના પ્રભાવ વિશે સંતોએ કિર્તનો ગાયા હતા.

પૂ. મહંત સ્વામીએ હરિભક્તોને નૂતન સ્વામીનારાયણ આશ્રય મંત્ર આપ્યો હતો. આશીર્વચન પાઠવતા તેમણે કહ્યું હતું,‘ શ્રીજીના આશરે ગયા પછી કોનો ભય રહે ? અને ભય રહેતો હોય તો આશરો કર્યો જ નથી.’ સાંજની સભામાં સંતોએ પદના અર્થ સમજાવીને પ્રવચનો કર્યા હતા. પૂ. મહંત સ્વામીએ કહ્યું,‘ સુખમાં તો સૌ સત્સંગ કરે પણ દુઃખમાં કરે તેને મહારાજે શાબાશી આપી છે. ગમે તેવી પરિસ્થિતિ આવે સત્સંગ છોડતાં નહીં’. પ્રાગટ્યોત્સવ સમયે પૂ. મહંત સ્વામીએ હરિકૃષ્ણ મહારાજને સુવર્ણરંગી પારણે ઝૂલાવ્યા હતા. વડીલ સંતોએ ઉત્સવના કિર્તનો ગાયા હતા. સારંગપુરમાં રોકાણ દરમિયાન પૂ. મહંત સ્વામીની નિત્ય પ્રાતઃપૂજાનો બહોળી સંખ્યામાં સંતો અને હરિભક્તોએ લાભ લીધો હતો. ૧૫મીએ પૂ.મહંત સ્વામી સારંગપુરથી ગાંધીનગર પધાર્યા હતા. ત્યાં બે દિવસના રોકાણ બાદ તેઓ વિચરણ માટે અબુધાબી જવા પ્રસ્થાન કરશે.


comments powered by Disqus