‘બેબો’ની ડિમાન્ડઃ એક એપિસોડના રૂ. ૩.૫ કરોડ

Friday 19th April 2019 07:03 EDT
 
 

કરીના કપૂર-ખાન બોલીવૂડની એ અભિનેત્રીઓમાંની એક છે, જેણે ટચૂકડા પડદાથી અંતર જાળવ્યું છે. આમ તો તેને કારકિર્દી દરમિયાન નાના પડદે ઘણા શો ઓફર થયા હતા, પરંતુ તેણે એ ઓફરો સ્વીકારી નહોતી અને મોટા પડદે જ કામ કરવાનો નિર્ણય લીધો. જોકે હવે કરીના પોતાના આ ફેંસલામાં થોડી ફેરબદલી કરે તેવી શક્યતા છે.
સૂત્રની વાત સાચી માનવામાં આવે તો, કરીના કપૂર-ખાનને નાના પડદાના એક રિયલ્ટી ડાન્સ શોમાં નિર્ણાયકની ઓફર મળી છે. કરીના આ ઓફરથી આનંદવિભોર અવશ્ય થઇ ગઇ છે, પણ તેણે વળતર માંગવામાં કોઇ કસર છોડી નથી. આ રિયાલિટી શો માટે દર એપિસોડ દીઠ અઢીથી ત્રણ કરોડ રૂપિયા માંગ્યા છે. શોના લગભગ ત્રણ મહિનામાં ૩૦ એપિસોડ પ્રસારિત થવાના છે. તેથી કુલ મળીને તે ૮૦-૮૫ કરોડ રૂપિયા જેટલી કમાણી કરી લેશે.
હાલ કરીના અને શો મેકર્સ વચ્ચે કરીનાએ કેટલા કલાકો અને ક્યારે કામ કરવું જેવા મહત્ત્વના મુદ્દે વાતચીત ચાલી રહી છે. જો બધું સમુસૂથરું પાર પડશે તો બહુ જલદી આ વાતની જાહેરાત કરાશે. કરીના આ ઓફરો સ્વીકારશે તો ટચૂકડા પડદે તેનું ડેબ્યુ ગણાશે. શોના નિર્માતાનું માનવું છે કે, કરીનાની લોકપ્રિયતાનો પૂરો ફાયદો શોને મળશે. તેથી તે અભિનેત્રીને મોં માંગી રકમ આપવા તૈયાર થયા છે.
હવે સમય બદલાયો છે, અને ટચૂકડો પડદો મોટો બની ગયો છે. નાના પડદે હવે ધનનો વરસાદ વરસવા લાગ્યો છે. ફિલ્મ કલાકારોને જેટલું મહેનતાણું ફિલ્મોથી નથી મળતું તેના કરતાં અનેકગણું વળતર નાના પડદે મળવા લાગ્યું છે. આ ઉપરાંત વધુ એક ફાયદો એ થયો છે કે, કામ પણ ઓછું કરવું પડે છે, તેમજ પોતાની પબ્લિસિટી પણ થાય છે. આથી હવે બોલીવૂડના એક પછી એક ટોચના કલાકારો નાના પરદા તરફ વળવાનો નિર્ણય કરવા લાગ્યા છે.


comments powered by Disqus