પ્રતિભાશોધ સ્પર્ધા ‘સ્પેલથોર્ન્સ ગોટ ટેલેન્ટ’માં BAPSની અક્ષર આર્ટ્સ એકેડમીના દસ વર્ષીય વિદ્યાર્થી પરમ પટેલને તબલા વાદનમાં શ્રેષ્ઠ દેખાવ બદલ પ્રથમ ઈનામ અપાયું હતું.
ગઈ ૨૨ માર્ચે શેપર્ટનમાં જહોન ક્રૂક થિયેટરમાં બરોના ૧૩ આખરી સ્પર્ધકોની સ્પર્ધા થઈ હતી. કાઉન્સિલર પિંકર્ટને પરમને ટ્રોફી એનાયત કરી હતી. તેને સ્કાયલાઈન સ્ટુડિયોમાં બે કલાકની રેકોર્ડિંગ સેશનની સાથે પાઈનવુડ સ્ટુડિયોની મુલાકાતની તક પણ મળી હતી. થિયેટર, ડાન્સ, મ્યુઝિક અને એક્ટીંગનો લાંબો અનુભવ ધરાવતા નીના વાડિયા સહિતની જજીસની પેનલ દ્વારા વિજેતાની પસંદગી કરવામાં આવી હતી.
પરમના માતાપિતાએ જણાવ્યું હતું કે પરમે ખૂબ મહેનત કરી હતી. તેમણે પરમને અપાયેલા માર્ગદર્શન અને મદદ માટે નીસડન મંદિરના બાલ-બાલિકા મંડળનો આભાર માન્યો હતો.
પરમ BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર, લંડન દ્વારા સંચાલિત અક્ષર આર્ટ્સ એકેડમીમાં આ કળા શીખ્યો હતો. પરમે અગાઉ મંદિરમાં હજારો લોકોની હાજરીમાં યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં પોતાની કળા દર્શાવી હતી. તેણે બ્રિટિશ મ્યુઝિયમ ખાતે ઈન્ટરફેઈથ મ્યુઝિક ઈવેન્ટ અને લંડનના કેન્સિંગ્ટન ઓલમ્પિયામાં લેંગ્વેજ શોમાં પણ પર્ફોર્મ કર્યું હતું. પરમ તબલા ઉપરાંત ગિટાર અને કિબોર્ડ પણ સારી રીતે વગાડે છે.
‘સ્પેલથોર્ન્સ ગોટ ટેલેન્ટ’ તમામ વયના લોકો માટે દરેક બરોમાં અને સ્પેલથોર્નના મેયર કાઉન્સિલર જીન પિંકર્ટન OBEની મંજૂરીથી યોજાતી સ્પર્ધા છે. આ સ્પર્ધામાં ગાયકો, ડાન્સરો, અભિનેતાઓ, કવિઓ, સંગીતકારો, હાસ્ય કલાકારો, કલાકારો, જાદૂગરો વગેરે ભાગ લઈ શકે છે.
સ્પેલથોર્ન કાઉન્સિલના આર્ટ્સ એન્ડ વેલબીઈંગ ઓફિસર કેથરીન લેર્મોન્થે જણાવ્યું હતું કે આ સ્પર્ધાએ સ્થાનિક લોકોને તેમની પ્રતિભા દર્શાવવાની તક પૂરી પાડી છે. તેમણે આ પ્રોજેક્ટ માટે પોતાના સમય અને સંસાધનોનો ભોગ આપનાર સૌનો આભાર માન્યો હતો. આ પ્રોજેક્ટ દ્વારા ચેરિટી માટે મોટી સંખ્યામાં રકમ એકત્ર થઈ હતી.

