કરના ફકીરી, ફિર ક્યા દિલગીરી, સદા મગન મેં રહેના જી...

સી. બી. પટેલ Tuesday 16th July 2019 08:00 EDT
 
 

વડીલો સહિત સહુ વાચક મિત્રો, આજની કથાના પ્રારંભે એક સાવચેતીનો સૂર અત્યંત આવશ્યક સમજું છું. આ કોલમના માધ્યમથી મારી અંગત, મહદ્ અંશે, શારીરિક અને માનસિક સ્થિતિ રજૂ કરવાનો આશય માત્રને માત્ર હકારાત્મક છે. આપણી ગુજરાતી માતૃભાષા ભલે કહેતી હોય કે ‘મુજ વીતી તુજ વીતશે, ધીરી બાપુડિયા...’ પરંતુ હું આથી ઉલ્ટો સંદેશ આપવા માગું છું. મેં વાત ‘મુજ વીતી...’ની કરી છે, પણ તેનો ઇરાદો ‘તુજ વીતી...’ ના બને તે માટે સાબદા કરવાનો છે. શીર્ષકમાં આપે મીરાબાઇના ભજનની બે પંક્તિઓ વાંચી હશે. આ કોલમ સાથે સંપૂર્ણ ભજન પણ રજૂ કર્યું છે, પરંતુ તેની આખરી પંક્તિઓનો પુનરોચ્ચાર કરી લઉં...
સબ કો અપના પ્યાર બાંટના,
મીઠા બોલ બોલનાજી,
કોઇ દિન મેલા, કોઇ દિન અકેલા,
કોઇ દિન ખતમ જમેલાજી...
મીરાબાઇએ આ પંક્તિઓમાં એટલા સરળ શબ્દોમાં જીવનસંદેશ રજૂ કરી દીધો છે કે આપ સહુ સુજ્ઞજનોને આ અંગે વધુ નીરક્ષીર કરવાની જરૂર સમજતો નથી.
મેવાડનાં મીરાબાઇની આ રચનાની સાથે સાથે જ અવિનાશ વ્યાસ રચિત અને સ્વરબદ્ધ થયેલી બહુ જ જાણીતી ગુજરાતી કૃતિ ‘કહું છું જવાનીને પાછી વળી જા...’ પણ રજૂ કરી રહ્યો છે. મારા પ્રિય આત્મીયજનો, તેની છેલ્લી બે પંક્તિ પર વધુ ધ્યાન કેન્દ્રીત કરવું રહ્યું. રચયિતા શું કહે છે?
મુહોબ્બત તો મારો હક છે જનમનો
સાકી હતો ને રહ્યો છું સનમનો
ઘડપણને કહું છું કે માફી દઇ દે
મુહોબ્બતથી મુજને ભઇ ફાવી ગયું છે
એક સ્નેહીજને સોશ્યલ મીડિયા પર આ ગીત મને મોકલ્યું હતું. સાથે સુંદર મજાનું એક ચિત્ર પણ હતું. આ ગીતની અન્ય પંક્તિઓ પર ધ્યાન કેન્દ્રીત કરવાની અત્યારે તો ઇચ્છા નથી કે ના તો તેના વિચારવિસ્તારનો ઇરાદો છે. પછી ક્યારેક વાત...
સુજ્ઞ વાચક મિત્રો, ચાલો આગળ વધીએ. આપ સુવિદિત છો કે મારા ૮૩મા વર્ષના આયુષ્યમાં ચાર દસકાથી ડાયાબિટિક છું અને પાંત્રીસેક વર્ષથી ઇન્જેક્શન વાટે ઇન્સ્યુલીન લઉં છું વગેરે વગેરે... સુગર લેવલ સતત અને લગભગ કાબુમાં રહે છે. અત્યાર સુધી આ જણની કાયામાં બીજી કોઇ ગંભીર ગરબડ - કોમ્પલીકેશન્સ જોવામાં આવ્યા નથી. ભલું થજો સરકારી આરોગ્ય સંસ્થાન નેશનલ હેલ્થ સર્વીસનું. તેઓ ડાયાબિટીસવાળાને નિયમિત હોસ્પિટલે બોલાવીને ચકાસણી કરી છે. જરૂરી તબીબી માર્ગદર્શન આપે છે અને તે બધાનો મને તો ઘણો લાભ થયો છે.
કેટલાય વર્ષો પૂર્વે જ્યારે મેં આ જ કોલમમાં મારા ‘કાયમી મિત્ર’ - ડાયાબિટીસની વાત માંડી હતી ત્યારે કેટલાક મિત્રોએ આશ્ચર્યની લાગણી વ્યક્ત કરી હતી તો વળી કેટલાકે નારાજગી પણ દર્શાવી હતી. ‘શું તમે ય યાર... આપણી બીમારીની તે થોડી કંઇ બધાને ખબર પડવા દેવાય?!’ આવો કંઇક તેમનો સૂર હતો. પરંતુ, આપ સહુ સુજ્ઞ વાચકો જાણો જ છો કે હું મારા ‘કાયમી મિત્ર’નો એક યા બીજા સમયે ઉલ્લેખ કરતો જ રહ્યો છું. આનાથી કોઇના ડાયાબિટીસમાં કે સુગર લેવલમાં તો કોઇ ફરક નથી જ પડી જવાનો, પરંતુ કોઇના મનમાં આ રાજરોગ સંદર્ભે શંકા-કુશંકા કે ડર છુપાયેલા હશે, કંઇક ગેરસમજ હશે તો તે અવશ્ય દૂર થયા હશે તેવું મારું નમ્રપણે માનવું છે. ડાયાબિટીસ બીમારી નથી, તે આપણી જીવનશૈલી સાથે સંકળાયેલી એક સ્થિતિ છે. તમે થોડીક કાળજી લો, તે કદી તમને સવિશેષ હેરાન નહીં કરે.
મિત્રો, મારી આ માંડણી વાંચીને રખે માની લેતા કે આજેય ડાયાબિટીસના મુદ્દે ચર્ચા માંડવાનો છું. હા, ઉદ્દેશ એ જ છે - જાત અનુભવની વહેંચણીનો. તેના આધારે અન્યોને સહાયરૂપ થવાનો. આ કોલમના પ્રારંભના મૂળમાં પણ ‘મુજ વીતી...’ જ છેને?! આપ સહુને યાદ હશે કે આ કોલમનો પ્રારંભ બાથરૂમમાં મારા ધબાય નમઃ પ્રકરણ સાથે થયો હતો. આંગળી ચીંધવામાં નીમિત્ત બનવાના નમ્ર ઇરાદા સાથે જ આજે શરીરની એક અન્ય અવસ્થા વિશે વાત માંડી રહ્યો છું.
સામાન્ય રીતે હું રોજના કલાક - દોઢ-બે કલાક ચાલતો રહું છું. આમાં સવારના મોર્નિંગ વોકથી માંડીને ઓફિસમાં હરફર અને ક્યાંક - લગભગ રોજેરોજ બહાર જવાનું થયું હોય તો તે સમય પણ આવી ગયો. પરમાત્માની કૃપા અને આપના સહુના આશીર્વાદથી બન્ને ઘૂંટણિયા પણ ટકાટક છે. આંખોના વિઝન માટે ખાસ કોઇ ફરિયાદ નથી. હા, કાન થોડાક કાચા પડ્યા છે, જેનો ઉલ્લેખ હું અગાઉ કરી ચૂક્યો છું. દાંત પણ ટકાટક છે. ભાવતું બધું - દાંત વડે - ચાવી ચાવીને ખાઇ શકાય છે તેથી વધુ રુડું શું હોઇ શકે?

હવા નીકળી જવી (હેવી બ્રિધીંગ)

વાચક મિત્રો, હવે હું મારી તાજેતરની શારીરિક કઠણાઇ વિશે જણાવી રહ્યો છું તેનો લગારેય મતલબ આપ સૌ સ્વજનોને ચિંતા કરાવવાનો નથી. શરીર છે, ચાલ્યા કરે. વયના વધવા સાથે સંકળાયેલા લક્ષણો સહજ રીતે દરેકને લાગુ પડે છે, અને આમાં પણ આવું જ છે.
ચારેક સપ્તાહ પૂર્વે એક સ્થળે મારે પહોંચવાનું હતું. ટ્યુબસ્ટેશનેથી નિયત સ્થળે પહોંચવા પોણો માઇલ ચાલવાનું હતું, પરંતુ રસ્તો જરાક ચઢાણવાળો હતો. સામાન્ય સંજોગોમાં આટલું અંતર કાપતાં મને પંદરેક મિનિટ થાય, પરંતુ દસેક મિનિટ ચાલ્યો હોઇશ પછી એકદમ જ જાણે કે શરીરમાં અશક્તિ આવી ગઇ. ઊભો રહ્યો. ત્રણ-ચાર ઊંડા ઊંડા શ્વાસ લીધા ત્યારે કંઇક રાહત અનુભવી. આ પછી ધીરે ચાલતો નિયત મુકામે પહોંચ્યો. પરત ફર્યો. બીજા દિવસે એપોઇન્ટમેન્ટ લઇને ડોક્ટરને મળ્યો. ઇસીજી (ઇકો કાર્ડિયોગ્રામ) સહિતના રિપોર્ટ્સ થઇ ગયા છે. અને આગામી સપ્તાહમાં વધુ તપાસ માટે મારે હોસ્પિટલના કાર્ડિયોલોજી વિભાગમાં હાજર થવાનું છે. ડોક્ટર્સે પહેલી નજરે એવું તારણ આપ્યું છે કે એજ ફેક્ટર અસર કરી રહ્યું છે. મતલબ વધતી વયની અસર વર્તાઇ રહી છે. આપણે મનથી ભલે ગમેતેટલા મજબૂત હોઇએ, તન તો તેનું કામ કરવાનું જ. વર્ષોના વહેવા સાથે અંગ-ઉપાંગોને, હાડકાઓને, સ્નાયુઓને ઘસારો લાગવાનો જ. ડોક્ટરોએ આવું બધું સમજાવ્યું.
આ તો શારીરિક વ્યાધિના કારણની વાત થઇ. પરંતુ પરંતુ ઢોળાવ ચઢવાથી માંડીને મેડિકલ કન્સ્લટેશન માટે ડોક્ટર સુધી પહોંચતા સુધી મારી મનોદશા કેવી હતી?
મનમાં જાત જાતના વિચારોના વંટોળ ઉઠી રહ્યા હતા. આમ અચાનક થવાનું કારણ શું? ડોક્ટરોએ કેમ વધુ તપાસ માટે બોલાવ્યો છે? શું કોઇ મોટી બીમારી હશે? અનેક સવાલો મનમાં ઉછાળા મારતા હતા. માનવ-મનને મર્કટ સાથે કંઇ અમસ્તું જ નથી સરખાવાયું.
વાચક મિત્રો, હું આપને આ બધું વિગતવાર જણાવી રહ્યો છું તેનું કારણ શું? સામાન્ય રીતે મોટા ભાગની વ્યક્તિ પોતાની કથળતી તબિયત વિશે ગુપ્તતા જાળવવામાં માનતા હોય છે. આમાં પણ કશું ખોટું નથી, પરંતુ હું વ્યક્તિગત રીતે માનું છું કે જિંદગીમાં દરેક સારા-નરસાં અનુભવોને વહેંચવા જોઇએ. સમજદાર લોકો માટે તે બહુ લાભકારક સાબિત થતા હોય છે કેમ કે તેઓ અન્યોના અનુભવમાંથી કંઇક શીખવાનો, બોધપાઠ લેવાનો અભિગમ ધરાવતા હોય છે. મારા આ પ્રકાશનના વ્યવસાયમાં મુખ્ય ઉદ્દેશ જ્ઞાનયજ્ઞ - સેવાયજ્ઞનો રહ્યો છે. અને આ જ કારણસર હું મારા અનુભવોની ઉજાણી કરતો રહ્યો છું. હું માનું છું કે લોકોને સાબદા કરવા, ભીતિ-ડર, શંકા-કુશંકામાંથી બહાર કાઢવામાં નીમિત્ત બનવું તે પણ સેવા જ છે.
વાચક મિત્રો, ફરી મૂળ વાત સાથે તંતુ જોડીએ... ક્યારેક ક્યારેક હાંફી જવાય, વિચારવાયુ વધી જાય, મનમાં જાત જાતના વિચારો ઉમટે, ન કરવા જેવા વિચારો ઉઠે તો ડોક્ટરનો સત્વરે સંપર્ક કરવામાં જરા પણ સંકોચ રાખવાની જરૂર નથી. આ બધા અનુભવોમાંથી હું પસાર થયો. આ વિશે ડોક્ટર સાથે વાતચીત કરી. વાંચ્યું. થોડુંક વાગોળ્યું. થોડુંક ચિંતન કર્યું અને આખરે મગજના તુક્કા નિરર્થક હોવાનું અનુભવ્યું પણ ખરું.
પરંતુ મોટા ભાગના કિસ્સામાં મેં એવું બનતું જોયું છે કે વ્યક્તિ પોતે અમુક પ્રકારે તબિયતમાં આવી કંઇ હલચલ જોવા મળે ત્યારે નિરાશ થઇ જતી હોય છે. હામ હારી જતી હોય છે. તેમના મનમાં સતત વિચારોના ઘોડા દોડતા રહે છે કે મને જ કેમ આવું થયું? આમ કર્યું ન હોત તો આ ન થયું હોત... અથવા તો પછી ફલાણું કર્યું હતું તેના કારણે જ આવું થયું... અમુક અંશે પોતાની જાત સાથે પ્રશ્નોત્તરીની હારમાળા ચાલે છે. કોઇક વખત પોતાની પ્રવૃત્તિ, પરિવારજનો, મિત્રો એ બધા વિશે અવનવા અને મહદ્ અંશે બિનજરૂરી તેમ છતાં પીડાજનક, ત્રાસજનક પ્રશ્નો મનમાં ઉગતા થઇ જાય છે. કેટલીક વખત પોતાની સજ્જતા - ક્ષમતા વિશે જ અશ્રદ્ધા પ્રવેશવા લાગે છે. તો ક્યારેક અન્યોમાં અવિશ્વાસ, શંકા-કુશંકાના નકારાત્મક વાદળાં પણ મંડરાવા લાગે છે. પોતાની શારીરિક મૂવમેન્ટ મર્યાદિત કરી નાંખે છે.
શું તન-મનની તમારી પીડાનો આ ઉકેલ છે? ના... જરૂર પડ્યે પરિવારજનો સાથે વાત કરો. સમવયસ્કો સાથે ચર્ચા કરો. તબિયત અંગે વધુ ચિંતા જણાય તો જીપીને કન્સલ્ટ કરો અને તેમની સુચનાને અનુસરો. જો તેઓ કોઇ સ્પેશ્યાલિસ્ટને કન્સલ્ટ કરવા કહે તો તેમ કરો અને જો જીપી કહે કે આ બધી તકલીફો તો કામચલાઉ છે, બે-ચાર દિવસમાં સરખું થઇ જશે... તો આ શબ્દોમાં વિશ્વાસ રાખો. મનોબળ મક્કમ રાખો.
હેવી બ્રિધીંગની તકલીફ દરમિયાન હું પણ ચિંતિત અવશ્ય થયો હતો, પરંતુ તેને મારા મગજ પર કબ્જો નહોતો જમાવવા દીધો. જ્યારે જ્યારે મન પર બોજકારક કંઇક બને છે ત્યારે ત્યારે હું ‘ગીતાધ્વનિ’ના શરણે પહોંચી જઉં છું. સાથે સાથે જ ઇતર વાચન પણ ચાલુ જ રાખું છું. થોડાક કલાકોમાં તો વિચારોનો વંટોળ શમી જાય. આપ સહુને હું પૂરી પ્રામાણિકતા સાથે વિશ્વાસપૂર્વક જણાવવા ઇચ્છું છું કે આ કે આવી મનોસ્થિતિના પરિણામે લગારેય હું હિંમત હાર્યો નથી. આથી ઉલ્ટું કેમ કરીને વધુ તંદુરસ્તી જાળવવી, તન-મનની કાળજી કેમ વધુ સારી રીતે રાખી શકાય તે માટે વધુ સજાગ થયો છું, થઇ રહ્યો છું. આગામી દિવસોમાં યોગ અંગે વધુ જાણકાર એક સુપાત્ર સાથે આ અંગે વધુ વિચારવિનિમય કરવાનું આયોજન કર્યું છે. બગડેલી બાજી સુધારી લેવાની વાત કરું તો તે જરાક વધુ પડતું કહેવાય. પરંતુ તબિયત વધુ કથળે નહીં તેવું તો કંઇક થઇ શકે ને?
તન-મનના સદાબહાર સ્વાસ્થ્ય માટે પૌષ્ટિક ખાણીપીણી, તંદુરસ્ત જીવનશૈલી, વ્યસનનો ત્યાગ, નિયમિત વ્યાયામ, સવારે કે સાંજે અનુકૂળતા મુજબ ચાલવું વગેરે જેવા અભિગમ અપનાવવાનું હું વધુ આવકાર્ય સમજું છું. આ અંગે આપના સલાહસૂચનો આવકાર્ય છે.
મારી સૃષ્ટિના સ્થંભસમાન આપ સહુ સદૈવ સ્વસ્થ રહેજો અને આ આત્મકથનમાંથી જો કંઇ ઉપયોગી જણાય તો તેને અમલમાં મૂકવા ઘટતું કરજો. પરંતુ પોતાના વ્યક્તિગત સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખજો હોં બાપલ્યા... જરૂર પડ્યે જીપીનું આગોતરું માર્ગદર્શન પણ મેળવી લેજો. આંગળી ચીંધ્યાનું પૂણ્ય નહીં આપો તો ચાલશે, પણ દોષનો ટોપલો મારા પર નહીં ઢોળતા... (ક્રમશઃ)

•••

કહું છું જવાનીને, પાછી વળી જા
– અવિનાશ વ્યાસ
ગાયક : મુહમ્મદ રફી

કહું છું જવાનીને, પાછી વળી જા
કે ઘડપણનું ઘર મારું આવી ગયું છે
મનને ન ગમતું ઘડપણનું ડહાપણ
પણ તન તારું સગપણ ભુલાવી રહ્યું છે

મનની સ્થિતિ હમેશા આશિક રહી છે
કાલે જ મેં કોઇને માશુક કહી છે
ફરી પાછા મળશું પાગલ થવાને
હમણા તો ડહાપણ ભઇ સતાવી રહ્યું છે

મુહોબ્બત તો મારો હક છે જનમનો
સાકી હતો ને રહ્યો છું સનમનો
ઘડપણને કહું છું કે માફી દઇ દે
મુહોબ્બતથી મુજને ભઇ ફાવી ગયું છે

•••

મૂવી - મીરા (૧૯૭૯)
• ગીતકાર – મીરાંબાઈ • ગાયક – વાણી જયરામ

કરના ફકીરી ફિર ક્યા દિલગિરી સદા મગન મેં રહના જી,
કોઈ દિન હાથી કોઈ દિન ઘોડા કોઈ દિન પૈદલ ચલના જી

કૈસા ભી હો વક્ત મુસાફિર પલભર ન ગભરાના જી,
કોઈ દિન લડ્ડુ ને કોઈ દિન પેડા, કોઇ દિન ફાકમ ફાકા જી

કોઈ ફરક નહીં હોતા હૈ રાજા ઔર ભિખારી મેં
દોનોં કી સાંસે કાટી હૈ સમય કી તેજ કટારીને
અપની હી રફ્તાર સે હરદમ સમય કા પહિયા ચલતા જી
કોઈ દિન મહલા ન કોઈ દિન સેજા કોઈ દિન ખાક બિછાના જી

માં સે અચ્છા કુછ નહીં હોતા માં તું હી પરમેશ્વર હૈ
હરદમ મેરે મન મંદિર મેં તેરી જ્યોત ઉજાગર હૈ
સારે રિશ્તે નાતે જુઠે માં કા પ્યાર હી સચ્ચા જી
કોઈ દિન ભૈયા ન કોઈ દિન બહના સબ દિન માઁ કી મમતા જી

કુછ ભી પાયે ગર્વ ન કરીયો દુનિયા આની જાની હૈ
તેરે સાથ જહાં સે તેરી પરછાઈ ભી જાની હૈ
સબકો અપના પ્યાર બાંટના મીઠા બોલ બોલના જી
કોઈ દિન મેલા કોઈ દિન અકેલા કોઈ દિન ખતમ ઝમેલાજી


comments powered by Disqus