કાશ્મીરમાં અલ-કાયદા આતંક ફેલાવશે

Tuesday 16th July 2019 07:58 EDT
 

પડોશી દેશ પાકિસ્તાન તો કાશ્મીરમાં આતંકવાદના પ્રસાર થકી ભારત સાથે પ્રોક્સી યુદ્ધ લડી જ રહ્યો છે ત્યારે વૈશ્વિક આતંકી સંગઠન અલ-કાયદાના વડા અયમાન અલ જવાહિરીએ તેને મદદ કરવાની તૈયારી દર્શાવી છે તે ભારત માટે ખરેખર ચિંતાજનક સમાચાર કહી શકાય. જવાહિરીએ કહ્યું છે કે, કાશ્મીરમાં જેહાદની લડાઈ સ્થાનિક નથી, પણ દુનિયાભરના મુસલમાનની છે. તેણે જેહાદી કાશ્મીરીઓને આતંકી પ્રવૃતિઓ વધારવા માટે ઉશ્કેર્યા છે અને ભારતીય સેના અને સરકારને સતત હેરાન કરતા રહેવા કહ્યું છે.
જવાહિરીએ ‘ડોન્ટ ફરગેટ કાશ્મીર’ નામના ધમકી સંદેશામાં પાકિસ્તાન સરકાર અને આર્મીને ‘અમેરિકાનાં પીઠ્ઠુ’ ગણાવ્યાં છે અને જેહાદીઓ કાશ્મીર હસ્તગત કરવાના લક્ષ્યમાં ભરોસાપાત્ર નહિ હોવાનું પણ કહ્યું છે. મુજાહિદ્દીનોએ કાશ્મીર જેહાદને પાકિસ્તાની ઈન્ટેલિજન્સ એજન્સીઓનાં સકંજામાંથી મુક્ત કરી કાશ્મીરમાં શરીઆને આધારિત સ્વતંત્ર નિર્ણયો લઈ શકાય તેવી પરિસ્થિતિ સર્જવી જોઈએ તેમ પણ જવાહિરી કહે છે. તેણે કાશ્મીર ઉપરાંત, ફિલિપાઈન્સ, ચેચેન્યા, મધ્ય એશિયા, ઈરાક, સીરિયા, આરબ પેનિન્સ્યુલા, સોમાલિયા,અને તુર્કિસ્તાન સહિતના પ્રદેશોમાં જેહાદ પ્રસરાવવાનો મનસુબો જાહેર કર્યો છે તેને ધ્યાનમાં લઈ સમગ્ર વિશ્વે સાવચેતી દર્શાવવાની આવશ્યકતા છે.
જોકે, જવાહિરીની વાતો બે મોઢાની વધુ જણાય છે કારણ કે તેના વીડિયો સંદેશામાં પાકિસ્તાન સરકાર કાશ્મીરમાં આતંકીઓને મોકલવા માટે સતત મદદ પહોંચાડી રહી હોવાનો ઘટસ્ફોટ પણ કરાયો છે. આના પરિણામે, ભારતના કાશ્મીર કે અન્યત્ર આતંકવાદી હુમલા સાથે નહાવા-નીચોવાનો પણ સંબંધ ન હોવાનો દાવો કરતું પાકિસ્તાન ખુલ્લું પડી જાય છે.
અમેરિકાના ફાઉન્ડેશન ફોર ડિફેન્સ ઓફ ડેમોક્રેસીઝ લોન્ગ વોર જર્નલમાં પ્રકાશિત લેખમાં થોમસ જોસેલીને કહ્યું છે કે અલ-કાયદા કાશ્મીરમાં ભારતીય લશ્કરી દળો સામે જેહાદ જગાવવા નવું આતંકી જૂથ તૈયાર કરી રહ્યું છે. આ ગ્રૂપ કાશ્મીરમાં ભારતીય સેના વિરુદ્ધ કામગીરી માટે જેહાદીઓને નાણાંકીય સહાય મેળવી આપશે. આ સાથે તેણે મેનપાવર અને સંસાધનો ઉપરાંત, ભારતીય અર્થવ્યવસ્થાને ભારે નુકસાન પહોંચાડી શકાય તેવી પ્રવૃત્તિ પર ધ્યાન કેન્દ્રિત કરવા પોતાના જૂથના આતંકવાદીઓને આદેશ આપ્યો છે. અલ-કાયદાનો આતંકવાદી વિભાગ અન્સાર ગાઝવત-ઉલ-હિન્દ (AGH) ભારતમાં કામગીરી સંભાળી રહ્યો છે, જેના સ્થાપક અને કમાન્ડર ઝાકિર મુસાને લશ્કરી દળોએ ગયા મહિને જ ખતમ કર્યો છે.
આ વર્ષે ૧૪ ફેબ્રુઆરીમાં પુલવામા ખાતે સીઆરપીએફના કોન્વોય પર ફિદાઇન હુમલામાં ૪૦ જવાનની શહીદીના પગલે ભારત દ્વારા બાલાકોટ એરસ્ટ્રાઇક પછી પાકિસ્તાનના કુખ્યાત આતંકવાદી સંગઠનો લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદે અફઘાનિસ્તાનના તાલિબાન અને હક્કાની નેટવર્ક સહિત સંગઠનો સાથે હાથ મિલાવ્યા હોવાનું તેમજ લશ્કર અને જૈશના આતંકીઓ કંધાર, કુનાર, નૂરિસ્તાન અને નંગરહાર પ્રાંતમાં ટ્રેનિંગ લઇ રહ્યા છે તેમ રિપોર્ટ કહે છે.
ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ આ ધમકીને ફગાવીને આપણને આવી ધમકીઓ મળતી રહે છે અને તેને ગંભીરતાથી નહિ લેવાનો દાવો કર્યો છે. ભારતના લશ્કરી દળો દેશના રક્ષણ માટે સંપૂર્ણ શસ્ત્રસજ્જ હોવા સાથે સક્ષમ હોવા છતાં જરા પણ બેદરકારી મોટી જાનહાનિ સર્જી શકે તેની શીખ અનુભવોમાંથી મેળવવી જ જોઈએ કારણ કે ચેતતા નર સદા સુખી.


comments powered by Disqus