કોંગ્રેસ માટે અસ્તિત્વ ટકાવવાનો સવાલ

Tuesday 16th July 2019 07:59 EDT
 

કર્ણાટકમાં કોંગ્રેસ - જનતા દળ (એસ) યુતિ સરકાર પર ખતરો મંડરાઇ રહ્યો છે. સરકાર ગમેત્યારે ઉથલી પડે તેવી શક્યતા છે. આ સમયે દેશના સૌથી જૂના પક્ષ કોંગ્રેસ પાસે કોઈ એવો સુકાની નથી, જે જહાજને કટોકટીમાંથી સુરક્ષિત બહાર લાવી કિનારે લાંગરી શકે. નેહરુ-ગાંધી ખાનદાનના નબીરા રાહુલ ગાંધીએ લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને મળેલા કારમા પરાજય પછી પક્ષના અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધા પછી કોંગ્રેસની દશા કપ્તાન વિનાના જહાજ જેવી થઇ છે. તેને હવે ‘કોંગ્રેસમુક્ત ભારત’ના સૂત્ર સાથે આગળ વધતા ભાજપનો ભય ખરેખર સતાવી રહ્યો છે. એક સાંધતાં તેર તૂટે જેવી સ્થિતિમાં અસ્તિત્વ જાળવવાની સમસ્યા જણાય છે.
રાહુલ ગાંધીએ લોકસભાની ચૂંટણીમાં હારની જવાબદારી સ્વીકારી ત્યાં સુધી તો બરાબર છે, પરંતુ પાર્ટીને જ્યારે ખાસ જરૂર હોય ત્યારે જ અધ્યક્ષપદેથી રાજીનામું આપી દેવું એ તો જવાબદારીમાંથી છૂટીને નાસી જવાનો નર્યો પલાયનવાદ છે. ખરેખર તો રાહુલ ગાંધીએ દિવંગત વડા પ્રધાન અને રાજપુરુષ અટલ બિહારી વાજપેયીજીની કવિતા ‘ક્યા હાર મેં, ક્યા જીત મેં, કિંચિત નહીં ભયભીત મેં, કર્તવ્યપથ પર જો મિલા વહ ભી સહી, યહ ભી સહી. વરદાન નહિ માગુંગા, હો કુછ પર હાર નહિ માનુંગા.’ના સત્યને જીવનમાં ઉતારવાની આવશ્યકતા છે.
લોકસભા ચૂંટણીની હાર પછી પણ રાહુલ ગાંધીમાં કોઈ પ્રકારનું શાણપણ આવ્યું હોય તેમ જણાતું નથી. હાર્યા પછી પ્રથમ વખત અમેઠી ગયેલા રાહુલ ગાંધીએ કાર્યકર્તાઓને સંબોધતા કહ્યું કે ‘હવે આપણે વિપક્ષનું કામ કરવાનું છે. જનતાની મદદ કરવાની છે. તમે બધા જાણો છો કે વિપક્ષનું કામ કરવામાં સૌથી વધુ મજા આવે છે. આ કામ બહુ સરળ છે. મજબૂત અને જવાબદાર વિરોધ પક્ષ સરકારને બરાબર હંફાવી શકે છે.’ જે વ્યક્તિને વિપક્ષની કામગીરી સરળ લાગતી હોય તે પક્ષ કેવી રીતે ચલાવી શકે. રાહુલ આ વાત અંદરથી જાણતા હશે તેથી જ કદાચ તેમણે પક્ષના પ્રમુખપદેથી રાજીનામું આપ્યું હશે.
કોંગ્રેસ કદાચ તેના સૌથી કપરા કાળમાંથી પસાર થઇ રહી છે. રાજસ્થાનમાં કોના લીધે શાસન હાંસલ થયું તે મુદ્દે મુખ્યપ્રધાન અશોક ગેહલોત અને નાયબ મુખ્ય પ્રધાન સચિન પાયલોટ જાહેરમાં સામસામે આવી ગયા છે. મધ્ય પ્રદેશ, કર્ણાટક, તેલંગણ અને ગોવામાં કોંગ્રેસી ધારાસભ્યો પક્ષ છોડવામાં જ પોતાનું હિત જોઈ રહ્યા છે. મહારાષ્ટ્ર, ઝારખંડ અને હરિયાણા જેવા ત્રણ મહત્ત્વના રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યાં છે, પરંતુ વર્તમાન સંજોગો જોતાં કોંગ્રેસ આ રાજ્યોમાં ભાજપનો સામનો કરી શકે તેવી હાલતમાં પણ નથી.
રાહુલ ગાંધીએ રાજીનામું આપ્યાના લગભગ બે મહિના થયાં છે, પરંતુ નવા અધ્યક્ષને કમાન્ડ સોંપવા બાબતે જરા પણ ગંભીરતા દેખાતી નથી. કોંગ્રેસના ખજાનચી અને મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન તરીકે સેવા આપનારા ૯૧ વર્ષના વયોવૃદ્ધ નેતા મોતીલાલ વોરાને કામચલાઉ અધ્યક્ષ તરીકે કામગીરી સોંપીને‘ગંગા નાહ્યા’નો હાશકારો લઈ રહ્યાં છે. કોંગ્રેસના નેતાઓએ અત્યાર સુધી ‘નેહરુ-ગાંધી ખાનદાન શરણમ્ ગચ્છામિ’ની નીતિ જ અપનાવી છે. શરદ પવાર કે પ્રણવ મુખરજી સહિત કોઈ બળુકો નેતા બહાર આવ્યો હોય તેને ઘરબહાર કરી દેવામાં તેમને કોઈ છોછ લાગ્યો નથી. કોંગ્રેસના કહેવાતા ખમતીધર નેતાઓ નેતૃત્વનું સંકટ દૂર કરવા દોડાદાડી કરી રહ્યા છે. પરંતુ રાહુલના રાજીનામા પછી પાર્ટીમાં આંતરિક કલહ વધવા સાથે નવી અને જૂની પેઢી વચ્ચે વર્ચસ્વનો જંગ જામ્યો છે.
જોકે, એક વાસ્તવિકતા એ પણ છે કે કોંગ્રેસના અધ્યક્ષપદે ભલે કોઈ પણ નેતા આવે, પક્ષની ખરી લગામ તો ગાંધી પરિવાર હસ્તક જ રહેશે. આ કારણથી જ કોઇ નેતા કોંગ્રેસના અધ્યક્ષપદનો કાંટાળો તાજ સ્વીકારવા માટે તૈયાર નથી.


comments powered by Disqus