BAPS ના વડા પૂ. મહંત સ્વામી હાલ બોચાસણ ખાતે બિરાજમાન છે. તેઓ ૧૧ જુલાઈએ ભરૂચથી બોચાસણ પધાર્યા હતા. મોટી સંખ્યામાં હરિભક્તો પૂ. મહંત સ્વામીની પ્રાતઃપૂજા અને સાયંસભામાં ઉપસ્થિત રહીને તેમના દર્શન અને આશીર્વાદનો લાભ લઈ રહ્યા છે. અગાઉ ભરૂચમાં ૯મીએ પૂ. મહંત સ્વામી સવારે પૂજા દર્શન આપ્યા હતા. તેમની પાસે હંમેશા હરિકૃષ્ણ મહારાજની જે મૂર્તિ રહે છે જે પૂ. યોગીજી મહારાજ લઈને આવ્યા હતા. તે દિવસે આ મૂર્તિને ૧૦૮ વર્ષ પૂરા થતા હોવાથી પૂ. મહંત સ્વામી મંચ પર આવ્યા ત્યારે મૂર્તિનું સ્વાગત કરીને અન્નકૂટ ધરાવાયો હતો અને પૂષ્પ અર્પણ વિધિ યોજાઈ હતી, જેનો હરિભક્તોએ લાભ લીધો હતો. ૧૦મીએ ઉપાસના દિન ઉજવાયો હતો. સાંજની સભામાં ઉપાસનાની દ્રઢતા થાય તેવા નૃત્ય, પરિસંવાદ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. પૂ. મહંત સ્વામીએ આશીર્વચનમાં કહ્યું, ‘ દાસના દાસના દાસ થવું, તેમાં એવા ગુણ પ્રગટે કે પોતાને શાંતિ થાય અને બધાને સુખશાંતિ આપે.’ ૧૧મીએ તેઓ ભરૂચથી બોચાસણ પધાર્યા હતા. ૧૨મીએ દેવપોઢી એકાદશી નિમિત્તે સંતોએ પૂ. મહંત સ્વામીની ઉપસ્થિતિમાં તપ, વ્રત સંબંધી નિયમો લીધા હતા. ૧૩મીએ સમીપ દર્શન યોજાયા હતા. ૧૪મીને રવિવારે યોજાયેલી રવિસભાની થીમ ‘મનોદશા’ રખાઈ હતી. તેમાં વ્યક્તિ રજ, તમ અને સત્વ એમ ત્રણ ગુણોથી કેવી રીતે પર થઈ શકે તેની વાત કરાઈ હતી. વચનામૃત અને તેના ઉપદેશો દ્વારા પર વ્યક્તિ તેનાથી પર થઈ શકે તે દર્શાવવામાં આવ્યું હતું. પૂ. મહંત સ્વામીએ પૂ. ગુણાતીતાનંદ સ્વામીના એક કથન ‘કરોડો કામ પડતાં મૂકીને મોક્ષ સુધારવો’ વિશે વાત કરી હતી. તેમણે વધુમાં કહ્યું,‘ પડતાં મૂકીને નહીં, બગાડીને પણ મોક્ષ સુધારવો.’ ૧૫મીએ પૂ.મહંત સ્વામીએ નિત્ય માફક પ્રાતઃપૂજા કરી હતી અને સંતો-હરિભક્તોને દર્શનનો લાભ આપ્યો હતો.

