• કસરત અને પૌષ્ટિક ડાયટથી ડિમેન્શિયાનું જોખમ ઘટે
જે લોકોને ડિમેન્શિયા થવાનું સૌથી વધુ વારસાગત જોખમ હોય તેઓ કસરત અને પૌષ્ટિક આહાર દ્વારા તેને ૩૩ ટકા સુધી ઘટાડી શકે તેમ અભ્યાસમાં જણાયું હતું. આનુવંશિકતા અને જીવનશૈલી આ બન્ને પરિબળોની સંયુક્ત અસરના વિશ્લેષણ માટે હાથ ધરાયેલા પ્રથમ અભ્યાસમાં પૂરવાર થયું હતું કે ખરાબ જીન્સથી ઉભું થતું જોખમને નોંધપાત્ર રીતે ઘટાડવા માટે સ્વસ્થ જીવન પૂરતું છે. આનુવંશિક જોખમને ધ્યાનમાં લીધા સિવાય ડિમેન્શિયા થવાની શક્યતા ઘટાડવા માટે નિયમિત મધ્યમ કસરત, સ્મોકિંગનો ત્યાગ, યોગ્ય પ્રમાણમાં શરાબસેવન પૂરતાં છે.
• જાતીય ગેરવર્તણુંક માટે વિદેશમાં તાલીમ પામેલા ડોક્ટરો દોષી
છેલ્લાં ત્રણ વર્ષમાં દર્દીઓ સાથે થયેલી જાતીય ગેરવર્તણુંકના દસ કિસ્સામાંથી છમાં વિદેશમાં તાલીમ મેળવનારા ડોક્ટરોએ દોષી હોવાનું સત્તાવાર આંકડામાં જણાયું હતું. અણછાજતું વર્તન અને દુષ્કર્મ સહિત ગેરવર્તનના પૂરવાર થયેલા ૩૮ કેસોમાંથી ૨૩ કિસ્સામાં વિદેશમાં તાલીમ મેળવેલા ડોક્ટરો જવાબદાર હતા.
• દાદા-દાદીને મળવા જતા પૌત્રો મોબાઈલ-ટીવીમાં જ વ્યસ્ત
માતા - પિતા તેમના બાળકોને દાદા-દાદીને ત્યાં મોકલતા હોય છે ત્યારે તેમના મનમાં એમ હોય છે કે બાળકો ત્યાં જશે તો સ્ક્રીન્સના આધુનિક જગતથી તેઓ થોડી રાહત મેળવશે. પરંતુ, હકીકત તો ખૂબ જુદી જ છે. બાળકો ત્યાં ગયા હોય ત્યારે તેઓ મોટાભાગનો સમય ઓનલાઈન ગેમ્સ રમવામાં, ટેલિવિઝન જોવામાં અથવા તેમના ફોન પર વ્યસ્ત હોય છે. વાસ્તવમાં તો માતા-પિતા કરતાં દાદા-દાદી બાળકોને ઓનલાઈન રહેતા અટકાવવામાં નિષ્ફળ રહે છે.
• પોતાના GP ને મળવામાં દર્દીઓને ભારે મુશ્કેલી
ફેમિલી ડોક્ટરના દિવસોનો હવે અંત આવી ગયો હોય તેનો સંકેત આપતા હોય તેમ હવે મોટાભાગના દર્દીઓ પોતાના GP ની મુલાકાત લેવા માગતા હોય તો તેમને એપોઈન્ટમેન્ટ મળતી નથી તેમ નવા આંકડામાં જણાયું હતું. વિક્રમી સંખ્યામાં દર્દીઓ પોતાના જીપી સાથે ટેલીફોન પર વાત કરવાનું પણ ખૂબ મુશ્કેલ છે અને એપોઈન્ટમેન્ટ માટે લાંબું વેઈટિંગ હોવાનું જણાયું હતું.
• હત્યાની શંકાના આધારે ધરપકડ
ગ્રેટર માન્ચેસ્ટરના સાલ્ફોર્ડમાં એકલ્સ રોડની નજીક આવેલા જંગલ વિસ્તારમાંથી પ્લાસ્ટિકમાં લપેટાયેલો મૃતદેહ મળ્યા બાદ પોલીસે હત્યાની શંકાના આધારે સાલ્ફોર્ડના ૩૨ વર્ષીય પુરુષની ધરપકડ કરી હતી. આ મૃતદેહની સત્તાવાર ઓળખ બાકી છે પરંતુ, આ મૃતદેહ ૪થી જુલાઈને ગુરુવારે ગુમ થયેલા ૨૪ વર્ષીય હિરેન ચૌહાણનો હોવાનું પોલીસ માને છે. તેના પરિવારને જાણ કરી દેવાઈ હતી.
• પાર્ટ – ટાઈમ જોબ સ્વીકારતા ૫૦ વટાવી ચૂકેલા લોકો
અચાનક કામકાજ કરવાનું બંધ થઈ જાય તેવું ‘કોલ્ડ ટર્કી’ રિટાયરમેન્ટ ટાળવા માટે ૫૦થી વધુની વયના લોકો પાર્ટ-ટાઈમ કામ સ્વીકારે છે. તેમની સંખ્યા એક દાયકા અગાઉ હતી તેમાં એક મિલિયનનો વધારો થયો છે. સરકારી માહિતી મુજબ યુકેના પાર્ટટાઈમ કર્મચારીઓમાં અન્ય કોઈ વયજૂથ કરતાં ૫૦ વર્ષથી વધુના લોકોની સંખ્યા વધારે છે.
• ડોગ દ્વારા પોસ્ટમેન પર થતાં હુમલા અટકાવવા સૂચન
ડોગ દ્વારા પોસ્ટમેનો પર થતાં હુમલા ઘટાડવા માટે રોયલ મેલ દ્વારા ડોગ માલિકોને સૂચન કરાયું છે કે પોસ્ટમેન આવે તે પહેલા તેમણે ડોગને ખવડાવી દેવું જોઈએ અને ડોગને બાંધીને રાખવો જોઈએ. ગયા વર્ષે દર અઠવાડિયે લગભગ ૪૭ પોસ્ટમેન-પોસ્ટવિમેન પર ફરજ દરમિયાન ડોગ દ્વારા હુમલા થયા હતા. ગયા વર્ષે નવ ટકાના વધારા સાથે પોસ્ટલ સ્ટાફ પર ડોગ દ્વારા હુમલાના ૨,૪૮૪ બનાવ નોંધાયા હતા.
• બાળકોને કમ્પ્યુટર ગેમ્સના વ્યસનનો પેરન્ટ્સને ડર
બાળકો ઘણાં સમય સુધી ઓનલાઈન રહેવાને લીધે દૈનિક પારિવારિક જીવનમાં અવરોધો ઉભા થતા હોવાથી પોતાના બાળકો કમ્પ્યુટર ગેમ્સના વ્યસની બની ગયા હોવાનો લગભગ ૫૦ ટકા માતા-પિતાને ડર લાગતો હોવાનું અભ્યાસમાં જણાયું હતું. ઘણાં લોકોનું કહેવું છે કે ખાસ કરીને છોકરાઓને જ્યારે લાગતું હોય કે તે ગેમ જીતવાની નજીક છે ત્યારે તેમને જમવા માટે કે સૂઈ જવા માટે સમજાવવાનું અઘરું છે.
• NHSનું વેઈટિંગ લીસ્ટ ૫૦ ટકા વધ્યું
ડોક્ટરો પોતાનું પેન્શન બચાવવા માટે કામ કરવાનો ઈન્કાર કરતા હોવાથી યુકેના કેટલાંક ભાગોમાં છેલ્લાં ત્રણ મહિનામાં વેઈટિંગ લીસ્ટમાં ૫૦ ટકાનો વધારો થયો હોવાનું એનએચએસના સિનિયર મેનેજરોએ જણાવ્યું હતું. ટ્રેઝરીના નિયમોમાં થયેલા ફેરફાર મુજબ વધુ આવક ધરાવતા લોકોને પેન્શનની રકમ સહિત વાર્ષિક ૧૧૦,૦૦૦ પાઉન્ડથી વધુની આવક પર ૯૦ ટકા સુધી ટેક્સ ભરવો પડી શકે તેમ છે.
• વિલિયમ હીલ ૭૦૦ બેટીંગ શોપ બંધ કરશે
વિલિયમ હીલ ૭૦૦ બેટીંગ શોપ બંધ કરવા વિચારી રહી છે. તે બંધ થશે તો ૪,૫૦૦ કર્મચારીઓની રોજગારી જોખમમાં મૂકાશે. વધુમાં, હાઈ સ્ટ્રીટ્સ પર રિટેઈલ સ્ટોર્સ અને બેંકોની શાખાઓ બંધ થયા બાદ આ શોપ્સ પણ બંધ થવાથી બ્રિટિશ હાઈ સ્ટ્રીટ્સની રોનક જતી રહેશે.
• ગ્રાહકોના ડેટા મામલે દંડ સામે બ્રિટિશ એરવેઝ અપીલ કરશે
બ્રિટિશ એરવેઝે હેકર્સ દ્વારા ગ્રાહકોનો ડેટા ચોરવાના મામલે ઈન્ફર્મેશન કમિશનર્સ ઓફિસ (ICO) દ્વારા તેને કરાયેલા વિક્રમજનક ૧૮૩ મિલિયન પાઉન્ડના દંડ સામે કાનૂની લડતનું વચન આપ્યું છે. ગયા વર્ષે હેકરોએ બ્રિટિશ એરવેઝના ૫૦૦,૦૦૦ ગ્રાહકોની વિગતો હેક કરીને મેળવી લીધી હતી.
• યુકેમાં ફેસબુકના વપરાશકારોમાં ૩૩ ટકાનો ઘટાડો
ફેસબુકના સત્તાવાર આંકડાથી તદન ઉલટું બ્રિટનમાં છેલ્લા ૧૨ મહિનામાં ફેસબુકના વપરાશકારોની સંખ્યામાં ૩૩ ટકાથી વધુનો ઘટાડો નોંધાયો હોવાનું નવા સંશોધનમાં જણાયું હતું. જૂન ૨૦૧૮ અને જૂન ૨૦૧૯ વચ્ચે ફેસબુકના મોબાઈલ એપ પર ઓનલાઈન ઈન્ટરએક્શન્સની સંખ્યામાં ૩૮ ટકાનો ઘટાડો થયો હતો તેમ એનાલિટિકસ કંપની મીક્સપેનલ દ્વારા જણાવાયું હતું. ફેસબુક એપમાં યુઝર વેબ લીંક અથવા એડવર્ટ પર ક્લીક કરે ત્યારે ઈન્ટરએક્શન થાય છે. તેમાં છેલ્લાં ૧૨માંથી સાત મહિનામાં સરેરાશ માસિક ૨.૬ ટકાના દરે ઘટાડો નોંધાયો હતો.
