સ્વામિનારાયણ મંદિર વિલ્સડનના શ્રી હરિકૃષ્ણ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી

Thursday 18th July 2019 08:03 EDT
 
 

પાશ્ચાત્ય જગતમાં સૌ પ્રથમ ભારતીય શૈલીમાં તૈયાર થયેલ શિખરબદ્ધ મંદિર અને ભારત બહાર સૌ પ્રથમ વખત આરસ પાષાણમાંથી કંડારેલ બાલ સ્વરૂપ શ્રી ઘનશ્યામ મહારાજનું અર્ચાસ્વરૂપ ધરાવતા શ્રી સ્વામિનારાયણ મંદિર- વિલ્સડન દ્વારા તા. ૧૩ જુલાઈથી ૨૧ જૂલાઈ સુધી યોજાયેલા શ્રી હરિકૃણ્ણ મહોત્સવનો ભક્તિભાવ અને ધામધૂમપૂર્વક પ્રારંભ થયો છે. આ પ્રસંગે શ્રી નરનારાયણ દેવ ગાદી પીઠાધિપતિ આચાર્ય શ્રી કોશલેન્દ્ર પ્રસાદજી મહારાજ, લાલજી શ્રી વ્રજેન્દ્રપ્રસાદજી મહારાજ, ભૂજ સ્વામિનારાયણ મંદિરના સ્વામી ધર્મનંદનદાસજી ઉપરાંત અમદાવાદ અને ભૂજથી આશરે ૫૦ સંતો હાજરી આપી રહ્યા છે. ૧૨ જુલાઈને શુક્રવારે પોથીયાત્રા નીકળી હતી. અમદાવાદના કાળુપુર શ્રી નરનારાયણ દેવ ગાદીના આચાર્ય શ્રી કૌશલેન્દ્રપ્રસાદજી મહારાજ આ મહોત્સવમાં વિશેષ ઉપસ્થિતિ માટે પધાર્યા હતા. ૧૩મીને શનિવારે કથા પ્રારંભ, ભક્તિધર્મ કેર હોમ, નૂતન લગ્ન હોલ તથા મંદિરની અન્ય સુવિધાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વિવિધ વિમોચનો અને મુખ્ય દાતાઓને પહેરામણી પણ કરવામાં આવી હતી.૧૪મીને રવિવારે શ્રી સ્વામિનારાયણ મેળો તથા સાંજે શ્રી હરિકૃષ્ણ મહારાજની પૂજન વિધિ આદિક અનેક પ્રસંગો ઉજવાયા હતા. આ મહોત્સવમાં ભૂજ તથા અમદાવાદથી પધારેલા ૩૫ સંતો, શ્રી સ્વામિનારાયણ કન્યા વિદ્યામંદિરની ૨૫ કન્યાઓ તેમજ દેશવિદેશથી અનેક સત્સંગીઓ હાજરી આપી રહ્યા છે.

પોથીયાત્રા અને આચાર્ય શ્રી કોશલેન્દ્રપ્રસાદજીનું સ્વાગત

૧૨મીને શુક્રવારે સાંજે સંતો, દાતાઓ અને હજારો હરિભક્તોને સંગે પોથીયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સૌ પ્રથમ ભૂજ મંદિરના મહંત સ.ગુ.સ્વામી શ્રી ધર્મનંદનદાસજી તથા અન્ય સંતોની નિશ્રામાં પવિત્ર ગ્રંથોનું વૈદિક વિધિથી પૂજન કરવામાં આવ્યું હતું. £૨૫,૦૦૦થી વધારેનું યોગદાન આપનારા ૫૦ જેટલા દાતાઓએ પોતાના મસ્તક ઉપર પોથી રાખીને સંગીતની સુરાવલી સાથે મંદિર તરફ પ્રસ્થાન કર્યું હતું. મંદિરમાં આ પોથીઓને વ્યાસપીઠ ઉપર પધરાવી વ્યાસસ્વરૂપ વકતાનું પૂજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સંપ્રદાયની પ્રણાલિકા મુજબ અમદાવાદથી આ મહોત્સવ પ્રસંગે ખાસ પધારેલ આચાર્યશ્રી કોશલેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીનું ભૂજના મહંત સ્વામી, મંદિરના પ્રમુખ તથા મંત્રી અને અગ્રણી હરિભક્તો દ્વારા ધામધૂમથી સ્વાગત કરવામાં આવ્યું હતું.

રિજનરેશન પ્રોજેક્ટનું લોકાર્પણ

૧૩મીને શનિવારે સવારના સત્રમાં તાજેતરમાં તૈયાર થયેલ ભક્તિધર્મ કેર હોમ, વિશાળ કાર પાર્કીંગ, નૂતનલગ્ન હોલ તથા વિવિધ સગવડોનું ઉદ્ઘાટન આચાર્ય મહારાજશ્રી કોશલેન્દ્રપ્રસાદજી, ભૂજ મંદિરના મંહત સ્વામી ધર્મનંદનદાસજી તથા દાતાઓના હસ્તે કરવામાં આવ્યું હતું. વડીલો માટે મંદિર તરફથી એેટેચ્ડ બાથરૂમ અને નાના કીચનની સુવિધાવાળા ૧૯ બેડરૂમના ‘ભક્તિધર્મ કેરહોમ’ નું નિર્માણ કરાયું છે. તેમાં સામૂહિક બેઠક ખંડ, ડાઈનિંગ હોલના નિર્માણ સાથે સવાર અને સાંજનું ભોજન સાપ્તાહિક શારીરિક તપાસ સહિતની વિવિધ સુવિધા બિલકુલ વ્યાજબી ભાડેથી ઉપલબ્ધ થશે.
વધતી ગાડીઓના કારણે મંદિરે આવતા હરિભક્તોને પડતી પાર્કિંગની તકલીફને મહદઅંશે દૂર કરવા માટે બે માળનું ૧૦૦થી પણ વધુ ગાડી પાર્ક કરી શકાય તેવું અંડરગ્રાઉન્ડ કાર પાર્ક બાંધવામાં આવ્યું છે.
મંદિરમાં આધુનિક સગવડો ઉભી કરવાની જરૂર જણાતા તાજેતરમાં લગ્ન હોલનું નવીનીકરણ કરવામાં આવ્યું છે. ૮૦૦ લોકો સમાઈ શકે તેવો વિશાળ હોલ, ડાઈનિંગ હોલ અને આધુનિક વિશાળ રસોડું લગ્નપ્રસંગે પધારતા મહેમાનોની સુવિધામાં ઉમેરો કરશે. વધુમાં, અદ્યતન લાઈબ્રેરી, સંતો માટે રહેવાના નવા રૂમો, માતાઓ અને શિશુઓ માટે અલાયદો રૂમનો સમાવેશ થાય છે.
વડીલો સ્વમાનપૂર્વક રહી શકે તેવા આશ્રયસ્થાન સમા ‘ભક્તિધર્મ કેર હોમ’ બાંધવામાં લગભગ ૧૦ મિલિયન પાઉન્ડનો ખર્ચ થયો છે અને મંદિરના હરિભક્તોએ પોતાના ૨૫૧,૦૦૦ કલાકનો સમય વિના મૂલ્યે આપ્યો છે.
શનિવારે સાંજની સભામાં રીજનરેશન પ્રોજેક્ટમાં £૫૦,૦૦૦થી વધારે આર્થિક સહયોગ આપનાર ૨૦થી વધારે દાતાઓનું ઋણ સ્વીકાર અને સન્માન કરવામાં આવ્યું હતું.
આ સત્રમાં જ મંદિરના યુવકો દ્વારા તૈયાર કરવામાં આવેલી એક CD અને Pen Driveનું વિમોચન કરવામાં આવ્યું હતું અને તે તૈયાર કરવામાં આર્થિક યોગદાન આપનારા દાતાઓનું ઋણસ્વીકાર અને સન્માન કરવામાં આવ્યું હતું.

અનુવાદિત ‘સત્સંગી ભૂષણ ગ્રંથ’નું વિમોચન

મંદિરના જ હરિભક્ત ડો. જેઠાલાલ સવાણી દ્વારા મૂળ સંસ્કૃત ઉપરથી અંગ્રેજીમાં અનુવાદ કરવામાં આવેલ ‘સત્સંગી ભૂષણ ગ્રંથ’નું વિમોચન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આ કાર્યમાં આર્થિક સહયોગ આપનારા શ્રી કુરજીભાઈ દેવરાજ વેકરિયાનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.
વિવિધ દાતાઓના સન્માન સાથે તનથી સેવા કરનાર હરિભક્તોનું સન્માન કરવામાં મંદિર પાછળ નથી રહ્યું, સવારના ૭.૦૦થી રાતના ૧૦.૦૦ વાગ્યા સુધી ઠંડી, ગરમી અને વરસાદની અગવડ સહન કરી પોતાના સમયનો અમૂલ્ય ભોગ આપી સેવા આપતા વોલન્ટિયરોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.

નોર્થોલ્ટ સંકુલમાં યોજાયો સ્વામિનારાયણ મેળો

રવિવાર તા. ૧૪ જુલાઈએ સવારની કથા બાદ શ્રી કચ્છી લેવા પટેલ કોમ્યુનિટીના નોર્થોલ્ટ સંકુલમાં શ્રી ‘સ્વામિનારાયણ મેળા’નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લંડન ઉપરાંત બોલ્ટન, ઓલધામ, કાર્ડીફ વગેરે ગામોથી ૫૦૦૦થી પણ વધારે સત્સંગીઓ હાજર રહ્યાં હતા. સૌ હરિભક્તો માટે ભોજન તથા ફળાહાળ, બાળકો માટે બાઉન્સિંગ કાસલ અને આઇસ્ક્રીમ જેવી સેવાઓ વિનામૂલ્યે મંદિર તરફથી ઉપલબ્ધ કરવામાં આવી હતી. આ મેળામાં સાંસદો, મેયર કાઉન્સીલરો વગેરે રાજકારણી, મહાનુભાવો હાજર રહ્યાં હતાં. આ વર્ષ ‘વચનામૃત દ્વિશતાબ્દિ વર્ષ’ હોવાથી મંદિરમાં ચાલતા વચનામૃત કલાસના યુવાનો તરફથી ગોઠવવામાં આવેલું પ્રદર્શન હરિભક્તોના આકર્ષણનું કેન્દ્ર રહ્યું હતું. મહોત્સવ દરમિયાન સવારે ભક્ત ચિંતામણી અને સાંજે હનુમાન ચાલીસા નવાન્હ પારાયણની કથા યોજાઈ છે. આ પ્રસંગે સવારે અને સાંજે કથા બાદ પ્રસાદ ભોજનની તથા સૌ મહેમાનો માટે ૩૦૦ કારની વધારાના પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે.

મંદિરનો ઈતિહાસ

મંદિરનો ઈતિહાસ જોઈએ તો પ્રથમ મંદિરની સ્થાપના તત્કાલીન ભૂજ મંદિરના મહંત સદ્ગુરુ અ.નિ. સ્વામી શ્રી ધર્મજીવનદાસજી, અ. નિ. સ્વામી શ્રી મોરલીમનોહરદાસજી, અ. નિ. સ્વામી ધર્મકિશોરદાસજી, અ. નિ. પાર્ષદવર્ય કોઠારી સામજી ભગત તથા અન્ય વડીલ સંતોની પ્રેરણા તથા આશીર્વાદથી ઈ.સ. ૧૯૭૫, સંવત ૨૦૩૧ના આસો સુદ પૂનમના રોજ કરવામાં આવી હતી. જ્યારે હાલના નૂતન મંદિરમાં તત્કાલીન શ્રી નરનારાયણદેવ પીઠાધિપતિ આચાર્ય ૧૦૦૮ શ્રી તેજેન્દ્રપ્રસાદજી મહારાજના વરદ્ હસ્તે શ્રી સ્વામીનારાયણ મંદિર વિલ્સ્ડનમાં શ્રી નરનારાયણ દેવ, શ્રી રાધાકૃષ્ણ દેવ, શ્રી સહજાનંદ સ્વામી, ગણપતિજી, હનુમાનજી આદિક મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા સંવત ૨૦૪૪ના ગુરુ પૂર્ણિમા તા. ૨૯-૭-૧૯૮૮ના દિવસે બ્રહ્મનિષ્ઠ સંતો અને હજારો હરિભક્તોની હાજરીમાં કરવામાં આવી હતી.

શ્રી સ્વામિનારાયણ મંદિર (વિલ્સ્ડન) દ્વારા ચાલતી પ્રવૃત્તિઓ

શ્રી સ્વામિનારાયણ મંદિર (વિલ્સ્ડન) દ્વારા વિવિધ સામાજિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ ચાલે છે જેમાં ગુજરાતી શાળા, એકેડેમી તેમજ વચનામૃત ક્લાસીસનો સમાવેશ થાય છે.
શ્રી સ્વામિનારાયણ મંદિર (વિલ્સ્ડન) ગુજરાતી શાળા
શ્રી સ્વામિનારાયણ મંદિર (વિલ્સ્ડન) ગુજરાતી શાળાની સ્થાપના ઇ.સ. ૧૯૭૭માં કરવામાં આવી હતી. શાળામાં ભાઈ-બહેનો શિક્ષકો તરીકે વિના મૂલ્યે સેવા આપે છે. વિદ્યાર્થીઓને નોટબૂક, પેન, પાઠ્યપુસ્તક વગેરે જરૂરી વસ્તુઓ વિના મૂલ્યે આપવામાં આવે છે. વિદ્યાર્થીઓ પાસેથી કોઈપણ જાતની ફી લેવામાં આવતી નથી. G.C.S.E.ની પરીક્ષાની ફી પણ પણ વિદ્યાર્થીઓ પાસેથી લેવામાં આવતી નથી. ગુજરાતી શાળા દ્વારા તૈયાર કરવામાં આવેલ પાઠ્યપુસ્તકો આજે માત્ર યુ.કે.માં જ નહીં પણ આફ્રિકા, અમેરિકા અને ઓસ્ટ્રેલિયા વગેરે દેશોમાં મંદિરો તરફથી ચાલતી ગુજરાતી શાળાઓમાં પણ વપરાય છે. અત્યારે ગુજરાતી શાળા દ્વારા ગુજરાતી ઉપરાંત અંગ્રેજી, ગણિત, વિજ્ઞાન વિગેરે વિષયોના કલાસ ચાલે છે જેના માટે કોઈ જાતની ફી લેવામાં આવતી નથી.
શ્રી સ્વામિનારાયણ મંદિર-વિલ્સ્ડન એકેડમી (SSTW Academy)
ઈ.સ. ૧૯૯૭માં નાના પાયે શરૂ થયેલ એકેડમી આજે યુવાનોને સાંકળતી અનેક પ્રવૃત્તિઓથી ધમધમી રહી છે. દર શુક્રવારે સાંજે ભરાતી યુવાનોની સભામાં સત્સંગની સિંચાઈ સાથે જીવનભરની મિત્રતા બંધાય છે. ગમ્મત સાથે સત્સંગ સંબંધી જ્ઞાન પીરસાય છે, જે યુવાનોને ભગવાન સમીપે લઈ જાય છે.

વચનામૃત કલાસીસ

શ્રી સ્વામિનારાયણ ભગવાનની વાણી સ્વરૂપ શાસ્ત્ર-વચનામૃતનો અભ્યાસ સત્સંગીને ભગવાનનું સ્વરૂપ અને મહાત્મ્ય ઓળખવાનું અમોલ સાધન છે. દર બુધવારે સાંજે ૮ થી ૯ દરમિયાન ચાલતા કલાસીસમાં વડીલોના માર્ગદર્શન હેઠળ યુવાનો અરસપરસ ચર્ચા વિચારણા દ્વારા આ મહાન શાસ્ત્રના ગૂઢ રહસ્યનું જ્ઞાન મેળવી તેને જીવનમાં ઉતારે છે. મંદિરમાં પધારતા સંતોના જ્ઞાન અને અનુભવનો લાભ પણ તેમને નિયમિત રીતે મળે છે.

માનવતાના હામીઃ કે. કે. જેસાણી

કે. કે. જેસાણીના નામથી હવે કોઈ અજાણ હોય એવું નથી. કે. કે.ના હુલામણા નામથી ઓળખાતા આ કચ્છીને ઇશ્વરે નવસર્જન માટે નિમિત્ત બનાવ્યા છે. તેઓ અઘરું, અટપટું કામ અથાગ પરીશ્રમ વેઠીને કરી શકે છે. મસમોટા પ્રોજેક્ટ કે પ્રથમ દૃષ્ટિએ અશક્ય લાગતા હોય તેને સાકાર કરવાની કુનેહ આ વ્યક્તિમાં સહજ છે.
શ્રી સ્વામિનારાયણ મંદિર ભૂજ તથા તે હેઠળની સંસ્થાઓના માધ્યમે જગતભરમાં માનવતા મહેકાવનાર આ વ્યક્તિ એકવાર નક્કી કરી લે તે પછી કાર્યને સાકાર થવું જ રહ્યું... ભૂકંપ, વાવાઝોડાં, અતિ કે અનાવૃષ્ટિ, રાષ્ટ્રીય આપત્તિ સહિતના આક્રમણો સામે સેવાનો ધોધ વહે તેવું વાતાવરણ નિર્માણ કર્યું. ભગવાન શ્રી સ્વામિનારાયણના એક એક શબ્દે દુઃખિયો દેખી ન ખમાયેની ભાવના જેની નસનાડમાં ધબકે છે એ કે. કે. દયાથી જીવનાર જીવ છે. કચ્છના બળદિયા ગામે જન્મી યુગાન્ડાને કર્મભૂમિ બનાવનાર કાનજીભાઈના કર્મે ઐતિહાસિક કાર્યો કરવાનું લખાયું છે. યુરોપના પ્રથમ શિખરબદ્ધ મંદિર તરીકે ગૌરવાન્તિત વિલ્સડન સ્વામિનારાયણ મંદિર હેઠળના ભક્તિ-ધર્મ રિજનરેશન પ્રોજેક્ટનો કુલ ખર્ચ ૧૫.૫ મિલિયન પાઉન્ડનો હતો. કે.કે.ના અનુભવ અને કાર્યદક્ષતાના કારણે અા પ્રોજેક્ટ ૧૦ મિલિયન પાઉન્ડમા પૂર્ણ થયો. તેથી મંદિરને ૫.૫ મિલિયન પાઉન્ડની બચત થઇ. હિન્દુ- સનાતન પરિવારોના કૌટુંબિક સંવેદનોને ધ્યાને રાખી વૃદ્ધ વડીલોની માવજત લેવાનું સ્વપ્ન સાકાર કરનાર કે. કે. બ્રિટનમાં વસતા દરેક ભારતીયો માટે પ્રેરણારૂપ છે. દાતાઓને પ્રોજેક્ટના મધ્યમાં કેમ લાવવા તે કે. કે. પાસેથી શીખવાનું છે.
મોટી સંસ્થાઓમાં સૌને સાથે રાખી એકધારામાં લાવી નિર્ણયો કરવા, દાતાઓ અને નાનામાં નાના હરિભક્તોનો વિશ્વાસ સંપાદન કર્યો. ભૂજ સ્વામિનારાયણ મંદિરના પૂર્વ મહંત અને વિલ્સડન મંદિરના સર્જક અ. નિ. શાસ્ત્રી ધર્મજીવનદાસજીએ તા. ૧૧-૮-૧૯૭૫ના રોજ પત્રમાં કરેલ આજ્ઞાને અક્ષરશઃ ગુરુની આજ્ઞા સમજીને અડગ રીતે પાલન કર્યું અને ભૂજ મંદિર સાથેનો નાતો જાળવી બતાવ્યો.

વિલ્સડન મંદિરના પ્રમુખઃ કુંવરજીભાઈ કેરાઈ

કોઈ પણ સત્સંગ સંલગ્ન કાર્યને નાનું ન સમજનાર કર્મઠ કચ્છી કુંવરજીભાઈ અરજણ કેરાઈ વિલ્સડન સ્વામિનારાયણ મંદિરના પ્રમુખપદે સેવા આપી રહ્યા છે. સત્સંગના અનેક પ્રસંગો કચકડે કંડારનાર કુંવરજીભાઈ સૌને સાથે રાખી સંસ્થાનો વિકાસ કરવાની શક્તિ ધરાવે છે. મોટા પ્રસંગોને ઉજવવા, સ્વયંસેવકોની પીઠ થાબડવી અને જરૂર જણાય તો દરેક કામમાં જાતે પરોવાઈ જાય તેવા નિખાલસ સ્વભાવથી તેઓ જનપ્રિય બન્યા છે. હાલનો રિજનરેશન પ્રકલ્પ તેમના નેતૃત્વમાં સાકાર થયાને તેઓ ઇશ્વર અને સંત દ્વારા નિમિત્ત બન્યાનું વિનમ્રતાથી સ્વીકારે છે. પદ, પ્રતિષ્ઠાનો જરાય ભાર ન રાખનાર કુંવરજીભાઈ કચ્છ નારાણપર (નીચલોવાસ)માં જન્મ્યા હતા અને માતા-પિતાનો સત્સંગ વારસો આજ પર્યંત જાળવી રાખ્યો છે.
તેમના નેતૃત્વમાં વિલ્સડન મંદિરનું ગૌરવ હરિભક્તોએ ખૂબ વધાર્યું છે. સંસ્થા હંમેશા મહાન છે તે તેમનો સિદ્ધાંત રહ્યો છે. માદરે વતન કચ્છમાં ગૌસેવા, ગરીબોને સહાય, આરોગ્ય ક્ષેત્રે હોસ્પિટલમાં દાન આપવામાં તત્પર કુંવરજીભાઈ કેરાઈ ઉપર સંતોનો રાજીપો પણ ઉતર્યો છે. યુવા શિબિરો, બાળ સભા, યુવતીઓની સત્સંગ પ્રવૃત્તિઓમાં તેઓ ખૂબ ધ્યાન આપે છે તેના કારણે લોકોમાં મંદિર પ્રત્યે વિશ્વાસ જળવાયો છે.

વિનમ્રઃ સેવાના પર્યાયઃ શીવજીભાઈ હીરાણી

જેમની હાજરી માત્રથી વિલ્સડન સ્વામિનારાયણ મંદિર ભર્યું ભર્યું લાગે એવા શીવજીભાઈ પ્રેમજી હીરાણીના અવાજના એક હલકારે સૌને આવકાર મળે, વિલ્સડન મંદિરના મંત્રી પદે રહી તેમની સેવાઓ દાયકાઓથી મળી રહી છે.
સંસ્થાનો વિકાસ તેમના હૃદયમાં રહ્યો છે. આખું જીવન સંસ્થાને આપનાર પૈકીના તેઓ એક છે. કચ્છ ફોટડીના વતની એવા શીવજીભાઈના શબ્દમાં તો મીઠાશ છે જ પણ તેમના હાથની મીઠાશ વિવિધ પ્રસાદ, વ્યંજનોમાં ભળી છે જેના કારણે તેમને ‘રસોઈ માસ્ટર’નું બિરુદ મળ્યું છે. સંતોનો રાજીપો સહેજે સહેજે સાંપડ્યો છે તો હરિભક્તોમાંથી ભાગ્યે જ કોઈ તેમનાથી નારાજ હોય...! વિલ્સડન મંદિરના રિજનરેશન પ્રોજેક્ટમાં તેમનો પણ કર્મ સહયોગ મળ્યો છે. મૃદુભાષી આ સજ્જને સંસ્થાને ઘણો સમય આપ્યો છે. ઠાકરથાળી હોય, હિંડોળા, હોળી, દિવાળી, સનાતન ઉત્સવો, કથાવાર્તા દરેક આયોજનોમાં ઝીણવટપૂર્વકની ભૂમિકા શીવજીભાઈની હોય જ. મંદિરની રોજીંદી પ્રવૃત્તિઓ, બાળસભા, ગુજરાતી ક્લાસ જોઈ કાર્યકરોને પ્રોત્સાહન આપતા આ વ્યક્તિ વિશેષની અભિવંદના...

હરિભક્તો દ્વારા દાનનો અવિરત પ્રવાહ હરિકૃષ્ણ મહોત્સવ અને રિજનરેશન પ્રોજેક્ટને સાકાર કરવા માટે સંખ્યાબંધ હરિભક્તોએ દાનનો અવિરત પ્રવાહ વહેવડાવ્યો હતો. મુખ્ય દાતાઓની યાદી

• શ્રી લક્ષ્મણભાઈ ભીમજી રાઘવાણી, શ્રીમતી પ્રેમબાઈ લક્ષ્મણ રાઘવાણી અને પરિવાર, કાનજીભાઈ ભીમજી રાઘવાણી, સ્વ. તેજબાઈ કાનજી રાઘવાણી અને પરિવાર (લક્ષ્મણભાઈ કન્સ્ટ્રક્શન લિમિટેડ, યુકે)
­• શ્રી મનુભાઈ શામજી ગાજપરીયા, શ્રીમતી કાન્તાબેન મનુભાઈ ગાજપરીયા અને પરિવાર, શ્રી કાન્તીલાલ રામજી કેરાઈ, શ્રી પરબતભાઈ કરસન કાબરીયા (કિંગ્સ કિચન લિમિટેડ)
• સ્વ. લાલજી મુરજી કેરાઈ, શ્રીમતી ધનબાઈ લાલજી કેરાઈ, શ્રી લક્ષ્મણ લાલજી કેરાઈ, શ્રીમતી અમ્રત લક્ષ્મણ કેરાઈ, શ્રી સંજય લક્ષ્મણ કેરાઈ, કુ. ટીના કેરાઈ અને પરિવાર (બર્ન્ટ ઓક બિલ્ડર્સ મર્ચન્ટ્સ)
• શ્રી વિનોદ હરજી હાલાઈ, શ્રી હસમુખ પ્રેમજી હાલાઈ, શ્રી વિપુલ નારણ હાલાઈ, શ્રી કલ્પેશ ખીમજી હાલાઈ, શ્રી સંદીપ નારણ હાલાઈ અને પરિવાર (યુરોકેન સપ્લાઈઝ)
• શ્રી કુંવરજી અરજણ કેરાઈ, શ્રીમતી ધનુબેન કુંવરજી કેરાઈ, શ્રી અને શ્રીમતી ભાવિક કુંવરજી કેરાઈ અને પરિવાર, શ્રી હર્ષિલ કુંવરજી કેરાઈ, શ્રીમતી રસિકા હરીશ કારા અને પરિવાર, શ્રીમતી દીપિકા શાંતિ ભૂડિયા અને પરિવાર (એલ્મપ્રાઈડ લિમિટેડ)
• શ્રી અવનીશ વાલજી વેકરિયા, શ્રીમતી વૈશાલી અવનીશ વેકરિયા અને પરિવાર, શ્રી ધીરેશ કાન્તિ હાલાઈ, શ્રીમતી મિત્તલ ધીરેશ હાલાઈ અને પરિવાર (ફર્નિચર કમ્ફર્ટ્સ લિમિટેડ)
• સ્વ. અરજણભાઈ કરસનદાસ વેકરિયા અને શ્રીમતી જયાબેન અરજણભાઈ વેકરિયા, શ્રી શશીભાઈ કરસનદાસ વેકરિયા, શ્રીમતી જસુબેન શશીભાઈ વેકરિયા અને પરિવાર (વાસ્ક્રોફ્ટ ફાઉન્ડેશન)
• સ્વ. પરબત કુરજી હલારિયા, સ્વ. શ્રીમતી અમરબાઈ પરબત હલારિયા, શ્રી નારણભાઈ પરબત હલારિયા, શ્રીમતી સવિતાબેન નારણભાઈ હાલરિયા, શ્રી જયેશ હલારિયા, શ્રી અશ્વિન હલારિયા અને શ્રી દિલન હલારિયા અને પરિવાર
• શ્રી વાલજીભાઈ દેવશી રાબડિયા, શ્રીમતી હંસાબેન વાલજી રાબડિયા, શ્રી હિતેન વાલજી રાબડિયા, શ્રીમતી બિંદિયા હિતેન અને પરિવાર, શ્રીમતી આશાબેન, સ્વ. અલ્પેશભાઈ મેપાણી, ખ્રિશય અને પરિવાર, શ્રીમતી મિતાબેન અને શ્રી હરીશ વેકરિયા અને પરિવાર
• શ્રી વિનોદભાઈ, શ્રી જયેશ હિરાણી, શ્રી યોગેશ ગોપાલ, શ્રી જય પટેલ, શ્રી ભાવિક ડબાસિયા અને શ્રીમતી રીના ગોઈકી (એવરગ્લેડ વિન્ડોઝ લિમિટેડ)
• શ્રી દિનેશ ગોપાલ ખેતાણી, વિનોદ ગોપાલ ખેતાણી, આશિષ ગોવિંદ ખેતાણી(નેશનલ સિક્યુરિટી સિસ્ટમ્સ લિમિટેડ)
• સ્વ. ખીમજી કરસન ભૂડિયા, શ્રીમતી પૂરબાઈ ખીમજી ભૂડિયા, શ્રી રામજી ખીમજી ભૂડિયા અને પરિવાર, શ્રી વાલજી ખીમજી ભૂડિયા અને પરિવાર, શ્રી કાનજી ખીમજી ભૂડિયા અને પરિવાર, શ્રીમતી રામબાઈ ગોવિંદ ડબાસિયા અને પરિવાર
• શ્રી કાનજી ખીમજી જેસાણી, શ્રીમતી ધનુબેન કાનજી જેસાણી અને પુત્રીઓ હશ્મિતા, વનિતા, દીપા, વીણા જેસાણી
• સ્વ. જાદવા હીરા હિરાણી, સ્વ. કેશુબાઈ જાદવા હિરાણી, શ્રી માવજી જાદવા હિરાણી, શ્રીમતી કુંવરબાઈ માવજી હિરાણી અને પરિવાર
• સ્વ. જાદવા હીરા હિરાણી, સ્વ. કેશુબાઈ જાદવા હિરાણી, શ્રી લક્ષ્મણ જાદવા હિરાણી, શ્રીમતી રમાબેન લક્ષ્મણ હિરાણી અને પરિવાર
• સ્વ. મૂરજી પ્રેમજી કેરાઈ, સ્વ. પ્રેમજી કાનજી કેરાઈ, સ્વ. પ્રેમબાઈ પ્રેમજી કેરાઈ, સ્વ. અરવિન કલ્યાણ વેકરિયા, સ્વ. ધનસુખ કલ્યાણ વેકરિયા, સ્વ. હર્ષિલ કલ્યાણ વેકરિયા, શ્રી કલ્યાણ રવજી વેકરિયા, શ્રીમતી અમરબાઈ કલ્યાણ વેકરિયા અને પરિવાર
• સ્વ. મનજી શીવાજી હાલાઈ, સ્વ. ધનબાઈ મનજી હાલાઈ, શ્રી જયંતીલાલ મનજી હાલાઈ, શ્રીમતી જયશ્રી જયંતીલાલ હાલાઈ અને પરિવાર
• શ્રી પ્રેમજી મેઘજી વેકરિયા અને શ્રીમતી રાધાબાઈ પ્રેમજી વેકરિયા, શ્રી અને શ્રીમતી પરબત પ્રેમજી વેકરિયા અને પરિવાર, શ્રી અને શ્રીમતી નારણ પ્રેમજી વેકરિયા અને પરિવાર, પ્રિયા પ્રેમજી વેકરિયા
• શ્રી પ્રવિણ ખીમજી ગજપરીયા, શ્રી દેવેન્દ્ર ધનજી મેપાણી, શ્રી વિનોદ ખીમજી ગજપરીયા અને પરિવાર (સર્જ ગ્રૂપ)
• શ્રી ધીરેન્દ્ર રામજી વેકરિયા, શ્રીમતી વાસંતી ધીરેન્દ્ર વેકરિયા અને પરિવાર, શ્રી જયેશ રામજી વેકરિયા, શ્રીમતી જશોદા જયેશ વેકરિયા અને પરિવાર (ક્રોસવિલે ડેવલપમેન્ટ લિમિટેડ)
• સ્વ. ચંદુભાઈ સોની, શ્રી પ્રશાંત સોની, શ્રીમતી સ્વાતિબેન સોની અને પરિવાર (પીબીએલ જ્વેલર્સ લિમિટેડ)
• શ્રી સુરેશભાઈ રાબડિયા અને શ્રી કપિલભાઈ રાબડિયા (એમ પી બ્રધર્સ )


comments powered by Disqus