મેં હમણાં જ લોર્ડ ડોલર પોપટે લખેલું પુસ્તક ' A British Subject' વાંચ્યુ. હું તેના વિશેના મારા પ્રતિભાવો ‘ગુજરાત સમાચાર’ના વાચકો સમક્ષ રજૂ કરું છું.
પહેલી વાત તો એ કે મેં આ પુસ્તક વાંચવાનું શરૂ કર્યું તો હું તેને થોડું વાંચીને મૂકી શકી ન હતી. હું પણ મૂળ ઈસ્ટ આફ્રિકાની અને મૂળ ભારતની વતની છું એટલે આ પુસ્તક ફરજિયાતપણે વાંચવુ પડે તેવું નથી. પરંતુ, ડોલર પોપટની ઘેરી પારદર્શિતા અને ધગશ અદભૂત છે.
આ પુસ્તકમાં તેમણે જે મુદ્દાઓની વાત કરી છે તેને હું દોહરાવું છું.
બ્રિટિશ સામ્રાજ્યમાં સામેલ અન્ય દેશ થીકા કેન્યામાં બાળક તરીકે ઉછરી ત્યારે મને પણ બ્રિટન સાથે તેવો જ અવ્યક્ત સંબંધ હતો. અમે ભલે આફ્રિકન અને યુરોપિયન લોકો વચ્ચે રહેતા હતા. પરંતુ, તેમની સાથે ભળ્યા નહીં અને અમારા સુધી જ સિમિત રહ્યા. અમારા ગ્રાન્ડચીલ્ડ્રનનું જ્યાં ભવિષ્ય છે તે અમારા નવા યજમાન દેશમાં અમારે આ ભૂલ ફરી ન જ કરવી જોઈએ અને સામાજીક, વાણિજ્યિક તેમજ રાજકીય એમ તમામ સ્તરે સામેલ થવા પગલાં લેવા જોઈએ.
બ્રિટનના રાજકીય માળખામાં વધુ ભારતીયોને યોગદાન આપવા પ્રોત્સાહિત કરવાના તેમના પ્રયાસને હું સમર્થન આપું છું. બ્રિટિશ ભારતીયોની પહેલી અને બીજી પેઢીએ
‘રાજકારણ ગંદી રમત છે’ તેવી માન્યતામાંથી (આ માન્યતાને બ્રેક્ઝિટ સંબંધિત હાલની રાજકીય સમસ્યા સાથે સાંકળીએ તો નવાઈ નહીં લાગે) બહાર આવવાની જરૂર છે. તેમણે યુવા પેઢીને રાજકીય રીતે વધુ સક્રિય થવા પ્રોત્સાહન પૂરું પાડવું જોઈએ.
યુવા બ્રિટિશ ભારતીય પ્રોફેશનલ્સે મેડિકલ, લીગલ અને ફાઈનાન્સિયલ સેક્ટર સહિત ઘણાં ક્ષેત્રમાં ખ્યાતિ મેળવી છે. રાજકારણના ક્ષેત્રે પણ તેમણે વિખ્યાત થવાની જરૂર છે. વિનમ્રતા અને સત્યનિષ્ઠાના ગુણો જાળવી રાખીને રાજકીય પ્રણાલિ મારફતે સમાજમાં પરિવર્તન લાવવું શક્ય છે. બ્રિટનમાં આપણે જેમ સુરક્ષિત અને સમૃદ્ધ રહ્યા તેવી રીતે આપણી ભાવિ પેઢીઓને રાખવા માટે તેમના ભાવિ વિકલ્પો પર આપણે પ્રભાવ પાડી શકીએ તેવું તેમનું સ્થાન હોય તે ખૂબ મહત્ત્વનું છે. હાલમાં ચોક્કસપણે તેવું થતું નથી.
પુસ્તકમાં તેમના જીવનમાં આવેલા ચડાવ-ઉતાર અને પોતાના જીવનના સૌથી કપરા સમય વિશે મોકળા મને વાત કરવાની તેમની હિંમત મને ખૂબ સ્પર્શી ગઈ. બ્રિટનના વાણિજ્યિક અને રાજકીય પટલ પર પોતે ગેમ ચેન્જર હોવા છતાં એક એક્ટિવિસ્ટ તરીકે તેમણે કરેલા અકલ્પનીય પ્રયાસોથી મને નવાઈ લાગી. પોતાના પ્રયાસોની વાત પણ તેઓ વિનમ્રતાપૂર્વક કરે છે.
ગાંધીજીએ વિશ્વને બદલી નાખ્યું તેવા જ ગાંધીવાદી મૂલ્યો આપણા ગુજરાતીઓના ડીએનએમાં હોય છે અને આપણે પણ દુનિયા બદલી શકીએ. કદાચ તેમણે જેટલું બદલ્યું તેટલું નહીં, પરંતુ સત્ય, પ્રેમ અને કરુણા સાથે આપણે જે પણ નાનું પગલું ભરીએ તે વિશ્વને સારું સ્થળ બનાવે છે. આપણે માત્ર બ્રિટન જ નહીં દુનિયાને શ્રેષ્ઠ બનાવી શકીએ. આ પુસ્તકે મને એ સમજ આપી કે વિશ્વને શ્રેષ્ઠ બનાવવા હું એકલી જ સંઘર્ષ કરતી નથી. અન્ય લોકોએ પણ સંઘર્ષ કર્યો છે અને સફળ થયા છે.
થીકા રિયુનિયન કાર્યક્રમમાં અમે અમારા પુસ્તકોનું પ્રમોશન કરતાં હતા ત્યારે મને ડોલર પોપટને મળવાનું સદભાગ્ય સાંપડ્યું. તે ઈવેન્ટમાં મેં મારું 'BEST OF THREE WORLDS' પુસ્તક પ્રમોટ કર્યું હતું.

