દરરોજ રાત્રે ૯ કલાકથી વધુ ઉંઘતા અને દિવસે લાંબા સમયનું ઝોકું લેતા લોકોને ઓછું ઉંઘતા લોકોની સરખામણીમાં સ્ટ્રોકની શક્યતા ૨૫ ટકા વધુ રહેતી હોવાનો અભ્યાસમાં દાવો કરાયો હતો. જોકે, રાત્રે સાત કલાકથી ઓછી ઉંઘ લેનાર વ્યક્તિને સ્ટ્રોકનું જોખમ વધવાની શક્યતા રહેતી નથી. પરંતુ, જે લોકો ખૂબ ઓછું ઉંઘે છે તેમને સ્ટ્રોકની શક્યતા ૨૯ ટકા વધી જાય છે.
સંશોધકોએ ચીનના સરેરાશ ૬૨ની વયના ૩૧,૭૫૦ લોકોનો અભ્યાસ કર્યો હતો. આ લોકોને અગાઉ સ્ટ્રોક અથવા અન્ય કોઈ મોટી બિમારી ન હતી. તેમનો સરેરાશ છ વર્ષ સુધી અભ્યાસ કરાયો હતો. તે સમયે સ્ટ્રોકના ૧,૫૫૭ કેસ બન્યા હતા.
તેમને રાત્રે સૂવાની ટેવ અને દિવસ દરમિયાન તેઓ ઝોકું ખાય છે કે કેમ અને ઝોકું ખાતા હોય તો કેટલા સમય માટે તેવા પ્રશ્રો પૂછાયા હતા. સંશોધકોએ જણાવ્યું હતું કે ચીનમાં બપોરે સૂવાની ટેવ સામાન્ય છે.
તે પૈકી ૨૪ ટકાએ જણાવ્યું હતું કે તેઓ દરરોજ રાત્રે નવ કલાકથી વધુ ઉંઘે છે જ્યારે નવ ટકાએ બપોરે દોઢ કલાકથી વધુ સમય માટે સૂતા હોવાનું જણાવ્યું હતું.
અમેરિકન એકેડેમી ઓફ ન્યૂરોલોજીના મેડિકલ જર્નલ ‘ન્યૂરોલોજી’માં પ્રકાશિત થયેલા અભ્યાસમાં જણાયું હતું કે રાત્રે નવ કલાકથી વધુ ઉંઘતા લોકોને સાત અને આઠ કલાક વચ્ચેની ઉંઘ લેતા લોકો કરતાં સ્ટ્રોકનું જોખમ ૨૩ ટકા વધુ રહે છે. જે લોકો સાત કલાકથી ઓછું અને આઠથી નવ કલાક વચ્ચેની ઉંઘ લેતા હતા તેમને બહુ જોખમ ન હતું.
અભ્યાસમાં જણાયું હતું કે દરરોજ બપોરે દોઢ કલાક કે તેથી વધુની ઉંઘ લેતા લોકોને દરરોજ બપોરે એકથી ૩૦ મિનિટ વચ્ચેની ઉંઘ લેતા લોકો કરતાં સ્ટ્રોકનું જોખમ ૨૫ ટકા વધુ રહે છે. બપોરે ઝોકું ન ખાતા લોકોમાં સ્ટ્રોકનું જોખમ વધતું નથી.
આ અભ્યાસના લેખક અને ચીનના વુહાનની હુઆઝોંગ યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજીના ડો. ઝાઓમિન ઝાંગે જણાવ્યું હતું કે અગાઉના અભ્યાસોમાં જણાયું હતું કે લાંબા ઝોકાં ખાનારા અને લાંબી ઉંઘ લેતાં લોકોના કોલેસ્ટ્રોલના પ્રમાણમાં બિનસલામત ફેરફાર થાય છે અને કમરનો ઘેરાવો વધી જાય છે જે સ્ટ્રોક માટેના જોખમી લક્ષણો છે. વધુમાં લાંબા ઝોકાં અને ઉંઘને લીધે જીવનશૈલી એકંદરે નિષ્ક્રિય થાય છે જે સ્ટ્રોકના જોખમને વધારે છે.
અગાઉના અભ્યાસોમાં સૂચવાયું હતું કે વધુ પડતી ઉંઘને લીધે કાર્ડિયોવાસ્ક્યુલર રોગો, ડાયાબિટીસ અને સ્થૂળતાનું જોખમ વધી શકે.

