વડીલો સહિત સહુ વાચક મિત્રો, વીત્યો શનિવાર મારા માટે કંઇક વધુ પડતો વ્યસ્ત પુરવાર થયો. મારે એક કરતાં વધુ કાર્યક્રમોમાં હાજરી આપવાની હતી. (જોજો બાપલ્યા, આ વાતને રખે ફરિયાદ માની લેતા... હું વ્યસ્તતા અંગે ફરિયાદ નથી કરતો, પરંતુ આપ સહુને સ્વ-જન ગણતો હોવાથી જસ્ટ એમ જ જાણકારી આપી રહ્યો છું. આ બંદાને તો લોકોને હળવા-મળવાનું, તેમની સાથે વિચારોનું આદાનપ્રદાન કરવાનું ગમે છે એ તો આપ સહુ જાણો જ છો...) આમાંનો એક કાર્યક્રમ પ્રાર્થનાસભાનો હતો.
સેન્ટ્રલ લંડનમાંથી બાઉન્ડસગ્રીન ટ્યુબ સ્ટેશને પહોંચતા આશરે અડધો કલાક લાગ્યો. વિચારતો હતો કે શ્રી વિનુભાઇ સચાણિયાને ત્યાં છેલ્લા કેટલા વર્ષોથી આ પ્રકારે સ્વ. પંકજભાઇ ત્રિવેદીની પૂણ્યતિથિએ પ્રાર્થનાસભા યોજાય છે. શું થયું? કેમ થયું? એ વિશે વધુ વિગતે લખવાની ખાસ જરૂર જણાતી નથી. એક સંસ્થાની નીતિરીતિ સામે અવાજ ઉઠાવવાના પંકજભાઇ કે તેમના સાથી-સમર્થકોએ કેવા માઠાં પરિણામ ભોગવવા પડ્યા છે તે આખી દુનિયા જાણે છે.
૧૩ વર્ષ અગાઉની વાત છે. એક સમયે સ્વાધ્યાય પરિવારના ચુસ્ત સમર્થક - અનુયાયી એવા સ્વ. પંકજભાઇ સહિતના એક વર્ગે સંસ્થાની કાર્યપદ્ધતિ સામે કંઇકેટલાય કારણસર જાહેરમાં અવાજ ઉઠાવ્યો. વિરોધ નોંધાવ્યો. ભારત જેવા એક લોકશાહી દેશના નાગરિક તરીકે આ તેમનો મૂળભૂત અધિકાર હતો, પણ તેમની કરપીણ હત્યા થઇ. પોલીસ તપાસમાં હત્યારાઓના નામ ખૂલ્યાં. કેટલાક પકડાયાં. કેસ કોર્ટમાં તો પહોંચ્યો, પણ પછી કંઇ આગળ થયું જણાતું નથી. સદ્ગત પંકજભાઇની પ્રાર્થનાસભા સાથે જોડાયેલા આ બધા ઘટનાક્રમ સંદર્ભે મનોમંથન ચાલતું હતું ને પહોંચી ગયો મુકામ પર.
પ્રાર્થનામાં દૂર-સુદૂરના વિસ્તારોમાંથી આવેલા ૩૫થી ૪૦ ભાઇઓ-બહેનો ઉપસ્થિત હતા. આમાંના મોટા ભાગના એક સમયે સ્વાધ્યાય પરિવાર સાથે સંકળાયેલા હતા. શ્રીમતી મીનાબહેન અમીને ‘સરવાળો માંડજો’ ગીત-ભજન સુંદર રીતે ગાઇ સંભળાવ્યું. આપ સહુ સુજ્ઞ વાચક મિત્રો માટે પણ આ સુંદર કૃતિ સાદર કરી રહ્યો છું. આ કૃતિ વાંચતા જ આપના દિલોદિમાગમાં પણ વિચારવલોણું શરૂ થઇ જશે અને કેટલીય ઘટનાઓ પણ નજર સમક્ષ તરવરવા લાગે તો નવાઇ નહીં.
પ્રાર્થનાસભા દરમિયાન ગુજરાતી ભાષાના સુપ્રસિદ્ધ લેખક-વિચારક અને - સવિશેષ તો - જાગ્રત સાહિત્યસાધક શ્રી ગુણવંતભાઇ શાહે વડોદરાં બેઠાં બેઠાં - ટેલિફોન પર - મનનીય ઉદ્બોધન કર્યું. તેમણે આ દુઃખદ ઘટનાનો ચિતાર રજૂ કર્યો. કોઇ બાહુબલિ, મસલપાવર ધરાવતી ધાર્મિક (!) સંસ્થા કે સંગઠન સામે અવાજ ઉઠાવવાથી જાન પર ખતરો મંડરાતો હોય છે. આ કડવી સચ્ચાઇ સહુ કોઇ જાણે છે, અને આમ છતાં કેટલાક કાળાં માથાનાં માનવી એવા પણ હોય છે જે સમાજના હિતને મધ્યનજર રાખીને પોતાના જાનની ચિંતા કર્યા વગર, પરિણામની પરવા કર્યા વગર વિરોધનો ઝંડો ઉઠાવી લેતા હોય છે. સ્વ. પંકજભાઇ પણ આવા જ હતા.
આ જ પ્રકારે આધુનિક ભારતના મુઠ્ઠીઉંચેરા ભગવાધારી પૂજ્ય સ્વામી સચ્ચિદાનંદજી, ગુણવંતભાઇ શાહ અને આ પ્રાર્થનાસભાના યજમાન એવા વિનુભાઇ સચાણિયા પણ સંસ્થા સામે અવાજ ઉઠાવવા બદલ નિશાન બની ચૂક્યા છે. જોકે આ છતાં આવા માડીજાયાઓ સત્યને કાજે, સિદ્ધાંતને ખાતર, મૂલ્યોના જતન માટે સગવડિયું મૌન ધારણ કરવાથી હંમેશા દૂર રહ્યા છે. સમાજને ખાતર જાનનું જોખમ ઉઠાવતાં પણ ન ખચકાયેલા સ્વ. પંકજભાઇને શ્રદ્ધાસુમન અર્પવા દર વર્ષે નિષ્ઠાપૂર્વક પ્રાર્થનાસભા યોજતા વિનુભાઇ અને તેમના પરિવારજનો, મિત્રો-સમર્થકોને આપણે સહુએ બિરદાવવા જ રહ્યા.
મારે અન્યત્ર પહોંચવાની ઉતાવળ હોવાથી પ્રસાદ માટે રોકાઇ ન શક્યો. અને વળતી સફર શરૂ થઇ. પોણોએક કલાકની ટ્યુબની મુસાફરી હતી.
તન ટ્રેનમાં હતું, અને મનમાં વિચારોના ઘોડા ભારત, ગુજરાત - અમદાવાદ, મુંબઇમાં દોડાદોડી કરતા હતા. અલબત્ત, આ બધી યાદો વ્યથિત કરી દે તેવી હતી, માનસિક પરિતાપ વધારે તેવી હતી કેમ કે તેના કેન્દ્રબિંદુમાં સ્વ. પંકજભાઇ ત્રિવેદીનો અકાળે અંત અને તેની સાથે સંકળાયેલો ઘટનાક્રમ હતો. આ બધા વચ્ચે માનસપટ પર ઉપસી પ્રાર્થનાસભામાં સાંભળેલી રચના. અને જાણે દિલોદિમાગમાં ઠંડો છમકારો થયો. આ આધ્યાત્મિક કૃતિના રચયિતા કવિશ્રી સ્વ. ઈન્દુભાઇ પોપટાણીએ એકદમ સાદી ભાષામાં જીવનની કઠણાઇઓ રજૂ કરવાની સાથોસાથ તેનો અકસીર ઉપાય પણ સૂચવ્યો છે. તેઓ કહે છે કે ભલેને ગમેતેવી આધિ-વ્યાધિ-વિપદા વચ્ચે રહેવાનું હોય, પણ સ્વ-અધ્યાયથી જીવન સુંદર બનાવી શકાય છે.
કૃતિની ચોથી પંક્તિમાં કવિશ્રીએ પ્રભુના નામે થતાં ગોરખધંધા, બનાવટ, છેતરપિંડી વિશે રજૂઆત કરી છે. આપણો સનાતન ધર્મ હોય કે પછી અન્ય કોઇ પણ ધર્મ, દરેક જગ્યાએ આ રોગે પગપેસારો કર્યો છે. સહુ કોઇને પરમ કૃપાળુ પરમાત્માના નામે ચરી ખાવું છે. આખી દુનિયામાં આ દૂષણ ફરી વળ્યું છે. બનાવટ, આડંબર, છળકપટ કરીને કોઇ પણ ભોગે સામેવાળાનું આંચકી લેવાની મનોવૃતિ લોકોમાં પ્રસરી રહી છે. પછી તે ધર્મ ક્ષેત્ર સાથે સંકળાયેલી વાત હોય કે અન્ય ક્ષેત્રની.
વાચક મિત્રો, આપ સહુ નોંધ લેશો તો જણાશે કે દરેક ક્ષેત્રે આ બદી વ્યાપ્ત છે. સામે વાળાને કેમ કરીને યેનકેન પ્રકારેણ બાટલામાં ઉતારવો તેની જ પેરવી થતી જોવા મળે છે. આવા બધા અસામાજિક પરિબળો વચ્ચેથી કેમ કરીને આપણે આપણી જાતને, આપણા સમુદાયને, આપણા સમાજને બચાવી શકીએ તે સવાલ છે. જોકે ‘સરવાળો માંડજો!’ના સર્જક આ બધામાંથી બચવા માટે પોતાની રીતે સરસ સૂચન કરતા કહે છેઃ સ્વાધ્યાયથી જીવનને સુંદર બનાવજો.
પોપટાણી સાહેબની વાતમાં દમ તો છે હોં... લગારેય તેમના શબ્દોની ઉપેક્ષા થઇ શકે તેમ નથી. મેં આકુળવ્યાકુળ મન સાથે કોટના ગૂંજામાં હાથ નાંખ્યો અને હળવેકથી ‘ગીતાધ્વનિ’ નામે નાનકડી પુસ્તિકા બહાર કાઢી. કિશોરલાલ ઘનશ્યામલાલ મશરુવાલા રચિત આ કૃતિ છે નાની, પણ રાઇના દાણા જેવી છે. સનાતન ધર્મના આદર્શ ગ્રંથ ગણાય તેવા શ્રીમદ્ ભગવદ્ ગીતાનો આ સમશ્લોકી અનુવાદ છે. આપણે સહુએ ભગવદ્ ગીતાનો બોધ-ઉપદેશ એક નહીં અનેક વખત સાંભળ્યો હશે, પરંતુ વાસ્તવિક જીવનમાં તેનો અમલ કેટલા કરતાં હશે તે લાખ રૂપિયાનો સવાલ છે. તો ધર્મના નામે ચાલતા ધતિંગમાંથી બચવાનો ઉપાય શું?
શ્રદ્ધા... ઈશ્વરમાં અતૂટ આસ્થા રાખો. શ્રદ્ધાનો દીવો ટમટમતો રહેશે તો ગમેતેવા ઘોર અંધકારમાં પણ માર્ગ મળી રહેશે. સહસ્ત્રાબ્દિ પુરાણો આપણો ધર્મ હોય કે પછી અન્ય કોઇ પણ ધર્મપ્રણાલિ - સહુ કોઇને આ વાત લાગુ પડે છે. પેલું ભજન યાદ છે ને?!
નૈયા ઝુકાવી મેં તો જોજે ડુબી જાય ના
ઝાંખો ઝાંખો દિવો મારો જોજે રે બુઝાય ના...
અગાઉ આ જ કોલમમાં હું આ આખું ભજન રજૂ કરી ગયો છું, પરંતુ આજે ભલે ફરી એક વખત થઇ જાય. મારા માટે તો આ ભજન હૈયે પણ મઢાયેલું છે, અને હોઠે પણ. ધર્મ કોઇ પણ હોય, તેના નામે આચરાતા કોઠાકબાડા વચ્ચે ઇશ્વર પ્રત્યેની આસ્થા ટકાવી રાખવામાં આ ભજન બહુ ઉપયોગી થઇ પડે તેવું છે. તેની એક એક કડી, એક એક પંક્તિ વાંચી લો, આપ સહુને મારા શબ્દોમાં સમાયેલા આગ્રહનું કારણ સમજાઇ જશે. હું જાણું છું કે આ બધું કહેવું સહેલું છે, તેને અમલમાં મૂકવું અઘરું છે. પરંતુ તમે જ કહો, ધર્મ ક્ષેત્રે ફેલાયેલી આવી બદીનું નિવારણ શું છે?
આજે દરેક ધર્મમાં ક્યાંકને ક્યાંક એવા પ્રચારકો, વડેરાઓ, ગુરુઓ જોવા મળશે જેઓ ધર્મના નામે ભક્તો, શ્રદ્ધાળુઓને ગેરમાર્ગે દોરતા રહે છે અને પોતાનું તરભાણું ભરતા રહે છે. હજારો વર્ષ પૂર્વે રચાયેલા અને હિન્દુ ધર્મનું મૂળ ગણાતા ઉપનિષદનો આ એક બહુ જ જાણીતો શ્લોક છેઃ
ઈશાવાસ્યમ ઈદમ સર્વમ
યત્કિંચીત જગત્યાંજગત
તેન ત્યકતેન ભુંજિથા
મા ગૃધઃ કસ્યસ્વિદ્ ધનમ્
(અર્થાત્ આ બ્રહ્માંડમાં સજીવ અથવા નિર્જિવ સર્વ પદાર્થો ઈશ્વર દ્વારા નિયંત્રિત અને સ્વામીત્વ હેઠળ છે. આથી વ્યક્તિએ પોતાના માટે આવશ્યક હોય તે જ વસ્તુ સ્વીકારવી જોઈએ, જે તેના માટે નિયત હિસ્સા તરીકે અલગ રખાઈ હોય. અન્ય વસ્તુઓ અન્ય કોઈના હિસ્સાની હોય તે જાણીને તે સંપત્તિ હાંસલ કરવાનો પ્રયાસ ન કરવો જોઈએ.)
મારે - તમારે કે ધરમના ધંધો કરતા આપણા ગુરુઓએ, ધર્મ પ્રચારકોએ ક્યારેય ન ભૂલવું જોઇએ કે શઠવૃત્તિ ધરાવતી વ્યક્તિ વહેલાં કે મોડાં ખુલ્લી પડે જ છે. અને ધારો કે ગોબાચારી છતી ન થાય તો પણ અંતરાત્મા તો કેડો મૂકવાનો જ નથી એ નક્કી છે. વ્યક્તિને જીવનના અંતિમ શ્વાસે પણ એ વાતનો ખ્યાલ આવી જ જતો હોય છે કે તેણે આખી જિંદગી જે કંઇ કર્યું છે, જે કંઇ દુરાચાર આચર્યો છે - પછી તે ધર્મના નામે હોય કે અન્ય નામે - તે બધું નિરર્થક હતું, અને છે.
આ તો વાત થઇ ધર્મના નામે અધર્મ આચરનારાઓની. પરંતુ આ લોકો સુધરવા જ ન માગતા હોય તો?! બીજો પણ એક રસ્તો છેઃ જાગૃતિ દાખવવાનો. ધર્મના ઓઠા તળે પાખંડ આચરતા લોકોથી મારા - તમારા જેવા લોકો, પરમ કૃપાળુમાં શ્રદ્ધા ધરાવતા લોકો પણ બચી શકે છે. આ માટે જરા તમારી સમજદારીને કામે લગાડો, દરેક વ્યક્તિમાં સાચું-ખોટું પારખવાની એક કુદરતી શક્તિ હોય છે તેનો ઉપયોગ કરો, અંતરસૂઝથી કામ લો. બસ, દૂધનું દૂધ થઇ જશે ને પાણીનું પાણી.
અંતમાં એટલું જ કહીશ કે પોતાના ધર્મમાં શ્રદ્ધા જરૂર રાખો, પરંતુ તેના નામે ચરી ખાતા લોકોમાં અંધશ્રદ્ધા ન રાખો. તમે ભલે જે કોઇ પણ ધર્મ પાળતા હો, માત્ર આટલી સાવચેતી દાખવશો તો તે પણ તમારા ધર્મની સૌથી મોટી સેવા હશે, અર્ચના હશે.
•••
સરવાળો માંડજો
(કવિ સ્વ. ઈન્દુભાઈ પોપટાણી)
આ જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો !
મનને મેતાજી કરી કામે લગાડજો.. આ જિંદગી
આજ સુધી જીવ્યા છો કેટલું ને કેવું?
કેટલી કમાણી કરી કેટલું છે દેવું?
કાઢી સરવૈયું કોઇ સંતને બતાવજો. આ જિંદગી
કેટલી સુધારી વૃતિ કેટલી બગાડી ?
કયા પાટે ચાલી રહી છે જિંદગીની ગાડી ?
પ્રભુ-પંથ પામવાને પાટા બદલાવજો. આ જિંદગી
જમા ને ઉધાર તણો કાઢજો તફાવત;
કેટલી પ્રભુના નામે કરી છે બનાવટ!
એક એક પાનું ચિંતનથી ચકાસજો! આ જિંદગી
કંઠી પહેરીને કંઠ કેટલાના કાપ્યા ?
માળાના મણકામાં માધવને માપ્યા!
તિલકથી બુદ્ધિની શુદ્ધિ વધારજો! આ જિંદગી
ગીતાની વાત કહો કેટલી પચાવી?
કેટલી કુટેવ કાઢી કેટલી બચાવી?
સ્વાધ્યાયથી જીવનને સુંદર બનાવજો! આ જિંદગી
•••
પ્રાર્થના...
નૈયા ઝુકાવી મેં તો જોજે ડુબી જાય ના
ઝાંખો ઝાંખો દિવો મારો જોજે રે બુઝાય ના
સ્વારથનું સંગીત ચારે કોર બાજે
કોઈ નથી કોઈનું દુનીયામાં આજે
તનનો તંબુરો જોજે બેસુરો થાય ના
ઝાંખો ઝાંખો દીવો...
પાપ ને પુણ્યના ભેદ રે ભૂલાતા
રાગ ને દ્વેષ આજે ઘટ ઘટ ઘુંટાતા
જોજે આ જીવનમાં ઝેર પ્રસરાય ના
ઝાંખો ઝાંખો દીવો...
શ્રધ્ધાના દિવડાને જલતો તું રાખજે
નિશદિન સ્નેહ કેરું તેલ એમાં નાખજે
મનને મંદીર જોજે અંધારું થાય ના
ઝાંખો ઝાંખો દીવો...

