જૈનશ્રેષ્ઠી બિપીનભાઈ કોઠારી. જૈનોના બાવીસમા તીર્થંકર નેમિનાથના પિતરાઇ ભાઈ કૃષ્ણના પરમ ભક્ત છે. મલેશિયાના ઈપો નગરમાં ગોંડલ નજીકના વડિયાના બળવંતભાઈ ૧૯૩૯માં ઈપો આવ્યા. પ્રભાશંકર દોશીના ગારમેન્ટ્સ સ્ટોરમાં નોકરીએ વળગ્યા પણ પછી બીજું વિશ્વયુદ્ધ થતાં ત્યાં જ રહી જવું પડેલું. ૧૯૪૫માં યુદ્ધ પત્યું ત્યારે વિચાર્યું આટલાં વર્ષ કાઢ્યાં છે તો થોડું વધારે રોકાઈને પૈસા કમાઈને જઉં તો સારું! આથી બરાબર દસ વર્ષે ૧૯૪૯માં પૈસાની પોટલી લઈને ૨૪ વર્ષની વડે વડિયા પહોંચ્યા. ૧૯૫૦માં પરણ્યા અને હવે એકને બદલે બેનું પૂરું કરવાનું તેથી પાછા પત્ની સરોજબહેન સાથે સિંગાપોર પહોંચ્યા.
આજે સિંગાપોર અને મલેશિયા અલગ અલગ છે, પણ તે જમાનામાં મલેશિયા અને સિંગાપોર બ્રિટિશ શાસનમાં મલાયા તરીકે ઓળખાતાં હતાં. આથી સહેલાઈથી સમગ્ર પ્રદેશમાં અવરજવર થઈ શકતી.
બળવંતભાઈ ઈપોમાં બળવંતભાઈ મગનલાલ કામદાર સાથે ૧૯૫૨માં ભાગીદાર થયા. આ ભાગીદારી છેક ૧૯૮૦ સુધી ચાલી. મજાની વાત એ છે કે બંને ભાગીદારીમાં પોતાનાં અને પિતાના નામ અને અટક સરખાં હતાં. મગનલાલ વડિયા દરબારના કોઠારી બન્યા ત્યાર પહેલાં એમની અટક કામદાર હતી. જે કોઠારી બનતાં અટક કોઠારી રાખેલી!
બળવંતભાઈના છ સંતાન. ચાર દીકરી અને બે દીકરા. આમાં મોટા દીકરા તે બિપીનભાઈ ૧૯૫૩માં જન્મેલા. બિપીનભાઈ ૧૯૭૦માં સિનિયર કેમ્બ્રિજ થયા. પિતાની ભાગીદારીવાળી કંપનીમાં સિંગાપોરમાં બે વર્ષ કામ કરીને ઘડાયા. પછી પેનાંગમાં કામ કર્યું અને ૨૪ વર્ષની વયે તરુલત્તાબહેનને પરણ્યા.
બિપીનભાઈ જીવદયાનો સંસ્કાર વારસો ધરાવે છે. ઈપોમાં બી. એસ. કામદાર એન્ડ કંપનીના તેઓ માલિક છે. ઈપોમાં ભાત-ભાતના કાપડ તે વેચે છે. ઈપોની વેપારીઆલમમાં બિપીનભાઈનું આગવું સ્થાન છે.
ઈપોમાં વસતી મુખ્યત્વે ઉત્તર ભારતીય અને દક્ષિણ ભારતીય એવા બે ભાગમાં વહેંચાયેલી છે. પંજાબી, રાજસ્થાની, મધ્ય પ્રદેશવાસી અને ગુજરાતી, જે કૃષ્ણભક્ત છે અને કૃષ્ણમંદિરમાં જાય છે. દક્ષિણ ભારતીય લોકોએ ગણેશમંદિર ઊભું કર્યું છે અને તેમાં જાય છે.
જૈનશ્રેષ્ઠી બિપીનભાઈ કોઠારી કૃષ્ણમંદિરમાં વિવિધ હોદ્દા પર રહી ચૂક્યા છે. તેઓ ખજાનચી, મંત્રી, ઉપપ્રમુખ અને પ્રમુખ બની ચૂક્યા છે. આજે તેઓ કારોબારીના સભ્ય છે. છેલ્લાં ૩૦ વર્ષથી તેઓ કૃષ્ણમંદિરમાં તન-મન અને ધનથી ઘસાતા અને સક્રિય રહ્યા છે.
કૃષ્ણ મંદિરના વર્ષભરના કાર્યક્રમોનું આયોજન કરવામાં આગેવાની સંભાળતા રહ્યા છે. અનાથ બાળકોને મંદિરમાં બોલાવીને તેઓ જમાડે અને તેમના અભ્યાસમાં આર્થિક રીતે મદદરૂપ થાય છે. ઈપોના વૃદ્ધાશ્રમમાં તેઓ સામાન્ય રીતે વર્ષમાં છ વાર સો જેટલા વૃદ્ધોને ફૂડ પેકેટ આપે છે. જૈન ધર્મમાં જીવદયાનો અર્થ મુખ્યત્વે પશુ-પંખી તરફની દયા કરતા હોય છે એને બદલે જૈનશ્રેષ્ઠી કૃષ્ણભક્ત બિપીનભાઈ અન્નદાન અને વિદ્યાદાનને જીવદયાનો ભાગ ગણીને તે માટે દાન આપે છે અને ખર્ચ કરે છે.
નાનપણમાં મા-બાપ સાથે અથવા એકલા પંખીઓ માટે ચણ લઈને મંદિરમાં નાખવા જતા આ જીવદયાનો વારસો તેમને મળ્યો હતો. આ વારસાએ મંદિર તરફ મમતા પ્રેરી. મંદિર સાથેનો સંબંધ ગાઢ થયો. મંદિરના પુનરોદ્ધાર વખતે ફંડ ભેગું કરવામાં તેમણે સક્રિય ભાગ ભજવ્યો હતો.
બિપીનભાઈના મોટા પુત્ર હીરેનકુમાર લંડનમાં ભણી બી.એ. ઓનર્સ થયા છે અને તેમણે બિપીનભાઈનો ભાર હળવો કર્યો છે. નાનો પુત્ર મનિષ સિંગાપોરના ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં મેનેજર છે. આને કારણે નચિંત બિપીનભાઈ જાહેર સેવા અને કૃષ્ણ મંદિરની સેવામાં વધારેને વધારે ખૂંપતા જાય છે.
