બિશ્કેક સંમેલનમાં પણ ભારતની સફળ કૂટનીતિ

Wednesday 19th June 2019 06:22 EDT
 

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એક વખત આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતના દબદબાને સ્પષ્ટ કર્યો છે. તાજેતરની ચૂંટણીમાં વધુ શક્તિશાળી બનીને ઉભરેલા નમોએ કિર્ગિસ્તાનના બિશ્કેકમાં યોજાયેલા શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઈઝેશન (એસસીઓ) સંમેલનમાં આતંકવાદને સૌથી મોટો પડકાર ગણાવવા સાથે જ આતંકવાદને પોષતા દેશો સામે કડક પગલાં જરૂરી હોવાનું કહ્યું છે. મોદીએ સંબોધનમાં શ્રીલંકામાં ભારતીય નાગરિકો સહિત અસંખ્ય લોકોએ જાન ગુમાવ્યો તે ઇસ્ટર સિરિયલ બોમ્બ વિસ્ફોટોના ઉલ્લેખ સાથે આતંકવાદના નિષ્ઠુર ચહેરાની વાત કરવા સાથે મહાસત્તાઓ રશિયા અને ચીન સહિતના દેશોની હાજરીમાં આતંકવાદની ચર્ચા માટે આંતરરાષ્ટ્રીય સંમેલન યોજવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. પરિણામે એસસીઓના સંકલ્પપત્રમાં તમામ દેશોએ આતંકવાદ વિરુદ્ધ એકસંપ થઈને લડવાનું સ્વીકાર્યું છે. આતંકવાદમુક્ત સમાજ અને નૂતન વિશ્વના મોદીના નારાને સભ્ય દેશોએ મને કે કમને વધાવ્યો છે. આ જ્વલંત સફળતાએ પાકિસ્તાનને લપડાક જ મારી છે.
વડા પ્રધાન પદે શપથ લીધાના ટુંક સમયમાં જ નરેન્દ્ર મોદીની વિદેશ યાત્રાનો સિલસિલો શરૂ થયો છે. અત્યાર સુધી તેમની વિદેશ યાત્રાઓનો વિરોધ કરવા સાથે તેની સફળતા અને પરિણામોને નજરઅંદાજ કરાય છે. પરંતુ કોઇએ એ ન ભૂલવું જોઇએ કે વિદેશી નેતાઓ સાથેના મોદીના સંબંધોના કારણે જ પાકિસ્તાનને વિશ્વમંચ પર એકલાઅટુલા પાડી દેવાનું શક્ય બન્યું છે. બિશ્કેક સંમેલનમાં પણ ભારતની આ જ કૂટનીતિ સફળ નીવડી છે તેમાં કોઈ શંકા નથી.
પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાન ભારત સાથે વાર્તાલાપ શરૂ થાય તે માટે લગભગ કાલાવાલાં કરી રહ્યા છે, પરંતુ વડા પ્રધાન મોદીએ તેને નજરઅંદાજ જ કર્યા છે. બિશ્કેકમાં પણ હાય-હલો જેવા શિષ્ટાચાર સિવાય ઈમરાન ખાનને કોઈ મહત્ત્વ આપ્યું નથી. ઈમરાન ખાને નામોલ્લેખ વિના જૂનોપુરાણો કાશ્મીર રાગ આલાપવાની કોશિશ તો કરી, પરંતુ તેમની પિપૂડી વાગી નથી. આનાથી વિપરીત, મોદીએ આતંકવાદને પોષતા અને ભંડોળ આપતા દેશો સામે કડક પગલાં ભરવાનું જણાવીને કોથળામાં પાંચશેરી ફટકારી હતી. મોદી સીધા બિશ્કેક પહોંચી શકે તે માટે ઈમરાને પાકિસ્તાનની એરસ્પેસ પણ ખોલી આપી હતી. જોકે, મોદીએ ઉપકાર લીધા વિના તુર્કમેનિસ્તાન અને તઝાકિસ્તાનના લાંબો રૂટ થકી કિર્ગિસ્તાન પહોંચવાનું પસંદ કર્યું હતું. આ કહેવાના બદલે કરી બતાવવાની મોદી સ્ટાઈલ છે.
બિશ્કેક સંમેલનમાં ચીનના પ્રમુખ શી જિનપિંગ અને રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે પણ બેઠકો યોજાઈ હતી. જિનપિંગે પાકિસ્તાન વતી વાર્તાલાપ કરવાની અને સંમેલનમાં આતંકવાદનો મુદ્દો ન ઉઠાવવાની વિનંતી કરી જોઈ, પરંતુ તેઓ ફાવ્યા નથી. ચીનને સ્પષ્ટ સંભળાવી દેવાયું છે કે પાકિસ્તાન આતંકવાદને પાળવા-પોષવાનું નહીં કરે ત્યાં સુધી તેમની સાથે મંત્રણા નહીં જ થાય. પાકિસ્તાન બન્ને દેશો વચ્ચે વાતચીત થાય તેવું વાતાવરણ જ ન બનાવી શક્યું નથી. આતંકવાદને પોષણ, શરણ અને સમર્થનની સાથે ભારતને મંત્રણામાં ઉલઝાવી રાખવાની પાકિસ્તાનની બેવડી નીતિને ભારતના નવા એજન્ડામાં જરા પણ સ્થાન નથી. મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાની ભારતની માગણીને સમર્થન મુદ્દે ચીનને વલણ બદલવાની ફરજ પડયા પછી ચીન અને ભારતના સંબંધોમાં થોડો સુધારો આવ્યો છે.
વિશ્વમંચ પર ભારત અનોખું સ્થાન ધરાવે છે. ભારત સાથેના સંબંધોને વધુ ઉષ્માપૂર્ણ બનાવવા ત્રણ મહાસત્તાઓ ચીન, રશિયા અને અમેરિકા વચ્ચે જાણે સ્પર્ધા ચાલે છે. જાપાનના ઓસાકામાં યોજાનારી જી-૨૦ સમિટમાં પણ ચીન, રશિયા અને ભારત વચ્ચે એક વિશેષ બેઠક આવતા સપ્તાહે યોજાવાની છે. રશિયન પ્રમુખ પુતિન સાથે મુલાકાતમાં મોદીએ અમેઠીમાં રાઇફલના ઉત્પાદનમાં મદદ બદલ રશિયાનો આભાર માન્યો છે. તો પુતિને પણ રશિયામાં સપ્ટેમ્બરમાં યોજાનાર ઇસ્ટર્ન ઇકોનોમિક ફોરમમાં મુખ્ય મહેમાન તરીકે મોદીને આમંત્રણ આપ્યું છે. આને ભારતની કૂટનીતિનો વિજય જ ગણવો રહ્યો.


comments powered by Disqus