પશ્ચિમ બંગાળમાં મુખ્ય પ્રધાન મમતા બેનરજી અનેક મોરચે જંગ ખેલી રહ્યાં છે. લોકસભાની ચૂંટણીમાં અનપેક્ષિત પરિણામો અને વિશેષતઃ તેમનાં ગઢસમાન રાજ્યમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહની વ્યૂહરચના થકી ભાજપએ તૃણમૂલ કોંગ્રેસના કાંગરા ખેરવ્યા છે તેનાથી તેઓ ચોંકી ગયાં છે. ભાજપ પશ્ચિમ બંગાળમાં પોતાનો વ્યાપ વધારી શકે તે તેમની સમજમાં હજું ઉતર્યું નથી. આથી જ, મમતા એમ કહી રહ્યાં છે કે તેઓ બંગાળને ગુજરાત બનવા દેશે નહિ.
ભાજપ અને તૃણમુલ કોંગ્રેસ વચ્ચે લોકસભા ચૂંટણીના સમયથી જ વિવાદ ચાલે છે. ચૂંટણી પ્રચાર, મતદાન અને પરિણામ આવ્યા પછી પણ હિંસા ચાલી રહી છે. બંનેની નજર ૨૦૨૧માં થનારી વિધાનસભા ચૂંટણી પર છે. મમતાને ‘ડોશી મર્યાનો નહિ પરંતુ, જમ પેંધા પડી જવા’નો ડર છે કે ભાજપ વિધાનસભા ચૂંટણીમાં પણ જીતી જશે.
હવે બંગાળને ગુજરાત ન બનવા દેવાનો અર્થ શું થાય? સમગ્ર દેશ અને વિશ્વમાં પણ ગુજરાતની ગણના આદર્શ રાજ્ય તરીકે થાય છે. ગુજરાત જાણે શાંતિ અને વિકાસનો પર્યાય બની ગયું છે. આની સામે મમતા બેનરજીના શાસનમાં પશ્ચિમ બંગાળ રાજકીય હિંસામાં રાચી રહ્યું છે. ભાજપ ઉપરાંત, કોંગ્રેસ પણ આવી લોહિયાળ હિંસાનો શિકાર બની હોવાના સમાચાર છાશવારે પ્રગટ થતા રહે છે. બંગાળની જનતાએ તૃણમૂલ કોંગ્રેસના શાસન અગાઉ ડાબેરી શાસનમાં પણ ઔદ્યોગિક અશાંતિ અને નક્સલવાદી હિંસાનો અનુભવ કર્યો છે. માત્ર નરેન્દ્ર મોદી અને ભાજપનો વિરોધ કરવા ખાતર રાજ્યની જનતાને સુખાકારી અને શાંતિનો અનુભવ નહિ થવાં દઉં તેવો મમતાદીદીનો હુંકાર કેટલો વાજબી ગણાય?
ગુજરાતની માફક બંગાળની પણ અસ્મિતા છે. બંગાળની સસ્યશ્યામલાં ભૂમિએ નેતાજી સુભાષચંદ્ર બોઝ, કવિવર રવિન્દ્રનાથ ટાગોર, શરદચંદ્ર ચટ્ટોપાધ્યાય, બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય, ડો. શ્યામાપ્રસાદ મુખરજી, સત્યજિત રાય, જગદીશચંદ્ર બોઝ, જેવા આધુનિક યુગપ્રવર્તકો આપ્યાં છે. આ મહામાનવો સંકુચિત મનોદશા ધરાવતા ન હતા. આવી ભૂમિના વર્તમાન શાસક મમતા બેનરજી જો એમ કહે કે બંગાળમાં રહેવું હોય તો બંગાળી ભાષા બોલવી જ પડશે, તો અસ્મિતા કેવી રીતે બચી શકશે? આવી સંકુચિતતા વિકાસ લાવી જ શકે નહિ. બંગાળી બૌદ્ધિકોએ પણ ભાષા અને પ્રાદેશિક રાષ્ટ્રવાદના નામે ઉશ્કેરણીના પ્રયાસને વખોડી નાખ્યો છે તે સારી વાત છે. મમતા બેનરજી કહે છે કે ગુજરાત કે તેની જનતા અથવા બિનબંગાળીઓ સામે તેમને કોઈ વિરોધ નથી પરંતુ, રમખાણો કરાવવાની શાસક માનસિકતાને બંગાળમાં સ્થાન નહિ મળે. આમ કહીને મમતા પોતાના રાજ્યમાં તેમના જ પક્ષના કાર્યકરો દ્વારા આચરાતાં હિંસાચારને અવળા પાટે ચડાવવાની કોશિશ કરી રહ્યાં છે. ગુજરાતના છૂટાંછવાયાં રમખાણો પર કેન્દ્રિત થવાના બદલે વિકાસ પર ધ્યાન આપશો તો પ્રજાનું કલ્યાણ કરી શકશો. બાકી તો કહેવાતી સાદગી અને તેજતર્રાર જબાન મુખ મેં રામ બગલ મેં છૂરી જેવી જ લાગશે.
થોડા સમય પહેલા મમતા બેનરજી ‘જય શ્રી રામ’ના નારા લગાવનારા સામે પણ મમતે ચડ્યાં હતા. બંગાળના મહાઉત્સવ દુર્ગાપૂજા સમયે મહોરમ તહેવાર આવતો હતો ત્યારે મમતાએ હિન્દુભક્તોને મૂર્તિવિસર્જન કરવાની પરવાનગી આપવાનો પણ ઈનકાર કર્યો હતો. જો આવી જ માનસિકતા રહે તો ગુજરાત જેવો વિકાસ બંગાળમાં કેવી રીતે થઈ શકે તે યક્ષપ્રશ્ન છે.
