માંચેસ્ટરમાં ‘સર્જિકલ સ્ટ્રાઇક’ઃ ટીમ ઇંડિયાએ પાક.ને કચડ્યું

Wednesday 19th June 2019 06:04 EDT
 
 

માંચેસ્ટરઃ રોહિત શર્માની શાનદાર સદી પછી બોલર્સની શિસ્તબદ્ધ બોલિંગની મદદથી ભારતે વર્લ્ડ કપના સૌથી હાઇ વોલ્ટેજ મુકાબલામાં પરંપરાગત હરીફ પાકિસ્તાનને ૮૯ રને હરાવ્યું છે. પાક.ને ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગનો નિર્ણય ભારે પડ્યો હતો. ભારતે પાંચ વિકેટે ૩૩૬ રન કર્યા હતા. બાદમાં વરસાદનું વિઘ્ન નડતા પાક.ને ડકવર્થ લુઇ નિયમના આધારે ૪૦ ઓવરમાં ૩૦૨ રનનો ટાર્ગેટ મળ્યો હતો. જોકે તે છ વિકેટે ૨૧૨ રન કરી શક્યું હતું.
વર્લ્ડ કપનો આ હાઇ-પ્રોફાઇલ મુકાબલો જોવા માટે ભારતથી સચિન અને અંજલિ તેંડુલકર, મુકેશ અને નીતા અંબાણી, શાહરુખ અને ગૌરી ખાન, રણવીર સિંહ સહિતના દિગ્ગજ પહોંચ્યા હતા. ભારતથી મહાનુભાવોને લઇ ૧૦ ચાર્ટર્ડ ફ્લાઇટ લંડન પહોંચી હતી.

ભુવનેશ્વરને ઈજા, વિજયની વિકેટ

પેસ બોલર ભુવનેશ્વર ઇજાગ્રસ્ત થતાં તેની ઓવર પૂરી કરવા કોહલીએ વિજય શંકરને બોલ સોંપ્યો હતો. તેણે વર્લ્ડ કપમાં ડેબ્યૂ મેચના પહેલા જ બોલે જ ઇમામ ઉલ હકને એલબીડબ્લ્યુ આઉટ કરીને ભારતને પ્રથમ સફળતા અપાવી હતી. ડેબ્યૂ મેચના પ્રથમ બોલે વિકેટ ઝડપનાર તે પ્રથમ ભારતીય બોલર છે. પછી તેણે ૩૫મી ઓવરમાં અહેમદ (૧૨)ને બોલ્ડ કર્યો હતો.

ભારતનો મજબૂત પ્રારંભ

બેટિંગ માટે સ્વર્ગસમાન પિચ ઉપર લોકેશ રાહુલ (૫૭) અને રોહિત શર્મા (૧૪૦)એ પ્રથમ વિકેટ માટે ૧૩૬ રનની મજબૂત ભાગીદારી નોંધાવી ભારત માટે શાનદાર પ્રારંભ કર્યો હતો. આ પછી કોહલી (૭૭) અને રોહિતે બીજી વિકેટ માટે ૯૮ રન ઉમેર્યા હતા. બાદમાં હાર્દિક પંડયાએ ઝમકદાર ૨૬ રન કર્યા હતા. પાક. તરફથી મોહમ્મદ આમિરે ૪૭ રનમાં ૩ અને હસન અલી અને વહાબ રિયાઝે ૧-૧ વિકેટ ઝડપી હતી.

પાક. ટીમ શરૂઆતથી જ મુશ્કેલીમાં

કપરાં લક્ષ્યાંક તથા વરસાદી માહોલ વચ્ચે રનચેઝ કરવા મેદાને પડેલી પાક. ટીમે માત્ર ૧૩ રનના સ્કોરે ઓપનર ઇમામ ઉલ હક (૭)ની વિકેટ ગુમાવી હતી. આ પછી ફખર ઝમાન (૬૨) તથા બાબર આઝમે (૪૮) બીજી વિકેટ માટે બીજી વિકેટ માટે ૧૦૪ રનની ભાગીદારી નોંધાવી હતી. જોકે તેમની ભાગીદારી સહેજ પણ આક્રમક કે મેચવિનિંગ જણાતી નહોતી. મિડલ ઓર્ડરમાં હફિઝ (૯), કેપ્ટન અહેમદ, મલિક (૦) ટુંકી ઇનિંગ્સ રમીને આઉટ થતાં પાક.નો પરાજય નિશ્ચિત થઇ ગયો હતો. આ પછી વરસાદના કારણે મેચ અટકાવાયો ત્યારે પાક.નો સ્કોર ૩૫ ઓવરમાં છ વિકેટે ૧૬૬ રન હતો.

આમિર-વહાબને વોર્નિંગ મળી

ભારત-પાક. મેચ દરમિયાન પાકિસ્તાનનો ઝડપી બોલ મોહમ્મદ આમિર તેમજ વહાબ પિચ સાથે છેડછાડ કરતા જણાયા હતા. ભારતે ધમાકેદાર શરૂઆત કરી હતી. ઓપનર્સ રોહિત અને રાહુલે પાકિસ્તાની બોલર્સની જોરદાર ધોલાઈ કરી હતી. શરૂની ૨૩ ઓવર સુધી પાક. બોલર્સ ભારતની વિકેટ ઝડપી શક્યા નહોતા. આથી કંટાળી મોહમ્મદ આમિરે પિચ સાથે છેડછાડ કરી હતી. આમિર વારંવાર પિચ પર આવી રહ્યો હતો. બોલર્સને વિકેટની વચ્ચે બનેલી પિચનાં ડેન્જર ઝોનમાં જવાની પરવાનગી નથી હોતી, પરંતુ મોહમ્મદ આમિરને ત્રીજી ઓવરમાં જ અમ્પાયરે ચેતવણી આપી હતી. આમિરે પહેલી ઓવર મેઇડન નાંખી હતી. આમિરને બીજી ચેતવણી ત્રીજી ઓવરમાં પિચનાં ‘ડેન્જર ઝોન’ પર ચાલવા બદલ મળી હતી.

કોહલીના સૌથી ઝડપી ૧૧ હજાર રન

પાકિસ્તાન સામેની મેચમાં કોહલીએ વધુ એક સિદ્ધિ મેળવી હતી. તેણે ઇનિંગ્સનો ૫૭મો રન કરવાની સાથે જ વન-ડે ક્રિકેટના ઇતિહાસમાં ફાસ્ટેસ્ટ ૧૧ હજાર રન પૂરા કર્યા હતા. કોહલીએ આ સિદ્ધિ હાંસલ કરવા ૨૩૦ મેચ રમી છે. તેણે સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો હતો. સચિને ૧૧ હજાર રન પૂરા કરવા માટે ૨૮૪ મેચનો સમય લીધો હતો. કોહલી અને સચિન ઉપરાંત સાત બેટ્સમેનોએ વન-ડે ક્રિકેટમાં ૧૧ હજાર રન બનાવ્યા છે.

નોટઆઉટ છતાં કોહલીએ ક્રિઝ છોડી!

૭૭ રન બનાવનારા કેપ્ટન વિરાટ કોહલીનો કેચ આમિરની બોલિંગમાં વિકેટકીપર સરફરાઝ અહમદે લીધો હતો. બોલ બેટને સ્પર્શ્યો હોય તેવો અવાજ આવ્યો હોવાથી બોલર, વિકેટકીપર અને નજીકના ફિલ્ડરોની અપીલ પૂરી થાય તે પહેલાં તો કોહલીએ ક્રિઝ
છોડી દીધી હતી. તેને લાગ્યું હતું કે બેટ સાથે બોલ ટકરાઈને
ગયો છે અને તેથી જ કટ અવાજ આવ્યો છે. જોકે રિપ્લેમાં સ્પષ્ટ દેખાતું હતું કે બોલ કોહલીના બેટથી ઘણો દૂર હતો. કોહલીએ ડ્રેસિંગ રૂમમાં
આવીને રિપ્લે જોયો ત્યારેતેને આની જાણ થઈ હતી. જોકે ત્યાં સુધીમાં ઘણું મોડું થઇ ગયું હતું.

સચિન-સિદ્ધુનો રેકોર્ડ તૂટ્યો

ઓલ્ડ ટ્રેફર્ડમાં ઓપનર રોહિત શર્મા તથા લોકેશ રાહુલે પ્રથમ વિકેટ માટે ૧૩૬ રનની ભાગીદારી કરી હતી. વર્લ્ડ કપમાં પાક. સામે કોઇ પણ ભારતીય ઓપનિંગ જોડીએ પ્રથમ વખત સદીની ભાગીદારી કરી છે. અત્યાર સુધીના છ મુકાબલામાં એક પણ વખત પ્રથમ વિકેટ માટે સદીની ભાગીદારી થઇ નથી. ૧૯૯૨માં અજય જાડેજા - શ્રીકાંત વચ્ચે ૨૫ જ્યારે ૧૯૯૬માં સિદ્ધુ - સચિને ૯૦ રનની ભાગીદારી કરી હતી. ૧૯૯૯માં સચિન - સદાગોપન રમેશે ૩૭, ૨૦૦૩માં સેહવાગ - સચિને ૫૩ અને ૨૦૧૫ના વર્લ્ડ કપમાં રોહિત - ધવને ૩૪ રનની ભાગીદારી કરી હતી. પાક. સામે વર્લ્ડ કપમાં કોઇ ભારતીય જોડીએ નોંધાવેલી આ સૌથી મોટી ભાગીદારી છે.

ધોનીએ દ્રવિડનો રેકોર્ડ તોડ્યો

વિકેટકીપર ધોનીએ રવિવારે પોતાના નામે વધુ એક સિદ્ધિ નોંધાવી છે. ભારત માટે સર્વાધિક વન-ડે મેચ રમવાના મામલે તેણે રાહુલ દ્રવિડનો રેકોર્ડ તોડ્યો હતો. ભારત માટે આ તેની ૩૪૧મી વન-ડે હતી. હવે માત્ર સચિન જ ધોની કરતા આગળ છે. દ્રવિડે કારકિર્દી ૩૪૦ મેચો રમી છે. ભારત તરફથી સર્વાધિક વન-ડે રમવાના મામલે સચિન ટોચ ઉપર છે. તેણે ૪૬૩ વન-ડે રમી છે. ધોનીની આ ૩૪૪મી વન-ડે છે. ધોનીએ ભારત તરફથી રમવાની સાથે ત્રણ મેચો એશિયા ઇલેવન તરફથી પણ રમી છે.


    comments powered by Disqus