BAPS ના વડા પૂ. મહંત સ્વામી હાલ અમદાવાદ ખાતે પધાર્યા છે. અગાઉ ૧૧મી જૂને તેઓ મોરબી પહોંચ્યા હતા. ૧૨મીએ સવારે મોરબીમાં પૂ. મહંત સ્વામી, કર્ણાટકના રાજ્યપાલ વજૂભાઈ વાળા અને સંતોના હસ્તે બીએપીએસના નૂતન શિખરબદ્ધ મંદિરનો શિલાન્યાસ વિધિ યોજાયો હતો. શિલાન્યાસ બાદ યોજાયેલી સભામાં ગુરુ સંતોએ પ્રવચનોમાં મોરબી અને બીએપીએસ સંસ્થા એકબીજા સાથે કેવી રીતે સંકળાયેલા છે તેની વાત કરી હતી. પૂ. મહંત સ્વામીએ આશીર્વચનમાં જણાવ્યું હતું, ‘ બધાને આશીર્વાદ આપવામાં આવે છે કે બધા તને,મને અને ધને સુખી થાય. વાવાઝોડા વગેરેની આપત્તિ દૂર થાય, નડે નહીં, ‘ને સુખેથી ભજન થાય. સમાજમાં શાંતિ રહે. વાવાઝોડાનો રૂટ બદલાઈ જશે, કોઈ પ્રશ્ર નહીં થાય.’ ૧૩મીએ મહિલા દિનની ઉજવણી કરવામાં આવી હતી. ૧૪મીએ સંપ દિવસ ઉજવાયો હતો. પૂ. મહંત સ્વામીની પ્રાતઃપૂજાના દર્શન અને આશીર્વાદનો મોટી સંખ્યામાં હરિભક્તોએ લાભ લીધો હતો. સાંજે યોજાયેલી સભામાં પૂ. મહંત સ્વામીએ આશીર્વાદ આપતા જણાવ્યું હતું,‘ પૂ. પ્રમુખ સ્વામીએસંપ માટે ચાર કલમ આપી છે. ખમવું, ઘસાવું, મનગમતું મૂકવું અને અનુકુળ થવું. ૧૫મીએ સમર્પણ દિવસનું આયોજન થયું હતું. તેમાં રાત્રિ સભા દરમિયાન ઠાકોરજીની રજત તુલા કરવામાં આવી હતી. ૧૬મીએ ‘કરીએ મંદિર ઉમંગે’ મધ્યવર્તી વિચાર સાથે શ્રદ્ધા દિનની ઉજવણી કરાઈ હતી. તેમાં મંદિરના ઉપકારોને પ્રવચન, વીડિયો, નૃત્ય અને સંવાદના વિવિધ માધ્યમો દ્વારા રજૂ કરાયા હતા. ૧૬મીએ પૂ. મહંત સ્વામીનો મોરબીમાં વિચરણનો છેલ્લો દિવસ હતો. તેમણે આશીર્વચન પાઠવતા કહ્યું,‘ આપણે નાના મોટા બધાએ મળીને આ અવસર શોભાવ્યો છે. મંદિરનું કામ થાય છે તો સ્વામીબાપાના આશીર્વાદ છે. બધા તને, મને ધને સુખી થાય અને જયજયકાર થાય.’ ૧૭મીએ પૂ. મહંત સ્વામી અમદાવાદ જવા પ્રસ્થાન કર્યું હતું.

