મુંબઈઃ બિહારના ૨૧૦૦ ખેડૂતોની લોન ભરપાઈ કર્યા બાદ બિગ બી અમિતાભ બચ્ચને ૧૩મી જૂને પુલવામામાં આતંકી હુમલામાં શહીદ ૪૯ જવાનોના પરિવારને રૂ. પાંચ લાખની આર્થિક સહાય આપી હતી. આ કાર્યક્રમમાં સીઆરપીએફના સીનિયર અધિકારીઓ પણ હાજર રહ્યા હતાં.
બચ્ચનના બ્લોગમાં દિલ કી બાત
અમિતાભ બચ્ચને પોતાના બ્લોગમાં કહ્યું હતું કે, અન્ય એક વચન પૂરું કર્યું. પુલવામામાં આતંકી હુમલામાં જે બહાદુર જવાનોએ દેશ માટે પોતાનો જીવ આપ્યો હતો તેમના પરિવારને આર્થિક રીતે મદદ કરવાનો સંતોષ મેળવ્યો. બચ્ચને કહ્યું હતું કે, તેઓ ઉદાસ થઈને આવ્યા, તેમના ચહેરા પર જીવનની નિરર્થકતા હતી. તેમણે પોતાનાને ગુમાવ્યા છે. પતિ, ઘરનો દીકરો, કેટલીક મહિલાઓ પોતાના સંતાન સાથે આવી, કેટલીક માતા બનવાની છે. આ તે બહાદુર જવાનોનો પરિવાર છે જેમણે પુલવામામાં થયેલા આતંકી હુમલામાં પોતાનો જીવ આપ્યો. ઉલ્લેખનીય છે કે અમિતાભ બચ્ચને ગયા વર્ષે ઉત્તર પ્રદેશના એક હજાર ખેડૂતોની લોન ભરપાઈ કરી હતી.

