• દીવાલ ખોદવા પ્લાસ્ટિક કટલરીનો ઉપયોગ કરતા કેદીઓ
જેલોની હાલત એટલી બધી જીર્ણશીર્ણ થઈ ગઈ છે કે તેમાંથી ભાગી છૂટવાના પ્રયાસમાં કેદીઓ પોતાના સેલની દીવાલમાં બાકોરું પાડવા માટે પ્લાસ્ટિકની કટલરીનો ઉપયોગ કરે છે તેવો દાવો પ્રિઝન ઓફિસર્સ એસોસિએશને કર્યો હતો.
• કેદીઓને શુક્રવારે મુક્ત ન કરવા જેલોને સૂચના
કેદીઓને શુક્રવારે છોડવાથી ફરી ગુનાખોરી અને ડ્રગનો દુરુપયોગ વધી જતો હોવાથી કેદીઓને શુક્રવારે ન છોડવાની એડવાઈઝરી કાઉન્સિલે જેલ સત્તાવાળાઓને ચેતવણી આપી હતી.
• યુકેમાં આવ્યાના પહેલા જ દિવસે શોપમાંથી ઉઠાંતરી કરી
રોમાનિયાનો ૨૦ વર્ષીય લીઓનાર્ડ વોલ્ટર ટ્યુડર બ્રિટનમાં આવ્યાના ૨૪ કલાકની અંદર જ શોપમાંથી ઉઠાંતરી કરતા ઝડપાઈ ગયો હતો. એક બાળકના પિતા ટ્યુડરે નોટિંગહામના ટી કે મેક્સ સ્ટોરમાંથી ૫૦૮ પાઉન્ડની ચીજવસ્તુઓ ચોરવાનો પ્રયાસ કર્યો હતો. ચીજવસ્તુઓ પર લગાવેલા સિક્યુરિટી ટેગ્સના સિગ્નલોને અટકાવવા માટે તેણે ફોઈલ-લાઈન્ડ બેગનો ઉપયોગ કર્યો હતો.
• યુનિવર્સિટીઓને ચિંતા હોય તો મદદ માટે પેરન્ટ્સનો સંપર્ક કરે
વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્યની ચિંતા હોય તો યુનિવર્સિટીઓએ તેમના માતાપિતાનો સંપર્ક કરવો જોઈએ તેવું વિદ્યાર્થીઓ ઈચ્છતા હોવાનું રાષ્ટ્રીય સર્વેમાં જણાયું હતું. વિદ્યાર્થીઓને મદદની જરૂર જણાતી હોય તો યુનિવર્સિટીઓએ ડેટા પ્રોટેક્શન કાયદાઓને ધ્યાને ન લેવા જોઈએ તેમ ૮૧ ટકા વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું. માત્ર ૧૮ ટકા ઈચ્છતા હતા કે આ બાબતમાં માતાપિતા કે વાલીઓને સામેલ કરવા જોઈએ નહીં.
• જન્મજાત ખોડ અટકાવવા લોટમાં ફોલિક એસિડ ભેળવાશે
બાળકોમાં જન્મજાત ખોડખાંપણ અટકાવવા માટે લોટમાં ફોલિક એસિડ ભેળવવામાં આવશે. સરકારે આ પગલાંની દરખાસ્તો માટે કન્સલ્ટેશન બહાર પાડ્યું છે. સગર્ભાઓ અને ગર્ભવતી બનવા ઈચ્છતી મહિલાઓેને હાલ ફોલિક એસિડ સપ્લીમેન્ટ્સ લેવા પ્રોત્સાહિત કરાય છે. પરંતુ, ખાસ કરીને ગરીબ વિસ્તારોમાં રહેતી ઘણી મહિલાઓ આ સલાહને અનુસરતી નથી તેવી ચિંતા પ્રવર્તે છે. હેલ્થ પ્રોફેશનલ્સ અને ચેરિટીઓએ લોટમાં સપ્લીમેન્ટ ભેળવવાના પગલાને મહત્વપૂર્ણ સફળતા ગણાવીને બીરદાવ્યું હતું.
