શિયાળા દરમિયાન ફક્ત ગરમ કપડાં જ પહેરવાની જરૂર નથી હોતી, ખોરાકમાં ફેરફાર કરીને શરીરને ગરમાવો આપે તેવા ખોરાકનું સેવન જરૂરી હોય છે. શિયાળા દરમિયાન આવો ખોરાક વધુ ગુણકારી સાબિત થાય છે.
• લસણઃ હાઈ કોલેસ્ટેરોલ ધરાવતી વ્યક્તિને લસણ ખાવાથી ફાયદો થાય જ છે, પરંતુ લસણનો બીજો ફાયદો શરીરમાં ગરમાવો આપવાનો છે. શિયાળા દરમિયાન થતાં ફ્લૂ અને શરદી-ખાંસીને દૂર કરવા માટે લસણ ફાયદાકારક છે. લસણમાં એન્ટિબેક્ટેરિયલ તત્ત્વો આવેલાં છે. આથી બેક્ટેરિયા ફેલાવતા રોગોને દૂર રાખવામાં લસણ મદદ કરે છે. આથી જ શિયાળામાં વહેલી સવારે લસણની એક કળી ગળવામાં આવે છે. ઉપરાંત, લીલું લસણ પણ ઘણું ગુણકારી છે, પરંતુ તેને રાંધવા માટે ઘીનો ઉપયોગ કરવો હિતાવહ નથી.
• તજઃ દરેક ગુજરાતી ઘરમાં રખાતા તેજાનામાં તજનું આગવું સ્થાન છે. તેમાં આવેલો ટિપિકલ તીખાશભર્યો ગળ્યો સ્વાદ શરીરને ઠંડીમાં રક્ષણ આપે છે. તજમાં ઘણા બધા ગુણ આવેલા છે. વહેલી સવારે પાણીમાં તજનો ભુક્કો નાંખીને પીવાથી વજન ઊતરે છે, કોલેસ્ટેરોલ ઓછું થાય છે અને વળી તેનાથી ઠંડીમાં રક્ષણ પણ મળે છે.
• ગુંદરઃ આપણે ત્યાં શિયાળા દરમિયાન બનાવાતાં વસાણામાં ગુંદરનો ઉપયોગ વિપુલ પ્રમાણમાં કરાય છે. ગુંદર ખાવા માટે તેને ઘીમાં સાંતળવો જરૂરી નથી. ગુંદરમાં ફાઇબર્સ વિપુલ પ્રમાણમાં આવે છે. વળી, ગુંદર ખાવાથી વારંવાર લાગતી ભૂખને દૂર રાખી શકાય છે. ગુંદર કોરો પણ શેકી શકાય છે. તેમાં મલાઈ વગરનું દૂધ નાખીને ઉકાળો અને તેમાં સૂંઠ, ગંઠોડા, બદામ નાખવાથી ગુંદરપાક તૈયાર કરી શકાય છે, જે ખાવાથી વજન વધતું નથી. આનાથી શિયાળા દરમિયાન શરીરને ઠંડી સામે રક્ષણ મળવાની સાથે સ્વાદ પણ પ્રાપ્ત થાય છે.
• આદુંઃ કોઈ પણ વાનગી અથવા સાદી રસોઈને વધારે સ્વાદિષ્ટ બનાવવા આદું લગભગ દરેકના ઘરમાં વપરાય છે. શિયાળામાં આદુંવાળી ચા પીવાની મજા આવે છે. આ જ આદું શરીરને અંદરથી ગરમ રાખવા ઉપયોગી છે. તેમાં આવેલા તત્વો શરીરને ગરમી આપી, ઠંડી સામે રક્ષણ આપે છે. શિયાળામાં સુકવણી કરેલું આદું (સૂંઠ) પણ વપરાય છે. વહેલી સવારે નયણા કોઠે આદુંનો રસ, લીંબુ અને મધ સાથે લેવાથી ખાંસી, શરદી અને કફથી દૂર રહેવાય છે. વળી, વહેલી સવારે પીવામાં આવતા આદુના રસથી ગેસ, અપચો અને એસિડિટી પણ દૂર થાય છે.

