તમે લાંબા વાળ રાખવા માગતા હો તો સપ્તાહમાં બે વાર ધોવા જોઈએ અને તેલ નાખીને એની સારી રીતે માવજત કરવી જોઈએ. એવું જો તમે માનતા હો તો આ સમાચાર સાથે મૂકેલી તસવીરોમાં દેખાતાં યુવતીને જોઈ લો. ૩૨ વર્ષની ફ્રેન્કી ક્લુની નામની આ યુવતીના વાળ લગભગ છ ફૂટ લાંબા છે.
બ્રિટનના બ્રાઇટનમાં રહેતી ફ્રેન્કી પોતે આર્ટિસ્ટ છે. તે છ વર્ષની હતી ત્યારે જ તેણે વાળ લાંબા કરવાનો નિર્ધાર કરી લીધો હતો. તે ૧૩ વર્ષની થઈ ત્યાં સુધીમાં તેના વાળ કમર જેટલા લાંબા થઈ ગયા હતા. જોકે એ પછી તેને લાંબા વાળ ધોવા અને મસાજ કરવાનો બહુ જ કંટાળો આવવા લાગ્યો. તેણે એક સમયે વાળ ટૂંકા કરાવી લેવાનું પણ મનોમન નક્કી કરી લીધેલું, પણ તેની ફ્રેન્ડની મમ્મીએ કહ્યું કે તને વાળ ધોવાનું નથી ગમતું તો એમાં શું વાંધો છે. લાંબા વાળ ધોવા જ પડે એવું જરૂરી નથી.
આ વાતને ફ્રેન્કીએ થોડીક ગંભીરતાથી લઈ લીધી. ફ્રેન્કીનું કહેવું છે કે શરૂઆતમાં કેટલાક મહિના એવા ગયા કે જેમાં મને પોતાના વાળ બહુ જ ઓઇલી અને ગંદા થઈ ગયા હોય એવું લાગતું હતું. તાળવામાં ખંજવાળ પણ આવતી, એમ છતાં મેં વાળ નહીં જ ધોવા એ વાતને પકડી રાખી. નવાઈની વાત એ છે કે થોડા જ મહિનામાં એ સમસ્યા પણ ગાયબ થઇ ગઈ. માત્ર યોગ્ય રીતે ગૂંચ કાઢીને વાળને અવારનવાર ખુલ્લા રાખવાથી વાળ કુદરતી જ ચમકીલા અને સ્મૂધ થઈ ગયા.
છેલ્લા લગભગ ૨૦ વર્ષથી તેણે વાળ ધોવા કે કન્ડિશન કરવા કોઈ જ પ્રકારની પ્રોડક્ટ એમાં નથી વાપરી. નિયમિતપણે વાળમાં કાંસકો ફેરવતાં રહેવાથી વાળનાં છિદ્રો સ્વસ્થ રહે છે એવું તે માને છે. તે ૧૮ વર્ષની હતી ત્યારે તેણે છેલ્લી વાર વાળ ટ્રિમ કર્યા હતા એ પછી કદી કાતર પણ અડાડી નથી.

