ભારત સહિત સમગ્ર વિશ્વમાં ૧૪ ફેબ્રુઆરીએ પ્રેમના પર્વ વેલેન્ટાઈન ડેની ઊજવણી થઈ રહી હતી ત્યારે કાશ્મીરના પુલવામામાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ)ના કાફલા પર ત્રાસવાદી ફિદાઈન હુમલાએ જવાનોના લોહીના લાલ રંગનાં ખાબોચિયા ભરી દેતાં સમગ્ર દેશ ઊંડા આઘાત અને શોકમાં ડૂબી ગયો. જમ્મુ અને કાશ્મીરમાં ત્રાસવાદીઓ દ્વારા તાજેતરના વર્ષોમાં આ સૌથી ખરાબ અને લોહિયાળ હુમલો બની રહ્યો છે, જેમાં ૪૦ જવાનોની જિંદગી હોમાઈ ગઈ અને સંખ્યાબંધ જવાનો ઈજાગ્રસ્ત થયા છે. પડોસી પાકિસ્તાનની ભૂમિ પરથી પોતાની આતંકી ગતિવિધિઓ ચલાવતા આતંકવાદી મસૂદ અઝહરના સંગઠન જૈશ-એ-મોહમ્મદે હુમલાની જવાબદારી પોતાના શિરે લેવામાં જરા પણ સમય લીધો નથી. આ પછી હાથ ધરાયેલી સૈન્ય કામગીરીમાં પુલવામા હુમલાના માસ્ટર માઈન્ડ આતંકી કામરાન રાશિદ ગાઝી, હિલાલ અહેમદ સહિત ત્રણ આતંકીને ઠાર કરાયા છે, પરંતુ ભારતીય મેજર સહિત પાંચ જવાન પણ શહીદ થયા છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના લશ્કરી દળો અને સામાન્ય જનતામાં પ્રવર્તેલા આક્રોશનો પડઘો પાડતા હોય તેમ સાચું કહ્યું છે કે દેશવાસીઓના દિલમાં કેટલી આગ ભડકી છે તેનો મને અહેસાસ છે. જે આગ તમારા દિલમાં છે તે જ આગ મારા દિલમાં પણ સળગે છે. તેમનું કહેવું છે કે દેશ આ ગુસ્સાને સમજી રહ્યો છે તેથી જ સુરક્ષા દળોને ખુલ્લી છૂટ આપી દેવાઈ છે. જવાનોની શહીદી વ્યર્થ નહિ જાય. સમગ્ર દેશ જવાનોના પરિવાર સાથે ઉભો છે. પાકિસ્તાન સાથે વાતચીતનો સમય હવે પૂરો થઈ ગયો છે. જોકે, યુદ્ધબાબતોના નિષ્ણાતો કહે છે કે આવા નિવેદનો હોવાં છતાં હવેનો વિકલ્પ યુદ્ધ જ હશે તેમ માની શકાય નહિ. સમગ્ર દેશની લાગણી પાર્થને કહો ચડાવે બાણ, હવે તો યુદ્ધ એ જ કલ્યાણની હોવાં છતાં, સંપૂર્ણ યુદ્ધના બદલે પાકિસ્તાનને પાયમાલ અને ખોખરું કરી દેવાનાં પગલાં પણ વિચારાતાં હોવાનું જણાય છે. જો અમેરિકા પાકિસ્તાનમાં ઘૂસી લાદેનને ખતમ કરી શકે, પ્રમુખ ટ્રમ્પ અનેક વિશ્વસંધિઓમાંથી બહાર નીકળી શકે, ચીન અને રશિયા પોતાના વિસ્તારોમાં ત્રાસવાદનો અંત લાવી શકે તો ભારત પણ આવા પગલા લઈ શકે કે કેમ તે વિચારણા માંગી લે છે.
પુલવામામાં સીઆરપીએફ કાફલા પર આતંકી હુમલા બાદ ભારત રાજદ્વારી અને રાજનીતિક સ્તરે પાકિસ્તાનને દુનિયામાં અલગ પાડી દેવા તેમજ પાકિસ્તાનની અર્થવ્યવસ્થા પર પ્રહાર કરવા ગતિશીલ બન્યું છે. આ હુમલાના પગલે અમેરિકા, બ્રિટન સહિતના દેશોએ ચિંતા વ્યક્ત કરવા સાથે ભારતને ટેકો પણ જાહેર કર્યો છે. પુલવામા હુમલામાં પાકિસ્તાનસ્થિત અને સમર્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો હાથ હોવાનું સામે આવતા ભારતે પાકિસ્તાનનો મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો રદ કરવા સાથે ત્યાંથી આયાત કરાતી વસ્તુઓ પર ૨૦૦ કસ્ટમ્સ ડ્યુટી ઝીંકી દીધી છે. પાકિસ્તાન સાથેના વેપાર પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવા જેવું પગલું પણ ભારત લઈ શકે તેવી અટકળો પ્રવર્તે છે. આ ઉપરાંત, પાકિસ્તાની ઈકોનોમીને દુનિયામાં બ્લેક લિસ્ટ કરાવવા તૈયારી શરૂ થઈ છે. ભારત વિશ્વમાં આતંકીઓને ભંડોળ અને મની લોન્ડરિંગ વિરુદ્ધ કાર્યરત સંસ્થા ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ (એફએટીએફ) સમક્ષ પાકિસ્તાનને બ્લેક લિસ્ટ કરવાની માગ કરશે. અગાઉ પાકિસ્તાનને ફરી બ્લેક લિસ્ટ કરી શકાય છે તેવી ચેતવણી પણ અપાઈ જ છે. એફએટીએફની વાર્ષિક બેઠકમાં ભારતના દસ્તાવેજો પર વિચાર કરી પાકિસ્તાનને બ્લેક લિસ્ટ કરવાનો નિર્ણય લેવાય તો તેને વર્લ્ડ બેંક, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ, એશિયન ડેવલપમેન્ટ બેન્ક જેવી સંસ્થાઓથી ઋણ મળવું મુશ્કેલ થશે. સરકારનો અન્ય મહત્ત્વનો નિર્ણય કાશ્મીરના અલગાવવાદી નેતાઓની સુરક્ષા સહિતની સરકારી સુવિધાઓ પાછી ખેંચવાનો છે. અબ્દુલ ગની બટ, શબ્બીર શાહ, યાસિન મલિક, મીરવાઈઝ ઉમર ફારુક, સૈયદ અલી ગિલાની, સજ્જાદ લોન, બિલાલ લોન, આગા હસન, મૌલાના અબ્બાસ અન્સારી સહિત અલગાવવાદીઓની સુરક્ષા પર સરકાર વર્ષે કરોડો ખર્ચી રહી છે. આ જ નેતાઓ કાશ્મીરના યુવાનોને હિંસા કરવા ભડકાવે છે. આ તો દૂધ પાઈને સાપ ઉછેરવા જેવું જ છે.
પુલવામા હુમલા પછી ભારતીય નાગરિકો પાકિસ્તાનને તેની ભાષામાં જવાબ આપવા યુદ્ધ છેડવા અને સદા માટે પાકિસ્તાનની નાપાક હરકતોનો અંત લાવવા મોદી સરકાર પર દબાણ વધારી રહ્યા છે. ભારત દ્વારા આ અંતિમ અને ગંભીર પગલું લેવાય તો દેવાળિયાં પાકિસ્તાનને ખાસ ગુમાવવાનું નથી કારણ કે તેની સ્થિતિ તો નાગો નહાય શું અને નીચોવે શું? જેવી છે. પરંતુ, ભારતની વિકાસયાત્રાને ભારે સહન કરવું પડે તેમ છે. નિષ્ણાતો આ માટે હુમલા પછી પાકિસ્તાન પણ સતર્ક થઈ ગયું હોય તેને મુખ્ય કારણ ગણાવે છે. બીજું પાકિસ્તાન-ચીનની મિત્રતાનું પરિમાણ પણ મહત્ત્વનું છે. સંસદથી માંડી પઠાણકોટ, ઉરી અને પુલવામા હુમલાઓના સૂત્રધાર જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાના ભારતના પ્રયાસોમાં ચીન કાયમ રોડાં નાખતું આવ્યું છે. ચીને હુમલાને વખોડ્યો, પરંતુ મસૂદને આતંકવાદી જાહેર કરવા મુદ્દે મૌન જાળવ્યું છે.
હુમલાના કારણે દેશમાં પ્રવર્તેલા રોષ અને આક્રોશને નિહાળી કોંગ્રેસ સહિતના વિપક્ષે સરકારના કોઈ પણ પગલાને સમર્થન આપવાની જાહેરાત કરી શાણપણ દર્શાવ્યું છે. આ જ રાજકીય પક્ષોએ ૨૦૧૬ની સર્જિકલ સ્ટ્રાઇક બાદ ભારતીય સુરક્ષા દળોની કાર્યવાહી વિશે અનેક પ્રશ્નો ઉઠાવ્યા હતા. જોકે મમતા બેનરજીએ કોઈ બોધપાઠ લીધા વિના આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી યુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જવાનો આક્ષેપ મોદી સરકાર પર કરી દીધો છે, આ તો પાકિસ્તાન વતી કરાતી દલીલો જેવું જ છે.
પુલવામા હુમલામાં ઉડીને આંખે વળગે તેવી કેટલીક બાબતોમાં ઓપરેટિંગ સિસ્ટમના અમલમાં છીંડા કે ખામીઓનો સમાવેશ થાય છે. જમ્મુ અને કાશ્મીરમાં કાર્યરત મલ્ટિપલ સિક્યુરિટી એજન્સીઓ નક્કર ગુપ્તચર બાતમીઓ મેળવવામાં નિષ્ફળ રહી હોવાનું દેખાઈ આવે છે. સંખ્યાબંધ પ્રશ્નો અનુત્તર છે. જે ૭૮ બસમાં સુરક્ષા દળોની હેરફેર કરાઈ તેની સંખ્યા પણ ૨૫૦૦ જેટલી હતી. ખરાબ હવામાનના કારણે આટલી મોટી સંખ્યામાં જવાનોને એરલિફ્ટ કરવાનું યોગ્ય કે શક્ય ન બને તે સમજાય, પરંતુ ઈમ્પ્રોવાઈઝ્ડ એક્સ્પ્લોઝિવ ડીવાઈસીસ (આઇઇડી)ના સંભવિત ઉપયોગના એલર્ટ મળવાં છતાં સુરક્ષાના પગલાં યોગ્ય પ્રમાણમાં ન લેવાયાની પણ ચર્ચા ચાલે છે. એક બીજો પ્રશ્ન એ પણ છે કે ૨૫૦ કિલોગ્રામથી વધુ વજનના વિસ્ફોટકો દેશના સૌથી વધુ સંરક્ષિત હાઈવે સુધી કેવી રીતે પહોંચી શક્યા? આ પ્રકારના ત્રાસવાદી હુમલા રાતોરાત કરાતા નથી. તેના માટે મહિનાઓનું આયોજન થતું રહે છે. શું દેશનું ઈન્ટેલિજન્સ નેટવર્ક એટલું પાંગળું બની ગયું હતું કે રુટિન એલર્ટથી સંતોષ માની લેવાયો? મોટા પાયે નુકસાન કરવા ક્યાં અને ક્યારે ત્રાટકવું તે ત્રાસવાદીઓ જાણતા હોય અને સિક્યુરિટી એજન્સીઓ અંધારામાં જ રહે તે મનાતું નથી. આટલી મોટી સંખ્યામાં કાફલો પસાર થતો ન હોય ત્યારે પણ તમામ સિવિલિયન વાહનોની તપાસ થતી હોય છે. આત્મઘાતી બોમ્બર આટલી જંગી માત્રામાં વિસ્ફોટકો સાથેનું વાહન લઈને કોન્વોયમાં કોઈ શંકા જગાવ્યા વિના કેવી રીતે ઘુસી શકે?
જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈઇબા જેવા આતંકવાદી સંગઠનોના જોરે ભારત સામે છેડાયેલું પ્રોક્સી યુદ્ધ વધુ આક્રમક બન્યું છે. સરકારને ‘હાઉ ઈઝ ધ જોશ?’ દર્શાવવાનો સમય આવી પહોંચ્યો છે. આતંકી સંગઠનોની નાપાક હરકતો ઉપર લગામ કસવા સરહદ પારના ઠેકાણાઓ ઉપર મોટા પાયે સર્જિકલ સ્ટ્રાઈક કરીને ધરમૂળથી સફાયાનો વિકલ્પ પણ વિચારવો રહ્યો. જ્યાં સુધી પાકિસ્તાનને ભારતવિરોધી હરકતો બદલ આકરો દંડ નહીં અપાય ત્યાં સુધી જમ્મુ-કાશ્મીરમાં લોહિયાળ સંઘર્ષ અટકવાનો નથી.
