પુલવામામાં તાજતરમાં થયેલા આતંકી હુમલામાં ૪૪ જેટલા જવાનો શહીદ થયા હતા અને ૪૫ જેટલા જવાનોને ઘાયલ અવસ્થામાં સારવાર હેઠળ ખસેડાયા બાદ દેશમાં આક્રોશ અને દુઃખ છવાયો છે તેમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રી પણ સામેલ છે. બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન સહિતના કલાકારોએ મૃતકો તેમજ ઘાયલ જવાનોના પરિવારને આર્થિક મદદની જાહેરાત કરી છે અને જણાવ્યું છે કે તેઓ તન મન ધનથી જવાનો અને જવાનોના પરિવારોની સાથે છે. અમિતાભ બચ્ચને મૃતક જવાનોના દરેક પરિવારને રૂ. પાંચ લાખની સહાય જાહેર કરી છે.
રણવીર સિંઘે સોશિયલ મીડિયામાં કહ્યું છે કે પુલવામામાં સીઆરપીએફના સૈનિકો પર કાયરતાપૂર્ણ હુમલાથી આક્રોશ અને દુઃખ છે.
અમિતાભ બચ્ચને જણાવ્યું છે કે, પુલવામામાં સીઆરપીએફના કાફલા પર કાયરતાપૂર્ણ હુમલા વિશે જાણીને અત્યંત ગુસ્સામાં અને દુઃખી, પોતાનો દીકરો, ભાઈ, હસબન્ડ કે ફાધર ગુમાવનારા પરિવારોના મેમ્બર્સ પ્રત્યે મને સહાનુભૂતિ. ઇજાગ્રસ્તો જલ્દી રિકવર થાય એ માટે પ્રાર્થના.
આલિયા ભટ્ટે સોશિયલ મીડિયા પર લખ્યું છે કે, આ આતંકી હુમલો અત્યંત ઘૃણાસ્પદ છે. આપણા બહાદુર જવાનોના પરિવારો પ્રત્યે મને સહાનુભૂતિ છે. અત્યંત દુઃખ અને ગુસ્સાની લાગણી.
સલમાન ખાને હુમલાને અત્યંત તિરસ્કારપૂર્ણ ગણાવ્યો છે. શહીદોના પરિવારો પ્રત્યે મારી દિલથી સહાનુભૂતિ છે. હું ઈજાગ્રસ્તો સ્વસ્થ થાય એ માટે પ્રાર્થના કરું છું.
કથિત રીતે બીમારીમાં પટકાયેલા ઋષિ કપૂર જણાવે છે કે આપણા પરિવારોને બચાવવા માટે શહીદ તરીકે તેમનાં જીવનનું બલિદાન આપનારા આપણા દેશના જવાનો અને તેમના પરિવારો પ્રત્યે મને સહાનુભૂતિ છે.
ફિલ્મ ‘ઉરી’ના હીરો વિકી કૌશલે કહ્યું છે કે, શરમજનક, નિંદનીય અને આઘાતજનક સંપૂર્ણપણે કાયરતાપૂર્ણ કૃત્ય. આવા ઘૃણાસ્પદ અપરાધના કાવતરાખોરો કાશ્મીરના લોકોના મિત્રો ન હોઈ શકે. અમે શોકગ્રસ્ત પરિવારોની પડખે છીએ.
પ્રિયંકા ચોપરાએ પોસ્ટ કર્યું છે કે, પુલવામામાં આતંકવાદી હુમલાના ન્યૂઝ જાણીને અત્યંત દુઃખ અને આઘાતની લાગણી. પોતાના જીવન બલિદાન આપનારા સીઆરપીએફના બહાદુર જવાનોના પરિવારો પ્રત્યે મને સહાનુભૂતિ તેમજ ઇજાગ્રસ્ત જલદી રિકવર થાય એ માટે પ્રાર્થના.
જવાનો તેમજ તેના પરિવારોની મુશ્કેલીમાં તેમને આર્થિક અને માનસિક સહયોગ પૂરો પાડતાં અક્ષયકુમારે કહ્યું કે, હુમલાથી અત્યંત આઘાતની લાગણી. ધિક્કારની લાગણી ક્યારેય જવાબ ન હોઈ શકે!!! શહીદો જવાનોના પરિવારોને શક્તિ મળે.
અનુપમ ખેરે જણાવ્યું છે કે, પુલવામામાં સીઆરપીએફના સૈનિકો પરના આતંકવાદી કાયરતાપૂર્ણ હુમલાથી સ્તબ્ધ થઈ ગયો છું. ભગવાન શહીદોના આત્માને શાંતિ આપે અને તેમના શોકગ્રસ્ત પરિવારોને શક્તિ આપે. ઇજાગ્રસ્તો ઝડપથી રિકવર થાય એવી પ્રાર્થના. આપણે આ હુમલાને ન ભૂલાવી શકીએ.
સિદ્ધુ કપિલ શર્માના શોમાંથી આઉટ
પુલવામામાં ત્રાસવાદી હુમલા પછી પૂર્વ ક્રિકેટર અને કોંગ્રેસી નેતા નવજોતસિંહ સિદ્ધુએ નિવેદન કર્યું હતું કે, દરેક પાકિસ્તાનીને નિશાન બનાવવો યોગ્ય નથી. પાકિસ્તાન તરફેણમાં તેમના વિચારોથી નવજોત ટ્રોલ થઈ રહ્યા હતા અને આ વિવાદ વકરતાં લોકોએ માગ કરી છે કે નવજોતને કપિલ શર્મા શોમાંથી બહાર કરી દેવાય. આખરે નવજોત સામે કડક કામગીરી કરતાં તેમને કપિલ શર્મા શોમાંથી બહાર કરી દેવામાં આવ્યા છે. હવે શોમાં નવજોતનું સ્થાન અર્ચના પુરણસિંહ લેશે. વળી, વિવાદ વકર્યા પછી પણ લુધિયાણામાં એક કાર્યક્રમમાં સિદ્ધુએ જણાવ્યું હતું કે તેમના નિવેદન પર તેઓ કાયમ છે. ત્રાસવાદીઓએ પાછળથી વાર કર્યો છે અને તેમને જવાબ મળવો જોઇએ. મોદી પર કટાક્ષ કરતાં તેમણે કહ્યું હતું કે ૫૬ ઇંચની છાતી ક્યાં ગઈ? નવજોતે કહ્યું હતું કે તેમના નિવેદનને તોડમરોડ કરીને રજૂ કરવામાં આવ્યું છે.

