પૂણેમાં પૂ. મહંત સ્વામીએ પુલવામા આતંકી હુમલાના શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી

Wednesday 20th February 2019 04:56 EST
 
 

BAPSના વડા પૂ. મહંત સ્વામી હાલ મહારાષ્ટ્રમાં વિચરણ કરી રહ્યા છે. તા.૧૩ ફેબ્રુઆરી સુધી નાસિક ખાતે રહ્યા બાદ તેઓ પૂણે પહોંચતા સંતો અને હરિભક્તોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. ૧૪મીએ પૂ. મહંત સ્વામીની નિશ્રામાં સુબોધ દિનની ઉજવણી કરવામાં આવી હતી. ભગવાન સ્વામીનારાયણે કહેલી વાતો વચનામૃતમાં રજૂ કરવામાં આવી છે. સંતોએ પ્રવચનમાં જણાવ્યું હતું કે વચનામૃતની વાતો દ્વારા સારો બોધ મળે છે. પૂ. મહંત સ્વામીએ વચનામૃતનું પૂજન કર્યું હતું. ૧૫મીએ સત્પુરુષ દિન ઉજવાયો હતો. તેમાં સંવાદ, પ્રસંગ કથન અને વીડિયો શો દ્વારા પૂ. પ્રમુખ સ્વામી તેમજ પૂ. મહંત સ્વામીના ગુણોનું અભંગ શૈલીમાં ગાન કરવામાં આવ્યું હતું. પૂ. મહંત સ્વામીની ઉપસ્થિતિમાં ૧૪ ફેબ્રુઆરીએ જમ્મુ-કાશ્મીરના પુલવામા ખાતે થયેલા આતંકી હુમલામાં શહીદ થયેલા સીઆરપીએફના જવાનોના પરિવારોને સાંત્વના પાઠવવામાં આવી હતી. ઘાયલ જવાનો જલદી સાજા થાય તેવી પ્રાર્થના સાથે ધૂન પણ કરવામાં આવી હતી. પૂ. મહંત સ્વામીએ આશીર્વચન પાઠવતા કહ્યું હતું,‘જવાન બોર્ડર પર રક્ષા કર રહે હૈ, ઈસી કે કારણ હમ સુખ કી નીંદ લે સકતે હૈ, ઉનકે લિયે હમ ભગવાન સે પ્રાર્થના કરતે હૈ..’ ૧૭મીએ BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર, પૂણેનો દ્વિતીય પાટોત્સવ હતો. સવારે પૂ. મહંત સ્વામીની નિશ્રામાં પાટોત્સવ વિધિ યોજાયો હતો. સાંજે ઝોળી પર્વ તેમજ સમીપ દર્શનનું આયોજન કરાયું હતું. ૧૮મીને સોમવારે સત્સંગ દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ખાસ કરીને મારવાડી ભાઈઓ તેમજ સંતો અને હરિભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પૂણેમાં વિચરણ બાદ પૂ. મહંત સ્વામીએ ૧૯મીને મંગળવારે સાંકરી જવા પ્રસ્થાન કર્યું હતું.


comments powered by Disqus