આલિયા ભટ્ટે ૧૫મી માર્ચે પોતાનો ૨૬મો જન્મદિવસ પરિવાર અને મિત્રો સાથે મનાવ્યો હતો. આ પ્રસંગે તેને બોલિવૂડના માંધાતાઓ તરફથી અભિનંદન અને શુભેચ્છાઓ મળી હતી. આલિયાનો જન્મદિવસ તેના બોયફ્રેન્ડ રણબીર કપૂરે સ્પેશ્યલ બનાવ્યો હતો. તેણે પોતાની બર્થ ડે પાર્ટીને અંગત રાખી હતી. રણબીર ઉપરાંત આ પાર્ટીમાં કરણ જોહર અને અયાન મુખર્જી હતા.
આલિયા હાલ ‘બ્રહ્માસ્ત્ર’ના શૂટિંગમાં વ્યસ્ત છે. તેથી તેણે આ ફિલ્મની ટીમ સાથે પણ બર્થ ડે મનાવ્યો હતો. રણબીર અને આલિયા આ ફિલ્મના શૂટિંગથી જ એકબીજાની વધુ નજદીક આવ્યા છે. આલિયાના જન્મદિને તેના પિતા મહેશ ભટ્ટે સોશિયલ મીડિયા પર આલિયાના બાળપણની તસવીરો શેર કરી હતી.
તેણે પુત્રી આલિયાને વિશ કરીને તસવીરો સાથે ‘સૂરજ ની દિવ્ય રોશની, થોડે થોડે જાદૂ કે સાથ’ કેપ્શન આપ્યું હતું. આલિયાની ફિલ્મો બોક્સ ઓફિસ પર સફળ મનાઇ રહી છે. તે એક પછી એક ફિલ્મો કરતી જાય છે અને ટિકિટબારી પર ડંકો વગાડે છે. તે દર્શકો અને બોલિવૂડના માંધાતાઓની માનીતી બની ગઇ છે.

