ચીનની દોંગાઈઃ મસૂદ અઝહરને ફરી બચાવ્યો

Wednesday 20th March 2019 06:41 EDT
 

ચીને યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલ (યુએનએસસી)માં ફ્રાન્સ, બ્રિટન અને અમેરિકાના પ્રસ્તાવ સામે ફરી એક વાર વીટો વાપરીને ભારતમાં પુલવામા હુમલા સહિત અનેક ત્રાસવાદી હુમલાના માસ્ટરમાઈન્ડ મસૂદ અઝહરને ચોથી વખત વૈશ્વિક આતંકવાદી જાહેર થવાથી બચાવી લીધો છે. ચીને ચાલાકીપૂર્વક આ પ્રસ્તાવને હોલ્ડ પર રાખવા પૂરતો જ વીટો વાપરીને થોડોક સમય મેળવી લીધો છે. ચીને અગાઉ ૨૦૦૯, ૨૦૧૬ અને ૨૦૧૭માં મસૂદને આતંકવાદી જાહેર કરવાના પ્રસ્તાવ વિરુદ્ધ વીટોનો ઉપયોગ કર્યો છે.
આ પરિપ્રેક્ષ્યમાં મહત્ત્વપૂર્ણ ઘટના એ રહી છે કે સુરક્ષા સમિતિમાં ચીનના અવરોધ છતાં ફ્રાન્સે મસૂદ અને તેના સંગઠનોની સંપત્તિ જપ્ત કરવા આક્રમક પગલાંની જાહેરાત કરી છે. ફ્રાન્સના નિર્ણયથી મસૂદને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવામાં સરળતા રહેશે. ઉલ્લેખનીય છે કે મસૂદ વિશે સુરક્ષા સમિતિમાં પ્રસ્તાવ પણ ફ્રાન્સે જ મૂક્યો હતો. બીજી તરફ, ફ્રાન્સના પગલે અમેરિકાએ પણ ચીનને ગર્ભિત ચેતવણી આપવાની ફરજ પડી છે. અમેરિકાએ કહ્યું છે કે ચીન આ રીતે સતત અવરોધ ઉભા કરતું રહેશે તો સુરક્ષા પરિષદના અન્ય જવાબદાર દેશોએ આકરાં પગલાં ભરવાનું વલણ અપનાવવું પડશે. આતંકી મસૂદ મુદ્દે અમેરિકા, ફ્રાન્સ, બ્રિટન સહિતના દેશો મળીને ચીન સાથે વાતચીતથી સમગ્ર વિવાદનું નિરાકરણ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આના પરિણામે, ભીંસમાં આવેલું ચીન આગામી દિવસોમાં પોતાનું વલણ બદલી શકે છે.
આતંકી મસૂદ અઝહરની ઢાલ બની રહેવા પાછળ ચીનના અનેક કારણો કે સ્વાર્થ છે. સૌથી મોટો સ્વાર્થ અમેરિકા તથા જાપાન સાથે મિત્રતા વધારી રહેલા ભારતને દક્ષિણ એશિયામાં મજબૂત હરીફ બનતા અટકાવવાનો છે. આ ઉપરાંત, વર્ષોથી તિબેટી ધર્મગુરુ દલાઈ લામાને ભારતે આપેલા આશ્રયથી પણ નારાજગી છે. આ માટે જ તે પાકિસ્તાનના ખભે રાખેલી બંદૂક ફોડે છે, જેથી ભારત કાશ્મીરમાં આતંકવાદી પ્રોક્સી યુદ્ધ સહિત ઘરઆંગણાની સમસ્યામાંથી બહાર ન આવે. ચીનને અબજો ડોલરનાં આંધણ સાથેના પોતાના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ વન બેલ્ટ, વન રોડ (ઓબીઓઆર) માટે બગલબચ્ચા સમાન પાકિસ્તાનની બહુ જરૂર છે.
મસૂદે પુલવામા હુમલાને અંજામ આપ્યા પછી પોતાના દુષ્કૃત્યની શેખીપૂર્ણ જાહેર કબૂલાત કરવાથી ચીનની ગણતરીઓમાં અંતરાય ઊભો થયો છે. અત્યાર સુધી ભારત એકલું હતું, પરંતુ હવે વિશ્વસમુદાય તેની પડખે ઉભો રહ્યો હોવાની પ્રતીતી ચીનને થઈ છે. જો આ પ્રસ્તાવ પાસ થયો હોત તો મસૂદ અઝહર ગ્લોબલ આતંકવાદી જાહેર થવા સાથે જ તેની તમામ સંપત્તિની જપ્તી અને વિશ્વભરમાં મુસાફરી કરવા ઉપર પણ પ્રતિબંધ લાગી ગયો હોત.


comments powered by Disqus