BAPSના વડા પૂ. મહંત સ્વામી અત્યારે સારંગપુર છે. તે અગાઉ તીથલમાં ૧૧મી માર્ચે સવારે પૂ. મહંત સ્વામીએ તીથલ BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર નીચે આવતાં ગામોના BAPS મંદિરોની પ્રતિષ્ઠા કરી હતી. ૧૨મીએ તેઓ નવસારી પહોંચ્યા હતા. તેઓ નવસારી પધાર્યા ત્યારે ઉપસ્થિત સંતો અને હરિભક્તોએ તેમનું ઉષ્માપૂર્ણ સ્વાગત કર્યું હતું. ૧૪મીએ નવસારી ગ્રામ્યના હરિભક્તો માટે સમીપ દર્શન અને ૧૫મીએ નવસારી શહેરના હરિભક્તો માટે સમીપ દર્શન યોજાયા હતા. મોટી સંખ્યામાં હરિભક્તોએ પૂ.મહંત સ્વામીના નજીકથી દર્શનનો લાભ લીધો હતો.
૧૬મીએ સમર્પણ દિનની ઉજવણી કરાઈ હતી. નવસારી મંદિર લગભગ તૈયાર થઈ ગયું છે. આગામી ડિસેમ્બર મહિનામાં તેની પ્રતિષ્ઠા થવાની છે. તે નિમિત્તે હરિકૃષ્ણ મહારાજની સુવર્ણ તુલાનું આયોજન કરાયું હતું. બાળકો અને યુવાનોએ સમર્પણ વિષયને અનુલક્ષીને સંવાદ અને નૃત્ય રજૂ કર્યા હતા. આશીર્વચન પાઠવતા પૂ. મહંત સ્વામીએ જણાવ્યું હતું,‘આખા બ્રહ્માંડના પૈસા મૂકે તો પણ ભગવાન તોળાય નહીં, પણ જ્યારે હરખનો ભાવ હોય તો તેનાથી તોળાય છે.’ નવસારીમાં પૂ. મહંત સ્વામીના રોકાણ દરમિયાન સવારની નિત્ય પૂજામાં હરિભક્તોએ મોટી સંખ્યામાં હાજર રહીને તેમના દર્શન અને પૂજાનો લાભ લીધો હતો.૧૮મીએ પૂ. મહંત સ્વામીએ નવસારીથી સારંગપુર જવા પ્રસ્થાન કર્યું હતું. ૧૯મીએ પૂ. મહંત સ્વામી સારંગપુર મંદિરે આવી પહોંચતા સંતો અને હરિભક્તોએ તેમનું સ્વાગત કર્યું હતું. મંદિરમાં ૨૧મીએ પુષ્પદોલોત્સવનું આયોજન કરાયું છે. તેને અનુલક્ષીને સ્વયંસેવક સભાનું આયોજન કરાયું હતું. સ્વયંસેવકોને સેવા વિષે પ્રવચન અને સંવાદ દ્વારા માર્ગદર્શન અપાયું હતું. અંતમાં, પૂ. મહંત સ્વામીએ સૌ સ્વયંસેવકોને પુષ્પોથી રંગ્યા હતા.

