નીસડન ટેમ્પલ તરીકે જાણીતા BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર લંડનમાં ૧૦ માર્ચને રવિવારે તમામ વયજૂથની ૧,૧૦૦થી વધુ મહિલાઓની ઉપસ્થિતિમાં પ્રેરણાદાયક કોન્ફરન્સ સાથે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
મહિલા દિનની ઉજવણી મહિલાઓ અને તેમના માટે મહત્ત્વની બાબતો પ્રત્યે પૂ. મહંત સ્વામીની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળBAPS સ્વામીનારાયણ સંસ્થાની પ્રતિબદ્ધતાને રજૂ કરે છે. યુકેમાં આ વર્ષે થયેલી ઉજવણી BAPS દ્વારા યોજાતી ઉજવણીનું દસમું વર્ષ હતું.
મુખ્ય અતિથિપદેથી મેટ્રોપોલિટન પોલીસ સર્વિસના ડેપ્યુટી આસિસ્ટન્ટ કમિશનર લુસી દ'ઓર્સીના ચાવીરૂપ વક્તવ્ય સાથે બપોરે એક વાગે કાર્યક્રમની શરૂઆત થઈ હતી. એક મહિલા તરીકે વિવિધ કામગીરી વચ્ચે સંતુલન સાધવામાં થયેલા પ્રેરણાદાયી અનુભવોની તેમણે વાત કરી હતી. તેમણે ઉપસ્થિત મહિલાઓને તેમનાં સપના પૂરા કરવા અને ફરજ નિભાવવા અનુરોધ કર્યો હતો.
અન્ય વક્તાઓ અને પેનલિસ્ટ્સમાં સીમા શર્મા (ડેન્ટિસ્ટ, ઉદ્યોગસાહસિક, મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ), લોઈસ સ્ટોનોક (ઈન્ટરનેશનલ કલ્ચરલ એન્ડ ક્રિએટિવ કન્સલ્ટન્ટ) બબીતા શર્મા (BBC ન્યૂઝ અને BBC વર્લ્ડ ન્યૂઝ સહિત ટીવી હોસ્ટ), સોનલ સચદેવ પટેલ (હાર્પર કોલિન્સ ઈન્ડિયાના લેખિકા અને સમાજસેવિકા), સ્મિતા ઓઝા (સિનિયર ડિરેક્ટર ઓફ લીગલ ઓપરેશન્સ ફોર વેરીફોન), આભા થોરાટ-શાહ (બ્રિટિશ એશિયન ટ્રસ્ટના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર), લક્ષ્મી કૌલ (યુકેમાં કન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રીના પ્રતિનિધિ અને વડા) અને રૂપા ગણાત્રા (ઉદ્યોગ સાહસિક, યુકે ગિલ્ડ ઓફ આંત્રપ્રિનિયોર્સના સ્થાપક સભ્ય) જેવી દેશમાં પોતાના ક્ષેત્રમાં પ્રતિભાશાળી મહિલાઓનો સમાવેશ થતો હતો. વક્તવ્યમાં તેમણે પોતાની આંતરિક શક્તિને પડકારીને નિષ્ફળતાને અવસરમાં પલટાવવા મહિલાઓને પ્રોત્સાહિત કરી હતી.
આ કોન્ફરન્સમાં ત્રણ મુખ્ય થીમને કેન્દ્રસ્થાને રખાઈ હતી. પ્રથમ ‘રિફ્લેક્ટ’ થીમ દ્વારા મહિલાઓના વ્યક્તિગત અને સામુહિક વિકાસ પર વિશેષ ભાર મૂકીને છેલ્લાં દસ વર્ષમાં મહિલાઓની વ્યક્તિગત શક્તિઓ અને સિદ્ધિઓ રજૂ કરાઈ હતી. બીજી થીમ ‘પ્રોગ્રેસ’માં મહિલાઓ તેમના વિવિધ કૌશલ્યને વિસ્તારી શકે અને નવા લક્ષ્ય સુધી આગળ વધી શકે તે માટેના ઉપાયો બતાવ્યા હતા. ત્રીજી થીમ ‘શાઈન’ દ્વારા મહિલાઓ તેમની પૂર્ણ ક્ષમતા હાંસલ કરી શકે તે વિશેનું વિઝન રજૂ કરાયું હતું. યુકેમાં BAPSના લી઼ વોલન્ટિયર્સ પૈકીના એક રેના અમીને જણાવ્યું હતું કે દરેક મહિલામાં માત્ર પોતોના માટે જ નહીં પરંતુ, તેમની આસપાસના લોકો માટે પ્રકાશ બનવાની ક્ષમતા હોય છે.
વીડિયો પ્રેઝન્ટેશન, સાંસ્કૃતિક કાર્યક્રમો, પેનલ ડિસ્કશન અને ગણમાન્ય અતિથિઓએ રજૂ કરેલા પ્રેરક વક્તવ્યોના માધ્યમથી આ થીમ્સની સુંદર પ્રસ્તુતિ કરાઈ હતી. યુવતીઓએ કૂકિંગ, હીના, કોસ્મિક પેઈન્ટિંગ તેમજ અન્ય આર્ટ્સ અને ક્રાફ્ટ્સ સહિતની પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો.
કાર્યક્રમના લીડ વોલન્ટિયર અમી દેસાઈએ પ્રેરણાદાયી મહિલાઓએ ઉપસ્થિત રહીને તેમના અનુભવો શેર કર્યા તે બદલ તેમનો આભાર માન્યો હતો.

